રાષ્ટ્રપતિની આપને રાહત, 27 ધારાસભ્યોને અયોગ્ય ઠેરવતી અરજી રદ્દ
શહેરની અનેક નામાંકિત હોસ્પિટલ સાથે જોડાયેલી રોગી કલ્યાણ સમિતીના પ્રમુખ સ્વરૂપે ધારાસભ્યોની નિયુક્તિ બાદ સમગ્ર મુદ્દો વિવાદમાં આવ્યો હતો
નવી દિલ્હી : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આમ આદમી પાર્ટીનાં 27 ધારાસભ્યોની વિધાનસભાની સભ્યતા રદ્દ કરવા માટેની અરજી ફગાવી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, તેમનાં પર લાભનાં પદ મુદ્દે થયેલા વિવાદ બાદ આપનાં 27 ધારાસભ્યોની સીટો પર સંકટ પેદા થયું હતું. શહેરની પ્રતિષ્ઠિત હોસ્પિટલમાં રહેલી રોગી કલ્યાણ સમિતીનાં પ્રમુખ તરીકે નિયુક્તિ બાદ ધારાસભ્યો પર લાભનાં પદનો આરોપ લાગ્યો હતો.
ચૂંટણી પંચનાં એક વરિષ્ઠ અધિકારી દ્વારા ગુરૂવારે રાષ્ટ્રપતિ દ્વારા અપાયેલા મંતવ્ય બાદ 27 ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાની અરજી રદ્દ કરી હતી. ચૂંટણી પંચે અરજી વિચાર યોગ્ય નહી હોવાનું જણાવ્યું હતું. આ પ્રકારની અરજી રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવે છે, જેને વિચારણાં અને કાયદાકીય સલાહ માટે રાષ્ટ્રપતિ ચૂંટણી પંચ પાસે મોકલી દેતા હોય છે. ત્યાર બાદ તેની યોગ્ય તપાસ કરીને ચૂંટણી પંચ પોતાનું મંતવ્ય વ્યક્ત કરતા હોય છે. જેના આધારે રાષ્ટ્રપતિ આદેશ બહાર પાડે છે.
દિલ્હી સરકારનાં સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા 26 એપ્રીલે બહાર પડાયેલા આદેશ અનુસાર રોગી કલ્યાણ સમિતી સલાહકાર સમિતીની ગરજ સારે છે. જેથી સ્વાસ્થય સુવિધાઓને વધારે યોગ્ય અને રણનીતિને વધારે મજબુત બનાવવામાં મદદ કરે છે. આ આદેશમાં તેમ પણ જણાવાયું હતું કે, દરેક વિધાનસભા વિસ્તારની રોગી કલ્યાણ સમીતિને વાર્ષીક 3 લાખ રૂપિયા ફાળવવામાં આવશે.