વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને શાળામાં જ્ઞાન ઉપરાંત દેશની આકાંક્ષાઓ સાથે પણ જોડો: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં શિક્ષણ પર આયોજિત એક સંમેલનમાં સામેલ થયાં. આ દરમિયાન તેમણે કહ્યું કે જેનાથી જીવન વધુ સારું થાય તે જ શિક્ષણ છે. તેમણે કહ્યું કે સ્વામી વિવેકાનંદના શિક્ષણને ભૂલાવી દેવાયું છે. પીએમ મોદીએ ભારતીય શિક્ષણના હાલના પડકારોને પહોચી વળવા માટે આજે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત એક સંમેલનનો શુભારંભ કર્યો.
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં શિક્ષણ પર આયોજિત એક સંમેલનમાં સામેલ થયાં. આ દરમિયાન તેમણે કહ્યું કે જેનાથી જીવન વધુ સારું થાય તે જ શિક્ષણ છે. તેમણે કહ્યું કે સ્વામી વિવેકાનંદના શિક્ષણને ભૂલાવી દેવાયું છે. પીએમ મોદીએ ભારતીય શિક્ષણના હાલના પડકારોને પહોચી વળવા માટે આજે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત એક સંમેલનનો શુભારંભ કર્યો.
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે જ્ઞાન અને શિક્ષા ફક્ત પુસ્તકો ન હોઈ શકે. શિક્ષણનો હેતુ વ્યક્તિના દરેક પાસાને સંતુલિત કરવાનો છે અને સંતુલિત વિકાસ નવોન્મેષ વગર સંભવ નથી. તેમણે કહ્યું કે આપણા પ્રાચીન તક્ષશિલા, નાલંદા, વિક્રમશિલા જેવા વિશ્વવિદ્યાલયોમાં જ્ઞાનની સાથે નવોન્મેષ ઉપર પણ ભાર મૂકાતો હતો.
પીએમ મોદીએ કહ્યું કે આપણે એક વધુ વાસ્તવિકતાને સ્વીકારવાની રહેશે કે આજે દુનિયામાં કોઈ પણ દેશ, સમાજ કે વ્યક્તિ એકાંકી થઈને રહી શકે નહીં. આપણે ગ્લોબલ સિટીઝન અને ગ્લોબલ વિલેજના દર્શન પર વિચારવાનું રહેશે. અને આ દર્શન તો આપણા સંસ્કારોમાં પ્રાચીન કાળથી હાજર છે. તેમણે કહ્યું કે ઉચ્ચ શિક્ષણમાં આપણે ઉચ્ચ વિચાર, ઉચ્ચ આચાર, ઉચ્ચ સંસ્કાર અને ઉચ્ચ વ્યવહારની સાથે જ સમાજની સમસ્યાઓનું ઉચ્ચ સમાધાન પણ ઉપલબ્ધ કરાવે છે. મારો આગ્રહ છે કે વિદ્યાર્થીઓને કોલેજ, યુનિવર્સિટીના ક્લાસ રૂમમાં તો જ્ઞાન આપો જ પરંતુ તેમને દેશની આકાંક્ષાઓ સાથે પણ જોડવામાં આવે.
તેમણે કહ્યું કે મારી કોશિશ રહે છે કે જ્યાં પણ હું સંમેલનમાં જઉ ત્યાં 40-50 ગરીબ બાળકોને તે કાર્યક્રમમાં બોલાવવામાં આવે. આ બાળકો આવે છે, જુએ છે કે કેવી રીતે મોટા ભાઈ, મોટી બહેન ડિગ્રીઓ લઈને ખુશ થાય છે. તેમને સન્માન આપવામાં આવે છે. આ જોઈને તેમને પણ પ્રેરણા મળે છે. તેમણે કહ્યું કે હાલમાં જ યુજીસીએ ગ્રેડેડ એટોનોમી રેગ્યુલેશન્સ પણ જારી કર્યા છે. તેનો હેતુ શિક્ષણના સ્તરને સુધારવાનો તો છે જ, તેનાથી તેમને સર્વશ્રેષ્ઠ બનવામાં પણ મદદ મળશે. આ રેગ્યુલેશનના કારણે જ દેશમાં 60 ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને યુનવર્સિટીને ગ્રેડેડ એટોનોમી મળી છે.
