સુપ્રિયા તાઈ VS સુનેત્રા ભાભી ! મહારાષ્ટ્રની બારામતીમાં પવાર પરિવાર વચ્ચે જામ્યો ચૂંટણી જંગ
મહારાષ્ટ્રની બારામતી લોકસભા સીટ પર પવાર પરિવારની લડાઈ થઈ રહી છે. અહીં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજીત પવારના પત્ની સુનેત્રા પવાર મેદાનમાં છે. તો સામે શરદ પવારના પુત્રી સુપ્રીયા સુલે ચૂંટણી મેદાનમાં છે.
મુંબઈઃ રાજકારણની વાત હોય અને મહારાષ્ટ્રનું નામ ન આવે તેવું કઈ રીતે બની શકે.. આ વખતે મહારાષ્ટ્રમાં NDA સામે મહાવિકાસ આઘાડીનો મહાજંગ છે... જોકે સૌથી વધુ રસપ્રદ બેઠક છે બારામતી... જે પવાર ફેમિલીનો ગઢ કહેવાય છે. જોકે પવાર પરિવારમાં જ બે ફાંટા પડ્યા બાદ આ ગઢ પર કોણ રાજ કરશે તે મોટો સવાલ છે.. કેમ કે આ જંગમાં એક તરફથી સુપ્રિયા તાઈ.. તો બીજા તરફ છે અજીત દાદાના પત્ની સુનેત્રી ભાભી.... જોકે વારસાની આ જંગમાં કોણ હક્કદાર બનીને નીકળે છે તે સમય બતાવશે..
લોકસભા ચૂંટણીમાં સુપ્રિયા તાઈ.... તો વિધાનસભા ચૂંટણીમાં અજીત દાદાના નામ અને નારા વચ્ચે જ બારામતીનું સમગ્ર રાજકારણ ચાલતું હતું.. પરંતુ 55 વર્ષ બાદ હવે બારામતીમાં એવો સમય આવ્યો છે કે, લોકોએ તાઈ અને દાદામાંથી કોઈ એકની પસંદગી કરવાની છે.. એટલે જ 24ના ચૂંટણી જંગમાં બેટલ ઓફ બારામતીની ચારે બાજુ ચર્ચા થઈ રહી છે..
બારામતીથી જીતની હેટ્રીક લગાવી ચુકેલ સુપ્રીયા સુલે શરદ પવારની પાર્ટી તરફથી જીતનો ચોક્કો મારવાની તૈયારી કરી રહી છે... તો બીજી તરફ NDA તરફથી NCP પ્રમુખ અને અજીત પવારના પત્ની સુનેત્રા પવાર મેદાને છે.. NDA ગઠબંધન અંતર્ગત બારામતી બેઠક અજીત પવારની NCP પાર્ટીને મળી છે. પરંતુ ભાજપ આ બેઠકને NDA તરફથી જીતવા પૂર્ણ તાકાત લગાવી રહ્યું છે. દેવેન્દ્ર ફડણવીસે તો બારામતીમાં પવાર ફેક્ટરને નકારીને આ લડાઈ મોદી અને રાહુલ ગાંધી વચ્ચે હોવાનો દાવો કર્યો...
આ પણ વાંચોઃ એક દિવસ, ત્રણ રાજ્યમાં પ્રચાર, PM મોદીએ સંભાળી કમાન, વિપક્ષો પર કર્યા પ્રચાર
બારામતીની લડાઈને ભાજપ પવાર ફેક્ટરથી હટાવીને મોદી વર્સિસ રાહુલ કેમ કરવા માગે છે, તે પ્રશ્નનો જવાબ મેળવવા ભૂતકાળ પર નજર કરવી પડે.. વર્ષ 1967માં શરદ પવાર પહેલીવાર બારામતીથી ધારાસભ્ય બન્યા... તો વર્ષ 1984માં શરદ પવાર પહેલીવાર બારામતીથી સાંસદ પણ બન્યા.. અને આ બેઠકથી જ તેઓ કુલ 6 વાર સંસદ ગયા.. શરદ પવાર બાદ તેમની પુત્રી સુપ્રિયા સુલે 2009, 2014 અને 2019માં બારામતીથી સંસદ તરીકે ચૂંટાયા.. જ્યારે કે 1991થી અજીત પવાર સતત આ બેઠક પરથી ધારાસભ્ય
બનીને વિધાનસભામાં જાય છે.
જોકે વર્ષ 2014 અને 2019માં મોદી લહેર હોવા છતા ભાજપ બારામતીમાં NCPના કિલ્લાને તોડી ન શક્યું.. પરંતુ આ વખતે ભાજપ કોઈ પણ સંજોગોમાં બારામતી જીતવા તૈયારી કરી રહ્યું છે. ગત વર્ષે જ એનસીપી બે જૂથમાં વહેંચાઈ ગઈ.. અજીત પવાર એનડીએમાં સામેલ થઈને નાયબ મુખ્યમંત્રી બન્યા.. તો શરદ પવાર ઈન્ડિયા ગઠબંધનનો ભાગ છે. 2023માં શરૂ થયેલી વારસાની આ લડાઈ હવે 2024માં બારામતીના દ્વારે આવીને ઉભી છે. જ્યારે અજીત પવારે રાખડી બાંધતી સુપ્રિયા સુલે વિરુદ્ધ જંગનું એલાન કરી દીધું. અને પત્ની સુનેત્રા પવારને મેદાને ઉતારવાની જાહેરાત કરી..
ભાજપ ભલે 2014 અને 2019માં બારામતીમાં કમળ ન ખિલાવી શકી હોય , પરંતુ 2024માં ઘડીયાળ દ્વારા શરદ પવારનો સમય ખરાબ કરવાની તૈયારી જરૂર કરી રહ્યું છે. 2019માં બારામતીમાં સુપ્રિયા સુલેને 6,86,714 વોટ મળ્યા.. તો ભાજપના કંચન રાહુલને 5,30,940 મત મળ્યા હતા.. બંને વચ્ચે મતોનું અંતર 1 લાખ 55 હજાર જેટલું હતું. તે સમયે સુપ્રિયા સુલે સાથે પિતાની વિરાસત અને ભાઈ અજીતનો સાથ હતો.. કહેવાય છે કે, NCPના સંગઠનમાં અજીત પવારની પકડ જોરદાર છે, ત્યારે ગત લોકસભાની તુલનામાં જો અડધો વોટ શેર પણ NDA તરફ શિફ્ટ થાય તો બારામતીનું સમીકરણ બદલાઈ શકે છે. અને વારસાની લડાઈમાં અજીત પવારની દાવેદારી વધુ મજબૂત થઈ શકે છે..