Presidential Election Result: ભારતને મળશે 15મા રાષ્ટ્રપતિ, દ્રૌપદી મુર્મૂની જીત નક્કી, આજે મતગણના
Presidential Election Result: ભારતના આગામી રાષ્ટ્રપતિ કોણ હશે... તે ગુરૂવારે નક્કી થઈ જશે. 18 જુલાઈએ રાષ્ટ્રપતિની યોજાયેલી ચૂંટણીની મત ગણતરી ગુરૂવારે સંસદ ભવનમાં યોજાશે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ અને સંયુક્ત વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હા વચ્ચે મુકાબલો હતો.
નવી દિલ્હીઃ દેશના આગામી રાષ્ટ્રપતિ કોણ હશે? તેનો જવાબ ગુરૂવાર 21 જુલાઈએ મળી જશે. નોંધનીય છે કે 18 જુલાઈએ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં થયેલા મતદાનનું પરિણામ ગુરૂવારે આવશે. સવારે 11 કલાકે મત ગણતરી શરૂ થશે અને સાંજ સુધી પરિણામની જાહેરાત થઈ જશે. મત ગણતરી રૂમ નંબર 63માં કરવામાં આવશે. આ રૂમમાં મતદાન પણ થયું હતું. મત ગણતરી માટે તમામ રાજ્ય વિધાનસભાઓમાંથી મત પેટીઓ પહોંચી ચુકી છે.
આ રીતે થશે મતની ગણતરી
સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી પ્રમાણે સૌથી પહેલા સંસદ ભવનમાં થયેલા મતદાનની ગણતરી થશે. સંસદ ભવનમાં કુલ 730 મત પડ્યા હતા. આ મતોની ગણતરી બાદ રાજ્યોની ગણતરી થશે. ત્યારબાદ અંગ્રેજી વર્ણમાલાના ક્રમાનુસાર 10 રાજ્યોની મત પેટી એક બાદ એક કાઢવામાં આવશે. ઉદાહરણ માટે પહેલા 10 રાજ્યોમાં આંધ્ર પ્રદેશ, અસમ, બિહાર, ગુજરાત, હરિયાણા, છત્તીસગઢ અને ઝારખંડ જેવા રાજ્યો સામેલ છે.
દ્રૌપદી મુર્મૂ ઈતિહાસ રચવાની નજીક
ભાજપના સાંસદ રાજકુમાર ચાહરે જણાવ્યુ કે આંકડા પક્ષમાં હોવાને કારણે એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂની જીત નક્કી માનવામાં આવી રહી છે. વિપક્ષી ઉમેદવાર યશવંત સિન્હાની સંભાવનાઓ એટલે ઓછી થઈ ગઈ છે કારણ કે અલગ અલગ રાજ્યોમાંથી દ્રૌપદી મુર્મૂના પક્ષમાં ક્રોસ વોટિંગના સમાચાર પણ સામે આવ્યા હતા. મુર્મૂના ચૂંટણી અભિયાનને જોઈ રહેલા ભાજપના સૂત્રએ દાવો કર્યો કે મુર્મૂને ઓછામાં ઓછા 65 ટકા મત જરૂર મળશે, જેથી તેમની જીત નક્કી છે.
મૂર્મુ બનશે પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ
એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ ચૂંટણી જીતવાની સાથે એક નવો ઈતિહાસ રચશે. તે ભારતના સૌથી સર્વોચ્ચ પદ પર પહોંચનાર પ્રથમ આદિવાસી અને બીજા મહિલા હશે. તો દેશને આઝાદી બાદ જન્મ થયો હોય તેવા પ્રથમ રાષ્ટ્રપતિ મળશે. અત્યાર સુધી દેશમાં જે વ્યક્તિ રાષ્ટ્રપતિ બન્યા છે તે બધાનો જન્મ આઝાદી પહેલા થયો હતો. તો નવા રાષ્ટ્રપતિ 25 જુલાઈએ શપથ ગ્રહણ કરશે.
સૌથી વધુ મત યૂપીથી
આ વખતે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાતા મંડળમાં કુલ 4809 મતદાતા છે. તેમાંથી 776 સાંસદ જ્યારે 4033 ધારાસભ્યો છે. સાંસદોના એક મતનું મૂલ્ય 700 છે, જ્યારે ધારાસભ્યોના એક મતનું મૂલ્ય રાજ્યો પ્રમાણે અલગ-અલગ છે. ધારાસભ્યોના એક મતનું મૂલ્ય સૌથી વધુ 208 ઉત્તર પ્રદેશમાં છે, જ્યારે સૌથી ઓછુ 7 મત સિક્કિમમાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube