નવી દિલ્હી: સામાજિક કાર્યકર્તા અને વકીલ પ્રશાંત ભૂષણે સોમવારે ભાજપ સરકાર પર દેશમાં ભયનું વાતાવરણ બનાવવાનો આરોપ લગાવતા કહ્યું કે સરકાર વિરુદ્ધ બોલનારા લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. જેએનયુના વિદ્યાર્થી ઉમર ખાલિદ પર અજાણી વ્યક્તિ દ્વારા થયેલા કથિત હુમલાના થોડા સમય બાદ ખૌફ સે આઝાદી કાર્યક્રમમાં અહીં બોલતા ભૂષણે કહ્યું કે 'આ ભય પેદા કરવા માટે કરાયું છે જેથી કરીને કોઈ પણ સરકાર સામે અવાજ ન ઉઠાવે.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે સરકાર વિરુદ્ધ બોલવાના કારણે ઉમર ખાલિદ અને કન્હૈયાકુમાર જેવા લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે અને તેમને દેશદ્રોહી અને નક્સલી કહેવામાં આવી રહ્યાં છે. અમને સોશિયલ મીડિયામાં ગાળો અપાઈ. મહિલાઓને બળાત્કારની ધમકી અપાઈ. ખાલિદ કોન્સ્ટિટ્યૂશન ક્લબમાં આ કાર્યક્રમને સંબોધિત કરવાનો હતો પરંતુ હુમલા બાદ તે એમ કરી શક્યો નહીં.  ભાજપને ફાસીવાદી ગણાવતા ભૂષણે લોકોને અપીલ કરી કે તેઓ આ પ્રકારની માનસિકતા સામે લડે. 


અત્રે જણાવવાનું કે જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલય(જેએનયુ)ના વિદ્યાર્થી અને દેશદ્રોહી નારા મામલે આરોપી ઉમર ખાલિદ પર સોમવારે એક અજાણ્યા વ્યક્તિએ કથિત રીતે ફાયરિંગ કર્યું. તેના પર આ હુમલો દિલ્હીમાં કોન્સ્ટિટ્યૂશનલ ક્લબ બહાર કરવામાં આવ્યો. જો કે આ હુમલામાં ખાલિદનો આબાદ બચાવ થયો હતો. તેને કોઈ નુકસાન થયું નહી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે જ્યારે ખાલિદ ક્લબના ગેટ પર હતો ત્યારે તેના પર બે ગોળી ચાલી. ખાલિદ 'યુનાઈટેડ અગેન્સ્ટ હેટ' સંગઠનના 'ખોફ સે આઝાદી' નામના એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યો હતો. 


એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યાં મુજબ ત્યાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બધા ત્યાં ટી સ્ટોલ પર ઉભા હતાં. એટલામાં એક માણસ આવ્યો. તેણે સફેદ રંગની શર્ટ પહેરી હતી. તેણે ધક્કો માર્યો અને ફાયરિંગ કર્યું. આ જ કારણે ઉમર પડી ગયો અને તેને ગોળી વાગી નહીં. અમે તેને પકડવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે હવામાં ફાયરિંગ કરતો કરતો ત્યાંથી જતો રહ્યો.