નવી દિલ્હી: વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ પૂરો થવાની તૈયારી છે ત્યારે નવા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. જુલાઈમાં થનારી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે એક અપડેટ એ છે કે હવે સાંસદોના મતનું મૂલ્ય જે પહેલા 708 હતું તે ઘટીને 700 થઈ જશે. જેની પાછળ એક મહત્વનું કારણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત જાણે એમ છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતનું મૂલ્ય અન્ય ચૂંટણી કરતા અલગ હોય છે. રાજ્યોના ધારાસભ્યોના મતના મૂલ્યના આધારે સાંસદોના મતની કિંમત નક્કી થતી હોય છે. આ વખતે સાંસદોના મતનું મૂલ્ય ઘટવાનું કારણ છે જમ્મુ અને કાશ્મીર વિધાનસભા. રાજ્યની વિધાનસભા ભંગ થવાથી મતના મૂલ્ય પર અસર થઈ છે. જમ્મુ અને કાશ્મીરમાં હજુ પણ વિધાનસભા કાર્યરત નથી. જમ્મુ અને કાશ્મીરની વાત કરીએ તો અહીંના વિધાયકના મતનું મૂલ્ય 72 છે. રાજ્યની વિધાનસભામાં 87 સભ્યો હોય છે. આથી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 87 ધારાસભ્યોના મતનું મૂલ્ય 6264 થાય છે. 


આ રીતે થાય છે ગણતરી
એ રીતે જો દેશની અન્ય તમામ વિધાનસભાઓના મતોનું મૂલ્ય કરીએ તો હાલ 5,49,495 થાય છે પરંતુ તેમાંથી જમ્મુ અને કાશ્મીર વિધાનસભાના મતનું મૂલ્ય બાદ થઈ જશે. આથી આ વખતે મતનું કુલ મૂલ્ય 5,43,231 રહેશે. ચૂંટણીમાં સાંસદોના મતનું મૂલ્ય વિધાનસભાના કુલ મત મૂલ્યથી કાઢવામાં આવતું હોય છે. દાખલા તરીકે સંસદના નીચલા ગૃહ લોકસભા અને ઉપલા ગૃહ રાજ્યસભાના કુલ 776 સાંસદો છે. કુલ મૂલ્ય 5,49,495 ને સાંસદોની સંખ્યાથી ભાગવામાં આવે તો મતનું મૂલ્ય 708 થાય. પરંતુ આ વખતે કુલ મૂલ્ય ઘટીને 5,43,231 થતા હવે મત મૂલ્ય 700 રહેશે. 


આટલી સીટો ખાલી
જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા હાલ કાર્યરત ન હોવાથી રાજ્યસભાની ત્યાંથી ચાર બેઠકો પણ ખાલી છે. જેની અસર રાષ્ટ્રપતિ ચૂંટણી પર પડશે. એટલે કે મતનું મૂલ્ય 2800 ઘટી જશે. અત્રે જણાવવાનું કે 2019માં જ્યારે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370ની જોગવાઈઓ હટાવવામાં આવી અને રાજ્યના બે ભાગ કરાયા ત્યારે જમ્મુ કાશ્મીર પુર્નગઠન અધિનિયમ મુજબ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા રહેશે જ્યારે લદાખ પર સીધુ કેન્દ્રનું જ શાસન હશે. હાલમાં જ જમ્મુ અને કાશ્મીર માટે બનાવવામાં આવેલા પરિસીમન આયોગે 90 સભ્યની વિધાનસભાની ભલામણ કરી છે. પરંતુ હજુ તેમાં સમય લાગી શકે છે. એ જોતા હવે આ રાજ્યના વિધાનસભા સભ્ય રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાગ લઈ શકશે નહીં. 


મતના મૂલ્ય વિશે કેટલીક રોચક માહિતી
- વર્ષ 1997ની રાષ્ટ્રપતિ ચૂંટણી બાદ સંસદસભ્યના મતનું મૂલ્ય 708 નક્કી કરાયું છે. 
- વર્ષ 1952માં પ્રથમ રાષ્ટ્રપતિ ચૂંટણી માટે એક સાંસદના મતનું મૂલ્ય 494 હતું.
- 1957ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વધીને 496 થયું હતું. ત્યારબાદ 1962માં 493, અને 1969માં 576 થયું. 
- 1974ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં એક સાંસદના મતનું મૂલ્ય 723 હતું. 1977 થી 1992 સુધી 702 નક્કી કરાયું હતું. 


ગુજરાતમાં પણ થયું હતું આવું
કોઈ રાજ્યના વિધાનસભાના વિધાયક રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાગ ન લઈ શકે તેવું આ પહેલીવાર નથી બન્યું. આ અગાઉ ગુજરાતમાં પણ થયું હતું. 1974માં નવનિર્માણ આંદોલન બાદ 182 સભ્યોવાળી ગુજરાત વિધાનસભાને માર્ચમાં ભંગ કરાઈ હતી. તે સમયે પણ રાષ્ટ્રપતિ ચૂંટણી વખતે વિધાનસભા નવેસરથી રચાઈ નહતી જેના કારણે સભ્યો ચૂંટણીમાં ભાગ લઈ શક્યા નહતા. તે સમયે નવા રાષ્ટ્રપતિ તરીકે ફકરુદ્દીન અલી અહેમદ ચૂંટાઈ આવ્યા હતા. જો કે જમ્મુ અને કાશ્મીરના લોકસભા સાંસદો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. 


Madhya Pradesh: ઈન્દૌરમાં માથાભારે પ્રેમીના કારણે સર્જાયો હતો આગકાંડ! જેણે 7 લોકોના જીવ લીધા


આ તો ગજબ! બે બોટલ દારૂ ગટકાવ્યો પણ નશો ચડ્યો જ નહીં, ગૃહમંત્રીને કરી ફરિયાદ


Chardham Yatra 2022: વૈદિક મંત્રોચ્ચાર સાથે બદ્રીનાથ ધામના કપાટ ખુલ્યા, ખાસ જુઓ Video


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube