કર્ણાટક: માંડ્યામાં ગમખ્વાર અકસ્માત, ખાનગી બસ કેનાલમાં ખાબકતા 25 લોકોના દર્દનાક મોત
કર્ણાટકના માંડ્યા પાસે એક દર્દનાક અકસ્માતમાં 25 લોકોના મોત નિપજ્યા છે. અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે.
બેંગ્લુરુ: કર્ણાટકના માંડ્યા પાસે એક દર્દનાક અકસ્માતમાં 25 લોકોના મોત નિપજ્યા છે. અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે. અહેવાલો મુજબ એક ખાનગી બસ બેકાબુ થઈને કાવેરી નદી સંલગ્ન નહેરમાં ખાબકી. ઘટનાસ્થળ પર રાહત અને બચાવકાર્ય ચાલુ છે. કર્ણાટકના ડેપ્યુટી સીએમ જી પરમેશ્વરાએ કહ્યું કે અકસ્માતમાં 25 લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે મને લાગે છે કે ડ્રાઈવર યોગ્ય રીતે બસ ચલાવી રહ્યો નહતો. આ મામલે જાણકારી મેળવવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ માંડ્યા જિલ્લામાં કાવેરી નદીમાંથી નીકળતી વી સી નહેરમાં એક ખાનગી બસ બેકાબુ થઈને ખાબકી. જિલ્લાના પાંડવપુરા તાલુકા પાસે થયેલી દુર્ઘટનામાં લોકોને જરાય સંભળવાની તક ન મળી અને બધા ડૂબવા લાગ્યા હતાં.
એવું માનવું છે કે વીસી નહેર પાસે પસાર થયા ત્યારે મુસાફરો ભરેલી આ બસ પર ડ્રાઈવરે કાબુ ગુમાવી દીધો, જેના કારણે આ અકસ્માત થયો. તમામ ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. કેટલાક ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને ગુવાહાટી મેડિકલ કોલેજ હોસ્પિટલ રેફર કરવામાં આવ્યાં છે. હજુ સુધી જો કે કોઈ પણ અધિકારીએ અકસ્માતના કારણની પુષ્ટિ કરી નથી. ઘટનાની ગંભીરતા જોતા મૃત્યુઆંક વધી શકે છે. મૃતકોમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ છે. પોલીસ અને સ્થાનિક અધિકારીઓ ઘટનાસ્થળે છે. સ્થાનિકો પણ બચાવકાર્યમાં જોડાયા છે.
સીએમએ વ્યક્ત કર્યું દુ:ખ
દર્દનાક અકસ્માત પર દુ:ખ વ્યક્ત કરતા મુખ્યમંત્રી કુમારસ્વામીએ કહ્યું કે ડ્રાઈવરે સંતુલન ગુમાવ્યાં બાદ બસ નહેરમાં ખાબકી. આ અકસ્માતમાં 25 લોકોના મોતની પુષ્ટિ થઈ.
રાહુલ ગાંધીએ વ્યક્ત કર્યું દુ:ખ
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કર્ણાટકના માંડ્યા જિલ્લામાં થયેલા બસ અકસ્માત પર દુ:ખ વ્યક્ત કર્યું. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે 'કર્ણાટકના માંડ્યામાં થયેલા બસ અકસ્માત અંગે જાણીને દુ:ખ થયું. માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદનાઓ વ્યક્ત કરું છું અને ઘાયલો જલદી સાજા થાય તેવી કામના કરું છું.'