President Election 2022: રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન પૂર્ણ, સંસદમાં કુલ 99.18 ટકા થયું વોટિંગ, 21 જુલાઈએ પરિણામ
રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન સંપન્ન થઈ ગયું છે. રાજ્ય સભા અને લોકસભાના સાંસદોએ દિલ્હીમાં તો તમામ રાજ્યના ધારાસભ્યોએ પોતાના રાજ્યની વિધાનસભામાં મતદાન કર્યું હતું. હવે 21 જુલાઈએ પરિણામ જાહેર કરવામાં આવશે.
નવી દિલ્હીઃ દેશને 21 જુલાઈએ નવા રાષ્ટ્રપતિ મળવાના છે. આજે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં યોજાયેલું મતદાન પૂર્ણ થઈ ગયું છે. સવારે 10 કલાકે મતદાનની શરૂઆત થઈ હતી અને સાંજે 5 કલાકે મતદાન પૂર્ણ થયું છે. આ દરમિયાન 736માંથી 730 સાંસદોએ પોતાનો મત આપ્યો છે. સાંસદોનું મતદાન 99.18 ટકા થયું છે. તો 6 સાંસદોએ પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો નથી. નોંધનીય છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ અને સંયુક્ત વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હા વચ્ચે ટક્કર છે. પરંતુ સમર્થન જોતા દ્રૌપદી મુર્મૂની જીત નક્કી માનવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિની ચૂંટણીનું પરિણામ 21 જુલાઈએ જાહેર કરવામાં આવશે. 25 જુલાઈએ નવા રાષ્ટ્રપતિ શપથ લેશે.
ચૂંટણીમાં મુર્મૂની દાવેદારી મજબૂત
રાષ્ટ્રપતિ ચૂંટણી માટે દેશભરમાં 4800થી વધુ સાંસદો અને ધારાસભ્યોએ પોતાના મતાધિકારનો પ્રયોગ કરવાનો હતો. 16માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે દેશની સંસદ સિવાય રાજ્ય વિધાનસભાઓમાં પણ મતદાન થયું હતું. હવે 21 જુલાઈએ પરિણામ સામે આવશે અને નવા રાષ્ટ્રપતિ 25 જુલાઈએ શપથ ગ્રહણ કરશે. એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂના પક્ષમાં ભાજપ, જેડીયૂ, બીજેડી, વાઈએસઆરસીપી, બીએસપી, AIADMK, ટીડીપી, શિરોમણિ અકાલી દળ, શિવસેના અને ઝારખંડ મુક્તિ મોર્ચાના ધારાસભ્યોએ મતદાન કર્યું છે. તો કોંગ્રેસ, એનસીપી, સપા, ટીઆરએસ જેવી પાર્ટીઓએ યશવંત સિન્હાનું સમર્થન કર્યું હતું. પરંતુ અનેક રાજ્યોમાં ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ પણ કર્યું છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube