મહાજીત બાદ બોલ્યા પીએમ મોદી, કહ્યું- મોટા સપનાની સાથે દેશને આગળ વધારવો છેઃ
Election Result 2022: ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, મણિપુર અને ગોવામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની રહી છે. પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપે મોટી જીત મેળવી છે. પીએમ મોદી જીતનો જશ્ન મનાવવા માટે દિલ્હી ભાજપ ઓફિસે પહોંચ્યા છે.
નવી દિલ્હીઃ આજે પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા છે. ભાજપે ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં મોટી જીત મેળવી સત્તામાં વાપસી કરી છે. ઉત્તર પ્રદેશમાં તો ભાજપે ઈતિહાસ રચી દીધો છે. ભાજપને યુપીમાં 270 જેટલી સીટો મળી રહી છે. આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપના કાર્યાલય પર પહોંચી ગયા છે. અહીં પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું છે. પીએમ મોદી કાર્યકર્તાઓને સંબોધિત કરશે...
પીએમ મોદીના સંબોધનની મોટી વાતો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે યુપીમાં બીજીવાર આટલી મોટી જીત ખુબ મોટી વાત છે. પીએમ મોદીએ કહ્યુ કે, ઉત્તરાખંડમાં પણ ભાજપે ઈતિહાસ રચ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યુ કે, ગોવામાં તમામ એક્ઝિટ પોલ ખોટા પડ્યા છે.
પીએમ મોદીએ કહ્યુ કે, કાર્યકર્તાઓએ ખુબ મહેનત કરી છે. કાર્યકર્તાઓએ પોતાનું વચન પાળ્યુ છે. પીએમ મોદીએ કહ્યુ કે, આપણે જનતાનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યા. તેમણે કહ્યું કે, કાર્યકર્તાઓની મદદથી ભાજપે વિજયી ચોગ્ગો ફટકાર્યો છે.
પીએમ મોદીએ કહ્યુ કે ઉત્તર પ્રદેશે દેશને અનેક પ્રધાનમંત્રી આપ્યા છે, પરંતુ 5 વર્ષનો કાર્યકાળ પૂરો કરનાર મુખ્યમંત્રી બીજીવાર જીત્યા હોય તેવું પ્રથમ ઉદાહરણ છે. યુપીમાં 37 વર્ષ બાદ કોઈ પાર્ટીએ સતત બીજીવાર સરકાર બની છે.
પ્રધાનમંત્રીએ પોતાના ભાષણમાં આગળ કહ્યુ કે, સરકારની યોજનાઓ અને નીતિઓ પર મતદાતાઓએ મહોર લગાવી છે. અમે યોજનાઓની ડિલીવરી સિસ્ટમને મજબૂત કરી છે. ગરીબોના ઘર સુધી તેનો ફાયદો પહોંચશે નહીં ત્યાં સુધી હું શાંતિથી બેસવાનો નથી. યોજનાઓને ગરીબો સુધી 100 ટકા સુધી પહોંચાડવા માટે ખુબ હિંમતની જરૂર પડી, પરંતુ અમે કરી દેખાડ્યું છે.
અમારૂ સૌભાગ્ય છે કે મહિલાઓ, પુત્રીઓએ ભાજપને મત આપ્યા છે. સ્ત્રી શક્તિ ભાજપની સારથી બની છે. પીએમ મોદીએ જણા્યુ કે, જ્યાં જ્યાં પાર્ટી ઉમેદવારોનેજીત મળી, ત્યાં મહિલાઓ અને દિકરીઓના મત વધુ મળ્યા. પીએમ મોદીએ કહ્યુ કે, માતા-બહેનો સતત ભાજપ પર વિશ્વાસ વ્યક્ત કરી રહી છે.
પીએમ મોદીએ કહ્યુ કે, હું પંડિતોને કહેવા ઈચ્છુ છું કે યુપીની જનતાને જાતિવાદી નજરથી જોવાનું બંધ કરે. કેટલાક લોકો યુપીને તે કહીને બદનામ કરે છે કે ત્યાં માત્ર જાતિ ચાલે છે. પરંતુ રાજ્યની જનતાએ 2014, 2017, 2019 અને 2022માં માત્ર અને માત્ર વિકાસવાદની રાજનીતિને પસંદ કરી છે.
2024ની ચૂંટણી પર બોલ્યા પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યુ કે, 2019માં અમે બીજીવાર જીતીને આવ્યા તો કેટલાક જ્ઞાનિઓએ કહ્યુ હતુ કે આ તો 2017ની વિધાનસભા ચૂંટણીથી નક્કી હતુ કે લોકસભા ચૂંટણીમાં ભાજપ જીતશે. એટલે કે 2022ની ચૂંટણીએ 2024નું પરિણામ નક્કી કરી દીધુ છે.
તો પંજાબ ચૂંટણી પરિણામને લઈને પીએમ મોદીએ કહ્યુ કે, ભાજપ એક શક્તિના રૂપમાં ઉભરી છે. સરહદી રાજ્ય હોવાને નાતે અલગાવવાદી રાજનીતિથી સતર્ક રાખવા માટે ભાજપના કાર્યકર્તા જીવની બાજી લગાવી દેશે. મહત્વનું છે કે પંજાબમાં આમ આદમી પાર્ટીને જીત મળી છે.
યુદ્ધને કારણે દુનિયામાં મોંઘવારી વધી રહી છેઃ મોદી
પ્રધાનમંત્રી મોદીએ પોતાના ભાષણમાં રશિયા-યુક્રેનના યુદ્ધનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, આ યુદ્ધની અસર દુનિયા પર પડી રહી છે. ભારત આ મામલામાં શાંતિ ઈચ્છે છે. પરંતુ આ યુદ્ધથી ભારતની આર્થિક સ્થિતિ પર પણ અસર પડી રહી છે. કાચા તેલથી લઈને કોલસા અને ગેસ વગેરેમાં કલ્પનાથી વધારે ઉછાળ આવી રહ્યો છે. યુદ્ધને કારણે દુનિયામાં મોંઘવારી વધી રહી છે.
તેમણે કહ્યું કે, આ તમામ મુશ્કેલી વચ્ચે આ વખતના બજેટ પર નજર કરીએ તો દેશ આત્મનિર્ભરની ભાવના પર આગળ વધી રહ્યો છે. હું માનુ છું કે આ ઉથલ-પાથલ ભરેલા માહોલમાં ભારતની જનતાએ વિશેષ કરીને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોએ પોતાની દૂર દ્રષ્ટિનો પરિચય આપ્યો છે.
આજે ઉત્સાહ અને ઉત્સવનો દિવસ છેઃ પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ, 'આજે ઉત્સાહ અને ઉત્સવનો દિવસ છે. આ ઉત્સવ ભારતના લોકતંત્ર માટે છે. હું ચૂંટણીમાં ભાગ લેનારા તમામ મતદાતાઓને શુભેચ્છા આપુ છું. તેમના નિર્ણય માટે મતદાતાઓનો આભાર વ્યક્ત કરું છું. ખાસ કરીને આપણી માતાઓ બહેનો અને યુવાઓએ જે રીતે ભાજપનું સમર્થન કર્યુ છે. તે ખુબ મોટો સંદેશ છે. ફર્સ્ટ ટાઈમ વોટર્સે આગળ આવીને મતદાનમાં ભાગ લીધો અને ભાજપની જીત નક્કી કરી.'
પ્રધાનમંત્રી મોદીની નીતિ પર જનતાએ મહોર લગાવી
જેપી નડ્ડાએ કહ્યુ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નીતિ પર જનતાએ મહોર લગાવી છે. જે પરિણામ આવ્યા છે તેમાં કેટલાક સંકેત મળ્યા છે. ઉત્તરાખંડની જનતાએ પ્રથમવાર કોઈ સરકારને બીજીવાર તક આપી છે. આપણે એકતરફી ચાર રાજ્યોમાં જનતાના આશીર્વાદ મળ્યા છે. જનતાએ પીએમ મોદી દ્વારા ચલાવવામાં આવતા કાર્યક્રમ અને નીતિઓ પર મહોર લગાવી છે.
UP Election: ઉત્તર પ્રદેશની જીત પર બોલ્યા નડ્ડા
દિલ્હીમાં ભાજપ મુખ્યાલયમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યુ- જો અમે યુપીની વાત કરીએ તો આ પ્રથમવાર છે જ્યારે ચારવખત સતત મોદીજીને યુપીની જનતાએ આશીર્વાદ આપ્યા છે. 2014માં પ્રચંડ જીત થઈ હતી. ત્યારબાદ જનતાએ 2017માં ભાજપ અને પીએમ મોદીને આશીર્વાદ આપ્યા હતા. 2019ની ચૂંટણીમાં પણ ફરી જનતાએ પીએમ મોદીને આશીર્વાદ આપ્યા હતા. હવે 2022માં ભાજપને યુપીની જનતાએ બહુમતી આપી છે.
UP Election Result: ભાજપના મુખ્યાલય પર પહોંચ્યા પીએમ મોદી
ભાજપની ભવ્યજીત બાદ પીએમ મોદી દિલ્હી ભાજપના કાર્યાલય પર પહોંચી ગયા છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પીએમ મોદીનું સ્વાગત કર્યુ હતું. કાર્યાલયમાં લોકોએ તાળીઓ સાથે પીએમ મોદીનું સ્વાગત કર્યુ છે. લોકો મોદી ઝિંદાબાદના નારા લગાવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube