45 વર્ષોમાં પોલેન્ડ જનાર પહેલાં ભારતીય PM છે મોદી, ગુજરાત સાથે છે પોલેન્ડનો ખાસ સંબંધ
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પોલેન્ડના વોર્સોમાં સ્થિત સ્ક્વેર ઓફ ગુડ મહારાજા ખાતે ગુજરાતના નવા નગરના જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના સન્માનમાં બનાવેલ સ્મારકે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જામસાહેબ એ પોલેન્ડના 600 થી વધુ બાળકોને ગુજરાતમાં આશરો આપીને તેમના `વાલી` ની ભૂમિકા ભજવી હતી.
પોલેન્ડ પહોંચતા જ બાળકોને મળ્યા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
ભારતીય સમુદાયે સ્વાગત કર્યું, ભારતીય વડાપ્રધાન 45 વર્ષ બાદ પોલેન્ડની મુલાકાતે
પીએમ મોદી પોલેન્ડની રાજધાની વોર્સો 2 દિવસની મુલાકાતે પહોંચ્યા છે
ગુરુવારે પોલેન્ડના પીએમ ડોનાલ્ડ ટસ્ક સાથે થશે પીએમ મોદીની મુલાકાત
ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારતના પ્રધાનમંત્રી મોદી નરેન્દ્ર મોદી 2 દિવસની મુલાકાતે પોલેન્ડ પહોંચ્યા છે. પીએમ મોદી જ્યાં રોકાયા છે એ હોટલમાં ભારતીય સમુદાયના લોકોએ તેમનું સ્વાગત કર્યું. આ દરમિયાન તેમણે બાળકો સાથે હાથ મિલાવ્યો હતો. તેમને આવકારવા માટે દાંડિયા ડાન્સ પ્રેઝન્ટેશન પણ આપવામાં આવ્યું. પીએમ મોદી ગુરુવારે પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક અને રાષ્ટ્રપતિ આન્દ્રેજ ડુડાને મળશે. આ 45 વર્ષમાં કોઈપણ ભારતીય વડાપ્રધાનની પ્રથમ પોલેન્ડ યાત્રા છે.
1979માં મોરારજી દેસાઈ ગયા હતા પોલેન્ડ:
1979માં ભારતીય પ્રધાનમંત્રી મોરારજી દેસાઈ લીધી હતી પોલેન્ડની મુલાકાત. ત્યાર બાદ લગભગ 45 વર્ષો બાદ કોઈ ભારતીય પ્રધાનમંત્રી પોલેન્ડ પહોંચ્યા છે.
પીએમ મોદીએ શું આપ્યો હતો સ્પેશિયલ મેસેજ?
ભારત છોડતાં પહેલાં પીએમ મોદીએ કહ્યું હતું કે 'હું પોલેન્ડ અને યુક્રેનની સત્તાવાર મુલાકાતે જઈ રહ્યો છું. મારી આ મુલાકાત પોલેન્ડ સાથે રાજદ્વારી સંબંધોનાં 70 વર્ષ પૂર્ણ થવાના અવસર પર થઈ રહી છે. પોલેન્ડ મધ્ય યુરોપમાં અમારું આર્થિક ભાગીદાર છે." પોલેન્ડ બાદ પીએમ મોદી 23 ઓગસ્ટે ટ્રેન દ્વારા યુક્રેન પહોંચશે.
બન્ને દેશોના સંબંધો વધુ મજબૂત બનાવશે આ મુલાકાતઃ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને જણાવ્યુંકે, ભારત અને પોલેન્ડના સંબંધોમાં ગુજરાતની ભૂમિકા ઇતિહાસના પાનાઓમાં સુવર્ણ અક્ષરોમાં સચવાયેલી છે. વડાપ્રધાનની આ મુલાકાત ભારત અને પોલેન્ડ વચ્ચેના સંબંધોને વધુ સુદ્રઢ બનાવશે.
ગુજરાત સરકાર પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુંકે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પોલેન્ડના વોર્સોમાં સ્થિત જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના સ્મારકે શ્રદ્ધાંજલિ "વિકાસ ભી , વિરાસત ભી ના" મંત્રને સાર્થક કરે છે. જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાએ ભારતીય સંસ્કૃતિ અને ગરિમાને વૈશ્વિક સ્તરે ઉજાગર કરી હતી. જામસાહેબના નામથી વોર્સોવામાં મહારાજા સ્ટેટના સ્મારક ઉપરાંત, પોલેન્ડમાં કેટલીક સ્કૂલના નામ, રોડના નામ પણ દિગ્વિજયસિંહ જાડેજાની સ્મૃતિમાં આપવામાં આવ્યા છે.
બીજા વિશ્વ યુદ્ધ વખતે પોલેન્ડના 600 બાળકોને ગુજરાતમાં અપાયો હતો આશ્રયઃ
મંત્રી ઋષિકેશ પટેલ એ જામસાહેબના યોગદાનનું સ્મરણ કરતાં જણાવ્યું હતું કે, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયેલા તોફાનોને કારણે પોલેન્ડના ૬૦૦ જેટલા બાળકોને ગુજરાતમાં આશ્રયનું સ્થાન આપ્યું હતું . આ બાળકોને રહેવા માટેનું ઉત્તમ સ્થાન , શિક્ષણ અને ભોજન સહિતની જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ પૂરી પાડી હતી .વિશ્વયુદ્ધ પૂર્ણ થઈ ગયા પછી જામ સાહેબે બધા જ બાળકોને પોલેન્ડ પરત મોકલ્યા હતા. જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના આ સેવાકાર્યો સમગ્ર ભારત અને ગુજરાત માટે કાયમના સંસ્મરણો બની રહ્યા છે.