ભવિષ્યમાં રાષ્ટ્રની સુરક્ષા માટે મોટા અને આકરા નિર્ણય લઈશું: પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દિલ્હીમાં નેશનલ કેડેટ કોર્પ્સ (એનસીસી)ની રેલીમાં ભાગ લીધો.
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દિલ્હીમાં નેશનલ કેડેટ કોર્પ્સ (એનસીસી)ની રેલીમાં ભાગ લીધો. અહીં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. ત્યારબાદ તેમણે રેલીન સંબોધન કર્યું. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં સેનાના પરાક્રમ અને દેશની સુરક્ષા પર વાત કરી. તેમણે કહ્યું કે આવનારા સમયમાં રાષ્ટ્રની સુરક્ષા માટે જરૂરી એવા કડક અને મોટા નિર્ણય લેવામાં આવશે.
પીએમ મોદીએ કહ્યું કે સ્વચ્છ ભારત અભિયાન હોય કે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન, પર્યાવરણ સંબંધિત મુદ્દા હોય, જન જાગૃત્તિ જેવા અનેક મુદ્દાઓને લઈને એનસીસીના કેડેટ્સે પ્રશંસનીય કાર્ય કર્યા છે.
અહીં તેમણે દેશ પર ડોરા નાખતા દુશ્મનોને સાવધાન કરતા કહ્યું કે આપણી સેનાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે અમે કોઈને છેડતા નથી પરંતુ કોઈએ અમને છેડ્યા તો પછી અમે તેમને છોડતા પણ નથી. તેમણે કહ્યું કે અમે શાંતિના પ્રબળ સમર્થક છીએ પરંતુ રાષ્ટ્રની સુરક્ષા માટે કોઈ પણ પગલું ભરતા ચૂકીશું નહીં. આજે સમગ્ર વિશ્વ કહી રહ્યું છે કે ભારત માત્ર સંભાવનાઓથી ભરેલો દેશ નથી પરંતુ તેને સાકાર પણ કરી રહ્યું છે.