પિયૂષ બબલે, નવી દિલ્હી: ગત દિવસોમાં જ્યારે ભાજપના અધ્યક્ષ અમિત શાહ ઉત્તરાખંડમાં પાર્ટીના વિશ્વાસુ લોકોની બંધ બારણે ચાલી રહેલી બેઠકમાં સામેલ થયા તો તેમણે એક જોક સંભળાવ્યો હતો. તેમણે કહ્યું કે દેશમાં લગ્ન માટે દુલ્હાની ઉંમર 21 વર્ષ હોય છે. તેનો અર્થ એ નથી કે કોઈ વ્યક્તિ એક વર્ષના 21 બાળકોને એક સાથે લાવે અને કહે કે તે 21 વર્ષનો થઈ ગયો છે, તો તેના લગ્ન કરાવી દેવાય. આ વાતને વધારતા તેમણે કહ્યું કે દેશના એકમાત્ર નેતા નરેન્દ્ર મોદી છે, દેશની વિપક્ષી પાર્ટીઓ વર્ષ ભરના બાળકોની જેમ એક સાથે આવી જાય તો પણ કદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બરાબરી થઈ શકશે નહીં. તેમણે પોતાના કાર્યકર્તાઓને કહ્યું કે તેઓ આ સંદેશો દરેક વ્યક્તિ સુધી પહોંચાડે કે કઈ રીતે વિપક્ષી એક્તા એક બાળકબુદ્ધિ કોશિશ છે, જે ફક્ત અને ફક્ત પીએમ નરેન્દ્ર મોદીને હટાવવા માટે કરવામાં આવી છે અને તેને રાષ્ટ્રહિત સાથે કોઈ સંબંધ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કડીમાં દેશની સંસદમાં જ્યારે પૂરા 15 વર્ષ બાદ અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા થશે તો કોઈ જોકની જગ્યાએ સમગ્ર આંકડા અને મોદીમય અંદાજમાં સરકાર આ ભાવને વિપક્ષને પરાજિત કરવામાં અને દેશની જનતામાં પીએમ મોદીની છબીને વધુ મજબુત કરવામાં ઉપયોગમાં લેશે. સરકાર આ અવિશ્વાસ પ્રસ્તાવની બીજી કઈ રીતે ઉજવણી કરશે, તે પણ જરા જોઈએ. 


15 વર્ષ બાદ અવિશ્વાસનો પ્રસ્તાવ
દેશની સંસદમાં 20 જુલાઈના રોજ પૂરા 15 વર્ષ બાદ કોઈ સરકાર અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરશે. મોદી સરકારે પોતાના 4 વર્ષના કાર્યકાળમાં કોઈ અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવો પડ્યો નથી. એટલું જ નહીં પોતાના દમ પર પૂર્ણ બહુમત ન હોવા છતા મનમોહન સિંહ સરકારે પણ પોતાના 10 વર્ષના કાર્યકાળમાં ક્યારેય અવિશ્વાસના પ્રસ્તાવનો સામનો કરવો પડ્યો નથી. છેલ્લો અવિશ્વાસનો પ્રસ્તાવ નવેમ્બર 2003માં અટલ બિહારી વાજપેયી સરકાર વિરુદ્ધ આવ્યો હતો. જો કે તે સમયે અવિશ્વાસ પ્રસ્તાવમાં પણ સરકાર સફળ રહી  હતી. 


સંસદમાં શુક્રવારે રજુ થનારા અવિશ્વાસના પ્રસ્તાવને લઈને વિપક્ષ એ વાત પર ખુશ છે કે તેને સદનની અંદર વિપક્ષી એક્તા દેખાડવાની તક મળશે. આ સાથે જ વિપક્ષના મોટા નેતાઓ દેશના પ્રમુખ મુદ્દાઓ પર એક એક  કરીને સરકારને ઘેરવાની તક પણ મેળવશે. પરંતુ વિપક્ષ પાસે જે પ્રકારે સંખ્યાબળ છે તેનાથી તે આ અવિશ્વાસનો પ્રસ્તાવ પાસ કરાવી શકે તે શક્યતા બહુ ઓછી  છે. જો કે કોંગ્રેસ એ રીતે ખુશ થઈ શકે છે કે આ અવિશ્વાસનો પ્રસ્તાવ તે તેલુગુ દેશમ પાર્ટી તરફથી આવ્યો છે જે થોડા સમય પહેલા એડીએનો ભાગીદાર હતી. ભાજપની જૂની સહયોગી પાર્ટી શિવસેના પણ આ વખતે ભાજપ વિરુદ્ધ ઊભી રહી શકે છે. આ પ્રકારે કોંગ્રેસને એનડીએમાં ફૂટ પાડવામાં તો સફળતા મળી જ ગઈ છે. 


પરંતુ આ અવિશ્વાસ પ્રસ્તાવને લઈને જો કોઈ સૌથી વધુ ખુશ હશે તો તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હશે. અવિશ્વાસના પ્રસ્તાવ પર જવાબ આપવાના બહાને તેમને સદનના પટલ પર પોતાની વાત પૂરજોર ઢંગથી રજુ કરવાની તક મળશે. સંસદના છેલ્લા સત્રોમાં જે રીતે સતત હોબાળો મચતો રહ્યો, તેમાં મોટાભાગે એવું જોવા મળ્યું કે વિપક્ષ તો પોતાની વાત કહી દેતો હતો પરંતુ જ્યારે વડાપ્રધાન મોદીની બોલવાની તક આવતી હતી ત્યારે સદનમાં હો-હા થતી હતી. આવામાં વડાપ્રધાન ભારપૂર્વક પોતાની વાત રજુ કરી શક્યા નહીં. જેના તોડ સ્વરૂપે વડાપ્રધાન દેશ અને વિદેશમાં સતત સભાઓ સંબોધિત કરતા રહ્યાં અને પોતાની વાત રજુ કરતા રહ્યાં. પરંતુ સભાઓ એટલી વધુ થવા લાગી કે તેમાં એકરસતા આવી ગઈ. તેઓ મન કી બાત દ્વારા પણ દર મહિને જનતા સાથે સીધો સંવાદ કરે છે પરંતુ આ પ્લેટફોર્મ પણ હવે વાસી લાગવા લાગ્યું છે. 


સદનમાં જોવા મળશે લોકતાંત્રિક દ્વંદ્ર
આવામાં જ્યારે વડાપ્રધાન પોતાના 4 વર્ષના કામકાજ પર સંસદમાં બોલશે તો તેમાં એક નવીનતા જોવા મળશે. નવીનતા ફક્ત એ જ નહીં હોય કે તેઓ શું કહી રહ્યાં છે. નવીનતા એ વાતમાં પણ હશે કે તેમની સામે શ્રોતા કોણ છે. જ્યારે વડાપ્રધાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર કટાક્ષ કરશે ત્યારે કેમેરા સૌથી પહેલા પીએમ મોદી પર અને ત્યારબાદ રાહુલ ગાંધીના ચહેરા પર જશે તો દેશના કરોડો લોકો જે ટીવી પર આ લોકતાંત્રિક દ્વંદ્વ જોઈ રહ્યાં હશે તેમને મજા આવશે. 


એવું નથી કે વડાપ્રધાન ફક્ત કોંગ્રેસ અધ્યક્ષને લપેટામાં લેશે. તેમની સામે સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા મુલાયમ સિંહ યાદવ પણ હશે. હાલમાં જ નારાજગી દર્શાવી ચૂકેલી પાર્ટી શિવસેનાના સાંસદ હશે. યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી હશે. તેમનો પ્રખર વિરોધ કરનારા તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ હશે. આ રીતે વડાપ્રધાનને અત્યાર સુધી અલગ અલગ રેલીઓમાં અલગ અલગ પાર્ટીઓ વિશે વાત કરવી પડતી હતી. પરંતુ હવે બધુ લોકતંત્રના મહાન મંડપમાં એક જ છત નીચે ખુબ સરળતાથી થઈ જશે. તેઓ એકએક પાર્ટી પર બોલતા જશે અને કેમેરો ક્યારેક પીએમ મોદીની ભાવકભંગિમાઓ તો ક્યારેક વિપક્ષી નેતાઓના મનોભાવને કંડારશે. 


જ્યારે ભાજપ અવિશ્વાસનો પ્રસ્તાવ જીતી જશે અને ટેલિવિઝન તથા બીજા સમાચાર માધ્યમોમાં તેની મીમાંસા શરૂ થશે ત્યારે ભાજપનું અસલ કામ શરૂ થશે. ટીવી પર બેઠા વિશ્લેષકો સરકાર અને વિપક્ષની બોડી લેંગ્વેજ પર લાંબી ચર્ચા શરૂ કરશે. જેમાં છેલ્લે એ નિષ્કર્ષ નિકળશે કે સરકાર પૂરા આત્મવિશ્વાસમાં છે. તેનો આશય એ જ નિકળશે કે 2019માં મોદી સામે ખુબ પડકારો છે પરંતુ તેમાંથી કોઈ પણ એટલા મોટા નથી કે જેની સામે તેમણે ઘૂંટણિયા ટેકવા પડે. 


ટીવી પર બેઠેલા ભાજપના પ્રવક્તા અવિશ્વાસ પ્રસ્તાવ પર મળેલી સફળતાને વિપક્ષની હાર તરીકે રજુ કરશે. અને વાતવાતમાં જ એવા પરસેપ્શન ઊભા કરશે કે જાણે મોદી સરકારે પહેલેથી જ નક્કી વિશ્વાસ મત નથી મેળવ્યો પરંતુ દેશમાં થયેલી કોઈ મોટી ચૂંટણીમાં મોટી જીત મેળવી હોય. તેમને વિશ્વાસ મતમાં જેટલા મતો મળશે તેને તેઓ એવી રીતે પ્રચારિત કરશે જાણે 2019માં મળેલી સીટોની સંખ્યા ગણાવતા હોય. 


વિપક્ષની એકજૂથતા
આ બધી ચીજો ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે નરેશનને પણ આગળ લાવશે જેની ચર્ચા લેખની શરૂઆતમાં અમિત શાહના જોકના બહાને કરવામાં આવી હતી. પીએમ મોદી કઈંક કઈંક ઈન્દિરા ગાંધીના અંદાજમાં કહેશે કે તેઓ ગરીબી હટાવવા માંગે છે અને વિપક્ષના લોકો પરસ્પર મળીને પીએમ મોદીને હટાવવા માંગે છે. જ્યારે તેઓ આ વાત કરી રહ્યાં હશે ત્યારે નિશ્ચિત પણે તેઓ ખુબ ભાવુક હશે. તેમનું ગળું જો રૂંધાઈ જાય કે આંખો ભીની થઈ જાય તો પણ નવાઈ નહીં. એક હાથથી પોતાને ગરીબ અને સામાન્ય માણસને ચેમ્પિયન દર્શાવવાની તક અને બીજા હાથથી આખા વિપક્ષની આ મુહિમને ખલનાયક ગણાવવામાં વડાપ્રધાનને બહુ સમય નહીં લાગે.