પીએમ મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું-`મુકાબલો કરવાની હિંમત નથી એટલે હવે...`
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભાજપનો પ્રચાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છતરપુર પહોંચ્યાં. પીએમ મોદીએ કોંગ્રેસ પર પલટવાર કર્યો.
નવી દિલ્હી: મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભાજપનો પ્રચાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છતરપુર પહોંચ્યાં. પીએમ મોદીએ કોંગ્રેસ પર પલટવાર કર્યો. છતરપુરમાં ચૂંટણી રેલી દરમિયાન લોકોને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી પાસે મોદી જોડે મુકાબલો કરવાની હિંમત નથી રહી એટલે હવે કોંગ્રેસના લોકો મોદીના માતાને ગાળો બોલી રહ્યાં છે. તેમણે કહ્યું કે 'છેલ્લા 18 વર્ષથી છાતી ઠોંકીને મેં કોંગ્રેસને દરેક અવસરે પડકાર ફેંકી હારનો સામનો કરાવતો આવ્યો છું અને આજે કોંગ્રેસ એટલા નીચા સ્તરે આવી ગઈ કે તે મારા માતાને ચૂંટણીમાં ઢસડી લાવી છે.'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી જો એમ વિચારી રહી હોય કે મોદીના માતાને ગાળો આપવાથી તેમની ડિપોઝીટ બચી જશે તો તેઓ સમજી લે કે મધ્ય પ્રદેશની જનતા કોંગ્રેસ પાર્ટીને જડબાતોડ જવાબ આપશે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી જેટલી ગાળો મામા શિવરાજને આપશે તેટલો જ જવાબ મધ્ય પ્રદેશના તેમના ભાણીયા અને ભાણીઓ આપવાના છે. નોટોની હેરાફેરીમાં જે લોકોએ જામીન પર ફરવું પડે છે તેઓ આજે લાલઘૂમ થઈને ફરી રહ્યાં છે. ખોટા અને પોકળ વચનો પર વિશ્વાસ ન કરો, સરકાર કામ કરે તેવી જ પસંદ કરો. વિકાસને સાથ આપો, ભાજપને મત આપો.
પીએમ મોદીએ કહ્યું કે 'શિવરાજને ગાળો ભાંડતા પહેલા કોંગ્રેસના 'નામદાર'એ પોતાના ક્વોત્રોચીમામાને યાદ કર્યા હોત તો સારૂ થાત, જેમને તમારા પપ્પાએ બોફોર્સ કૌબાંડમાં હિન્દુસ્તાનની સુરક્ષા માટે ફાળવવામાં આવેલા ધનની ચોરી કરવાની પરમિટ આપી હતી.' નામદાર ભોપાલ ગેસ કાંડમાં હજારો લોકોની મોતના ગુનેહગાર તમારા મામા એન્ડરસનને પણ યાદ કરી લેત. જેમને તમારા પપ્પાએ ખાસ વિમાનથી રાતો રાત ભારતથી અમેરિકા મોકલી દીધા હતાં.
અત્રે જણાવવાનું કે કોંગ્રેસના નેતા રાજ બબ્બરે ઈન્દોરમાં ગુરુવારે એક રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે 'જ્યારે તેઓ (પીએમ મોદી) કહેતા હતાં કે ડોલર સામે રૂપિયો આટલો ગગડી ગયો છે, ત્યારે તે સમયે તેઓ પીએમની ઉંમર ગણાવીને કહેતા હતાં કે તેમની ઉમર સુધી જઈ રહ્યો છે. પહેલા તો રૂપિયો વડાપ્રધાનની ઉંમર સુધી ગગડ્યો અને હવે તો વડાપ્રધાનના પૂજનીય માતાજીની ઉમરથી પણ નીચે ગગડી ગયો છે.'