તેમણે કહ્યું કે આ માર્ગ પર ચાલતા કેન્દ્ર સરકારની પણ એ જ કોશિશ છે કે આપણે દરેક સ્તર પર દેશની આવશ્યકતાઓમાં શિક્ષણ સંસ્થાનોને ભાગીદાર બનાવીએ. આ વિઝન સાથે આપણે અટલ ટિંકરિંગ લેબની શરૂઆત કરી છે. જેમાં સ્કૂલી બાળકોમાં નવોન્મેષની પ્રવૃતિને વધારવા પર ફોકસ કરવામાં આવ્યું છે. આપણી સરકાર શિક્ષણ જગતમાં રોકાણ ઉપર પણ ધ્યાન આપી રહી છે. શિક્ષણના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સારું બનાવવા માટે RISE એટલે કે રિવાઈટલાઈઝેશન ઓફ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ સિસ્ટમ્સ ઈન એજ્યુકેશન કાર્યક્રમ શરૂ કરાયો છે. જે હેઠળ 2022 સુધીમાં એક લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાનો લક્ષ્યાંક રખાયો છે.
પીએમ મોદીએ કહ્યું કે સરકારે HEFA એટલે કે હાયર એજ્યુકેશન ફંડિંગ એજન્સીની સ્થાપના પણ કરી છે. જે ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોની રચનામાં આર્થિક સહાયતા આપશે. સરકારે રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષણ અભિયાનનું બજેટ વધારવાનો પણ નિર્ણય લીધો છે. અમે IIM જેવી સંસ્થાઓને સ્વાયત્તતા આપવાની શરૂઆત કરી દીધી છે. હવે IIMને પોતાના કોર્સ કરિકુલમ, ટીચર એપોઈન્ટમેન્ટ, બોર્ડ મેમ્બર એપોઈન્ટમેન્ટ, એક્સપાન્શન, પોતાની જાતે નક્કી કરવાનો પાવર મળ્યો છે. સરકારની તેમાં કોઈ ભૂમિકા રહેશે નહીં. ભારતમાં ઉચ્ચ શિક્ષણ સંલગ્ન આ એક અભૂતપૂર્વ નિર્ણય છે.
અત્રે જણાવવાનું કે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત આ સંમેલનમાં દેશના પસંદગીના 350થી વધુ વિશ્વવિદ્યાલયોના કુલપતિ અને ડાઈરેક્ટર હાજર છે. કાર્યક્રમનું આયોજન યુજીસી, એઆઈસીટીઈ, આઈસીએસએસઆર સહિત ઉચ્ચ શિક્ષણ સાથે જોડાયેલા સંગઠનોએ કર્યું છે.
હાલના સમયમાં ભારતીય શિક્ષણને નવી ઊંચાઈ પર પહોંચાડવા માટે આયોજિત આ સંમેલનમાં વિચાર વિમર્શ માટે આઠ સત્ર હશે. આ દરમિયાન દરેક સમૂહ અલગ અલગ વિષયને લઈને પોતાની કાર્યયોજના પણ રજુ કરશે. જેમાં મુખ્ય વિષય હશે તેમના શિક્ષણમાં આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ, રોજગાર સંબંધિત વધુને વધુ પાઠ્યક્રમો શરૂ કરવા , શોધકાર્યોને પ્રોત્સાહન આપવું, સંસ્થાઓ વચ્ચે આપસી તાલમેળ વધારવો વગેરે સામેલ કરાયા છે.