ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં પ્રતિ સિલિન્ડર રૂ.133નો ઘટાડો
દિલ્હીમાં સબિસિડી વગરના એક સિલિન્ડરના ભાવમાં રૂ.133નો ઘટાડો થઈને રૂ.809નો થયો, સબસિડી ધરાવતા સિલિન્ડરના ભાવમાં રૂ.6.52નનો ઘટાડો, વૈશ્વિક બજારમાં ખનીજ તેલના ભાવમાં થયેલા ઘટાડાને પગલે આ ઘટાડો થયો છે
નવી દિલ્હીઃ ઘરેલુ રાંધણ ગેસ (LPG)માં પ્રતિ સિલિન્ડર શુક્રવારે રૂ.6.52 જેટલો મોટો ઘટાડો નોંધાયો હતો. છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસમાં વધારો થતાં લોકો મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા ત્યારે હવે પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવમાં જે રીતે ઘટાડો થઈ રહ્યો છે તેનાથી લોકોને રાહતનો અનુભવ થઈ રહ્યો છે. 14.2 કિગ્રામના સબિસિડી ધરાવતા LPG સિલિન્ડરની કિંમત દિલ્હીમાં હવે રૂ.500.90 થઈ જશે, જે વર્તમાનમાં રૂ.500.42 હતી. ભારતની સૌથી મોટી ઈંધણ સપ્લાયર કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા આ જાહેરાત કરાઈ હતી.
છ મહિના બાદ રાંધણ ગેસની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. LPGની કિંમતમાં થયેલા આ ઘટાડા અગાઉ એક બોટલની કિંમતમાં રૂ.14.13 જેટલો વધારો થઈ ગયો હતો. છેલ્લે 1 નવેમ્બરના રોજ સબસિડીવાળા રાંધણ ગેસના બોટલ પર રૂ.2.94નો વધારો કરવામાં આવ્યો હતો.
આઈઓસીએ જણાવ્યું કે, સબસિડી વગરના અને બજાર કિંમતે વેચાતા LPGના ભાવમાં પ્રતિ સિલિન્ડર રૂ.133નો ઘટાડો કરાયો છે. આંતરરાષ્ટ્રીય ધોરણે ખનીજ તેલના ભાવમાં થયેલા ઘટાડા અને રૂપિયાની કિંમતમાં ડોલરની કિંમતની સરખામણીએ થયેલા વધારાને કારણે રાંધણ ગેસના ભાવમાં આ ઘટાડો નોંધાયો છે. બજાર કિંમતના 14.2 કિગ્રા સિલિન્ડરનો ભાવ હવે દિલ્હીમાં રૂ.809.50 રહેશે. LPGના તમામ ગ્રાહકોએ હવે બજાર કિંમતે રાંધણ ગેસ ખરીદવાનો રહેશે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ પરિવાર એક વર્ષમાં 14.2 કિગ્રામના 12 સિલિન્ડર સબસિડી ધરાવતા ભાવમાં આપવામાં આવે છે. આ સબસિડી જે-તે ગ્રાહકના બેન્ક એકાઉન્ટમાં સીધી જમા કરવામાં આવે છે. સબસિડીની કિંમત ફોરેન એક્સચેન્જ રેટ અને LPGના આંતરરાષ્ટ્રીય ભાવને ધ્યાનમાં રાખીને દરેક મહિને બદલાતી રહેતી હોય છે. જ્યારે આંતરરાષ્ટ્રીય ભાવ ઊંચા જાય છે, ત્યારે સરકાર દ્વારા વધુ સબસિડી ચૂકવવામાં આવતી હોય છે. જ્યારે આંતરરાષ્ટ્રીય ભાવ નીચા જાય ત્યારે સબસિડીમાં પણ ઘટાડો કરવામાં આવે છે.
આઈઓસીએ જણાવ્યું કે, "શુક્રવારે LPGના ભાવમાં થયેલા ઘટાડાને પગલે હવે ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં પ્રતિ સિલિન્ડર રૂ.133નો ઘટાડો થયો છે. આથી ડિસેમ્બર મહિનામાં દિલ્હીના બજારમાં ગ્રાહક અગાઉ જે LPGના એક સિલિન્ડરના રૂ.942.50 ચૂકવતો હતો, તેને બદલે હવે તેણે રૂ.809.50 ચૂકવવાના રહેશે."
સબસિડી રાંધણ ગેસનું કનેક્શન ધરાવતા ગ્રાહકોને ડિસેમ્બર મહિનામાં પ્રતિ સિલિન્ડર રૂ.308.60 પૈસાની સબસિડી તેમના ખાતામાં જમા કરી આપવામાં આવશે. નવેમ્બર મહિનામાં ગ્રાહકોને રૂ.433.66 જેટલી સબસિડી ચૂકવવામાં આવતી હતી.