President Election 2022: દેશના 15માં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ અને એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ આ ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી. દ્રૌપદી મુર્મૂ 25 જુલાઈએ રાષ્ટ્રપતિ પદના શપથ લેશે. ભારતમાં વર્ષોથી ચાલી આવેલી પરંપરા છે કે નવા રાષ્ટ્રપતિ 25 જુલાઈના રોજ શપથ લે છે. આ પરંપરા વિશે ખાસ જાણવા જેવું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અગાઉ હાલના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, તેમના પહેલાના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને પ્રતિભા પાટિલે પણ 25 જુલાઈના રોજ શપથ લીધા હતા. આ બધા અગાઉ પણ જે રાષ્ટ્રપતિ બન્યા તેમણે 25 જુલાઈના રોજ શપથ લીધી હતી. અત્યાર સુધીમાં દેશના કુલ 9 રાષ્ટ્રપતિઓએ 25 જુલાઈએ શપથ લીધી છે. 


અત્રે જણાવવાનું કે ભારતમાં રાષ્ટ્રપતિનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે અને દર પાંચ વર્ષમાં એકવાર લોકસભા, રાજ્યસભા અને રાજ્ય વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યો મળીને રાષ્ટ્રપતિને ચૂંટી કાઢે છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એક ખાસ પ્રકારની પ્રક્રિયાનું પાલન કરાય છે તે આપણે જાણ્યું. 


રાષ્ટ્રપતિ પદના શપથ કેમ 25 જુલાઈએ લે છે
સીધા શબ્દોમાં કહીએ તો તેની પાછળ કોઈ કારણ નથી. છઠ્ઠા રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડી અને ત્યારબાદ અત્યાર સુધીના તમામ રાષ્ટ્રપતિઓએ પોતાનો કાર્યકાળ પૂરો કર્યો છે. અગાઉ જાણ્યું તેમ રાષ્ટ્રપતિનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે. નીલમ સંજીવ રેડ્ડી, અને ત્યારબાદ અત્યાર સુધીના 7 રાષ્ટ્રપતિઓ એમ કુલ 8 રાષ્ટ્રપતિએ પોતાનો કાર્યકાળ પૂરો કર્યો. આથી દર વખતે તેમનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થવાની સાથે જ 25 જુલાઈએ નવા રાષ્ટ્રપતિ શપથ લે છે. હાલના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ પણ 24 જુલાઈએ પૂરો થવા જઈ રહ્યો છે. આથી આ વખતે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીતેલા ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ 25 જુલાઈએ શપથ લેશે. 


કયા રાષ્ટ્રપતિએ પહેલીવાર 25 જુલાઈએ લીધા શપથ
દેશન છઠ્ઠા રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડી પહેલા રાષ્ટ્રપતિ હતા જેમણે 25 જુલાઈએ શપથ લીધા. દેશમાં ઈમરજન્સી બાદ જ્યારે પહેલીવાર રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી થઈ ત્યારે પૂર્વમાં જનતા પાર્ટીના નેતા રહી ચૂકેલા નીલમ સંજીવ રેડ્ડી દેશના રાષ્ટ્રપતિ ચૂંટાઈ આવ્યા. તેમણે 25 જુલાઈ 1977ના રોજ દેશના રાષ્ટ્રપતિ પદના શપથ લીધા. 


કેટલા રાષ્ટ્રપતિઓએ 25 જુલાઈએ નથી લીધા શપથ
અત્યાર સુધીમાં 5 રાષ્ટ્રપતિ એવા રહ્યા કે જેમણે 25 જુલાઈએ શપથ લીધા નથી. તેમાં સૌથી પહેલું નામ પહેલા રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદનું આવે છે. તેમણે 26 જાન્યુઆરી 1950ના રોજ પદના શપથ લીધા હતા અને અત્યાર સુધીમાં તેઓ એકમાત્ર એવા રાષ્ટ્રપતિ છે જેઓ એક કરતા વધુ કાર્યકાળ માટે ચૂંટાયા. દેશના બીજા રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણને 13 મે 1962ના રોજ શપથ લીધા હતા. જ્યારે ઝાકિર હુસૈને 13 મે 1967ના રોજ ત્રીજા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. ઝાકિર હુસૈનનું તેમના કાર્યકાળ દરમિયાન નિધન થયું હતું. ત્યારબાદ ચોથા રાષ્ટ્રપતિ વીવી ગિરીએ 24 ઓગસ્ટ 1969ના રોજ રાષ્ટ્રપતિ પદના શપથ લીધા. જ્યારે પાંચમા રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદે 24 ઓગસ્ટ 1974ના રોજ શપથ લીધા. પાંચમા રાષ્ટ્રપતિનું પણ તેમના કાર્યકાળ દરમિયાન જ નિધન થયું હતું. 


આ દરમિયાન ત્રણવાર એવું પણ બન્યું કે જ્યારે દેશમાં કાર્યવાહક રાષ્ટ્રપતિ બન્યા. પહેલીવાર ત્યારે જ્યારે ઝાકિર હુસૈનનું નિધન થયું તો તે સમયે વીવી ગિરી 3 મે 1969ના રોજ 78 દિવસ સુધી કાર્યવાહક રાષ્ટ્રપતિ રહ્યા. ત્યારબાદ 20 જુલાઈ 1969થી આગામી 35 દિવસ સુધી મોહમ્મદ હયાતુલ્લા કાર્યવાહક રાષ્ટ્રપતિ બન્યા. પાંચમા રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદના નિધન બાદ બીડી જત્તી પણ 11 ફેબ્રુઆરી 1977થી આગામી 164 દિવસ સુધી કાર્યવાહક રાષ્ટ્રપતિ રહ્યા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube