પ્રયાગરાજ : જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર હુમલામાં ઓછામાં ઓછા 40 જવાનો શહીદ થવાની ઘટનાને ધ્યાનમાં રાખીને વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક સમાગમ કુંભ મેળાના પાંચમા પ્રમુખ સ્નાન પર્વ માધી પૂર્ણિમા સ્નાન માટે પ્રશાસને સુરક્ષાના કડક બંદોબસ્ત કર્યા છે. આજે કુંભમાં માધી પૂર્ણિમા સ્નાનના અવસર પર શ્રદ્ધાળુ આસ્થાની ડુબકી લગાવી રહ્યાં છે. આજના પાવન દિવસે અંદાજે 80 લાખ શ્રદ્ધાળુઓના ગંગા અને સંગમમાં સ્નાન કરવાની શક્યતા છે. સ્નાનાર્થીઓ માટે મેળા ક્ષેત્રમાં સુરક્ષાની પર્યાપ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ ઉપરાંત અન્ય સુરક્ષા એજન્સીઓના જવાન સતત દરેક પળે નજર રાખી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુંભ મેળાધિકારી વિજય કિરણ આનંદે સોમવારે જણાવ્યું હતું કે, જો વધુ સુરક્ષા દળોની આવશ્યકતા પડશે તો રિઝર્વથી ફોર્સ લઈને તત્કાલ તૈનાતી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, હાલ મેળા માટે પર્યાપ્ત બળ છે. મેળા ક્ષેત્રમાં 96 કન્ટ્રોલ વોચ ટાવર સ્થાપિત છે. આ સાથે જ મેળા ક્ષેત્રમાં 440 સીસીટીવી કેમેરાની મદદથી સતત નજર રાખવામાં આવી રહી છે. મેળાધિકારીએ જણાવ્યું કે, ત્રિવેણી સ્નાન માટે સવારથી શ્રદ્ધાળુઓની લાઈન લાગેલી છે. મોડી સાંજ સુધી અંદાજે 60થી 70 લાખ લોકોના સ્નાન કરવાની શક્યતા છે. તેમણે કહ્યું કે, રેલ ગાડીઓમાં સીમિત ભીડ આવે છે. જ્યારે કે, ખાનગી વાહનો જેમ કે ટ્રેક્ટર, જીપ, બસ વગેરેથી 90 ટકા શ્રદ્ધાળુઓ સંગમ સ્થળ સુધી પહોંચે છે. 


આનંદે કહ્યું કે, મકર સંક્રાંતિ, વસંત પંચમી અને મૌની અમાવસ્ય સ્નાન પર જે વ્યવસ્થા કરવામાં આવી હતી, તેમાં આ વખતે થોડુ રિસર્ચ કરવામાં આવ્યું છે. મંગળવાનું સ્નાન, શાહી સ્નાન ન હોવાને કારણે અખાડા માર્ગ પર તૈનાત રહેલા જવાનો શહેરના મુખ્ય ચાર રસ્તાઓ પર ભીડ નિયંત્રિત કરવા માટે તૈનાત કરવામાં આવ્યા છે. કુંભ મેળાના ડીઆઈજી કે.પી.સિંહે કહ્યું કે, મેળા મેમેજમેન્ટની સૌથી મોટી જવાબદારી શ્રદ્ધાળુઓના સ્નાન બાદ સુરક્ષિત તેમને રવાના કરવાની છે. દૂરદૂરથી આવેલા શ્રદ્ધાળુઓ માટે અનેક વિશેષ ટ્રેનોની સાથે રાજ્ય પરિવહન નિગમે અલગ-અલગ દિશાઓમાં રોડવેઝની બસોનું સંચાલન શરૂ કર્યું છે. 


તેમણે જણાવ્યું કે, સોમવારે લગભગ 70 લાખ લોકોએ ગંગા અને સંગમમાં ડુબકી લગાવી. આ રીતે સોમવાર અને મંગળવારે સ્નાન કરનારાઓની સંખ્યા અંદાજે દોઢ કરોડ રહેવાની શક્યતા છે.