પ્રવાસી ભારતીય દિવસ: રાજીવ ગાંધીના નામે PMએ કોંગ્રેસની આકરી ઝાટકણી કાઢી
વારાણસીમાં પ્રવાસી ભારતીય સમ્મેલનને સંબોધિત કરી રહ્યા છે PM મોદી
નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ વારાણસીમાં આયોજીત પ્રવાસી ભારતીય સમ્મેલન દરમિયાન પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના નામે કોંગ્રેસ સરકાર પર ભારે શાબ્દિક પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે, એક પૂર્વ વડાપ્રધાને સ્વીકાર કર્યો હતો કે એક રૂપિયો જ્યારે દિલ્હીથી મોકલવામાં આવે છે તો માત્ર 15 પૈસા જ જનતા સુધી પહોંચે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સમસ્યાને જાણીને કોંગ્રેસ સરકારોએ કંઇ જ નથી કર્યું. તેમણે કહ્યું કે, તેમની સરકારે વ્યવસ્થામાં પરિવર્તન લાવીને સાડા 4 લાખ કરોડ રૂપિયા બચાવ્યા.
તમારામાંથી જ અનેક લોકોએ અમારા દેશનાં એક પૂર્વ વડાપ્રધાનની ભ્રષ્ટાચાર મુદ્દે કહેલી વાત સાંભળી હશે. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર દિલ્હીથી જે પૈસા મોકલે છે તેનાં માત્ર 15 ટકા જ લોકો સુધી પહોંચી શકે છે. આટલા વર્ષ સુધી દેશ પર જે પાર્ટીએ શાસન કર્યું, તેણે દેશને જે વ્યવસ્થા આપી હતી, તેની સચ્ચાઇનો તેમણે સ્વિકાર કર્યો હતો. અફસોસ એ રહ્યો કે ત્યાર બાદ પોતાનાં 10-15 વર્ષનાં શાસનમાં પણ આ લૂંટફાટને લીકેજને બંધ કરવાનો પ્રયાસ ન કરવામાં આવ્યો. દેશનો મધ્યમ વર્ગ ઇમાનદારીથી ટેક્સ આપતો રહ્યો અને જે પાર્ટી આટલા વર્ષો સુધી સત્તામાં રહી, તે આ 85 ટકાની લૂંટને જોવા છતા વણદેખ્યું કરતી રહી. અમે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને 85 ટકાની લૂંટને 100 ટકા ખતમ કરી દીધી છે.
વડાપ્રધાન મોદીએ મંગળવારે ઉત્તરપ્રદેશના વારાણસીમાં ચાલી રહેલા પ્રવાસી ભારતીય દિવસનું ઔપચારિક ઉદ્ધાટન કર્યું. આ પહેલી વાર છે જ્યારે તેનું આયોજન વારાણસીમાં કરવામાં આવી રહ્યું છે. સોમવારે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આગેવાનીમાં યુવા પ્રવાસી ભારતીય દિવસની શરૂઆત થઇ હતી. વડાપ્રધાન મોદી સાથે મોરેશિયસનાં વડાપ્રધાન પ્રવીણ જગન્નાથ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
વડાપ્રધાન મોદીએ અહીં પોતાના સંબોધનમાં કહ્યું કે, હું એક વડાપ્રધાન તરીકે ઉપરાંત કાશીનો સાંસદ હોવાના કારણે તમારુ સ્વાગત કરુ છું. આ દરમિયાન તેમણે ટુમકુરનાં સિદ્ધગંગા મઠના સ્વામીના નિધન અંગે પણ શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, આ સમ્મેલનની શરૂઆત અટલજીએ કરી હતી, પરંતુ તેમના ગયા બાદ પહેલીવાર આ કાર્યક્રમનું સ્વાગત થઇ રહ્યું છે. વડાપ્રધાને કહ્યું કે, બહાર રહીને પણ તમે બધા દેશની શક્તિને વિશ્વ સમક્ષ રજુ કરી રહ્યા છો. તમે બધા ભારતના બ્રાંડ એમ્બેસેડર છો.
વડાપ્રધાને કહ્યું કે, આજે વિશ્વનાં અનેક દેશોના પ્રમુખ એવા લોકો છે જેનાં મુળીયા ભારતમાં છે. તેમણે કહ્યું કે, પહેલા લોકો કહેતા હતા કે, ભારત બદલી શકે નહી, પરંતુ અમે આખી વિચારસરણી જ ફેરવી નાખી. આજે ભારત અનેક મુદ્દે વિશ્વની આગેવાની કરી રહ્યું છે. આ દરમિયાન વડાપ્રધાને પોતાના કાર્યકાળમાં તેમની સરકાર દ્વારા ચલાવાયેલી વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી અને સરકારની મહત્વની ઉપલબ્ધીઓ પણ ગણાવી હતી.
15માં પ્રવાસી ભારતીય દિવસની મુખ્ય થીમ ન્યૂ ઇન્ડિયા રખાઇ છે. વડાપ્રધાન મોદી અહીં અનેક દેશોનાં પ્રતિનિધિઓને મળવા ઉપરાંત મોરેશિયસનાં વડાપ્રધાન પ્રવીણ જગન્નાથ સાથે પણ મુલાકાત યોજશે. આ વખતના પ્રવાસી ભારતીય દિવસની દ્રષ્ટીએ પણ ખાસ છે કે આ વખતે રજીસ્ટ્રેશનનો રેકોર્ડ પણ તુટ્યો છે.