રાફેલ વિમાનની કિંમત એક રાષ્ટ્રીય રહસ્ય છેઃ રાહુલ ગાંધી
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ વિમાન ડીલને લઈને ફરી વડાપ્રધાન પર હુમલો કર્યો છે.
નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ વિમાન ડીલને લઈને ફરી વડાપ્રધાન પર હુમલો કર્યો છે. રાહુલે શનિવારે વ્યંગ કરતા કહ્યું કે, રાફેલ વિમાનની કિંમત એક રાષ્ટ્રીય રહસ્ય છે, કારણ કે સરકાર સર્વોચ્ચ કોર્ટમાં તેનો ખુલાસો કરવા ઈચ્છતી નથી. રાહુલ ગાંધીએ વ્યંગ્યાત્મક રીતે ટ્વીટ કર્યું, વડાપ્રધાનને ખબર છે, રક્ષા મંત્રાલયના બાબુઓને પણ ખ્યાલલ છે. દસોમાં બધાને ખબર છે. દસોના તમામ પ્રતિસ્પર્ધિઓને પણ ખબર છે. પરંતુ રાફેલની કિંમત એક રાષ્ટ્રીય રહસ્ય છે, જેનો ખુલાસો સર્વોચ્ચ ન્યાયાલયમાં ન કરી શકાય.
તેમનું આ નિવેદન મીડિયાના તે અહેવાલ બાદ આવ્યું છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે 2016માં સરકાર દ્વારા ફ્રાન્સની કંપની દસો પાસેથી રાફેલ વિમાન ખરીદવાનો સોદો કરવામાં આવ્યો, તેમાં પ્રત્યેક વિમાનની કિંમત પૂર્વમાં 2012માં દસો દ્વારા 126 મધ્યમ બહુ-ભૂમિકા લડાકૂ વિમાનના સોદા દરમિયાન રજૂ કરવામાં આવેલી પ્રત્યેક વિમાનની કિંમતથી 40 ટકા વધુ છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે, દસોને 126 રાફેલ વિમાનો માટે 19.5 અરબ યૂરોની રકમ મળી હતી. આ રીતે વિમાનની કિંમત 15.5 કરોડ યૂરો થાય છે.
રિપોર્ટ અનુસાર, 36 રાફેલ વિમાનનો સોદો 7.85 અરબ યૂરોમાં થયો હતો. આ પ્રકારે એક વિમાનની કિંમત 21.7 કરોડ યૂરો થાય છે, જે 2012ની કિંમતથી 40 ટકા વધુ છે. સર્વોચ્ચ ન્યાયાલયે બુધવારે રાફેલ જેટ ડીલ વિશે સરકારને વધુ જાણકારી આપવાનું કહ્યું છે, જેમાં વિમાનની કિંમત અને તેનાથી થનારા લાભની યાદી માંગી છે. કોર્ટે સરકારને કિંમતની જાણકારી જાહેર કરવામાં આવી રહેલી મુશ્કેલીને લઈને એક એફિડેવિડ દાખલ કરવાનું કહ્યું છે.