ઈન્ટરનેટ સેન્શેસન પ્રિયા પ્રકાશ વારિયારે કેરળના પૂરપીડિતો માટે કરી અપીલ, કેટલાક કલાકમાં જ વીડિયો થયો વાયરલ
પ્રિયાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પોતાનાં પ્રશંસકોને કેરળનાં પૂરપીડિતો માટે મદદ કરવા માટે અપીલ કરી રહી છે
નવી દિલ્હીઃ મલિયાલી અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયારે ઈન્ટરનેટ દ્વારા પોતાની એક આગવી ઓળખ બનાવી છે. જેના કારણે તેના પ્રશંસકોની સંખ્યા પણ ઘણી વધારે છે. પછી એ વીડિયો પ્રિયા દ્વારા આંખો પટપટાવાનો હોય કે પછી ડાન્સ કરવાનો હોય. પ્રિયાના પ્રશંસકોને તેના વીડિયો ખૂબ જ પસંદ આવે છે. પ્રિયાએ તાજેતરમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે પોતાનાં પ્રશંસકોને કેરળનાં પૂરપીડિતોને મદદ કરવા માટે અપીલ કરી છે.
પ્રિયા પ્રકાશે વીડિયોમાં બોલી રહી છે કે, "સૌને નમસ્કાર. જેવું કે તમે સૌ જાણો છો કે કેરળના લોકો અત્યારે સદીના ભયાનક પૂરમાં સપડાયેલા છે. ભારે વરસાદને કારણે અસંખ્ય પરિવારોને પોતાનાં ઘર પણ ગુમાવવા પડ્યા છે. તેઓ અત્યારે નિરાધાર થઈને મુખ્યમંત્રીએ બનાવેલા પૂર રાહત કેમ્પમાં આશરો લઈ રહ્યા છે. તમને સૌને મારો અનુરોધ છે કે તમે જે કંઈ દાન કરી શકતા હોવ તે કરો અને કેરળના મુખ્યમંત્રી ફંડમાં દાન આપો. તમને સૌને અનુરોધ છે પૂરપીડિતોની મદદ કરવા માટે આગળ આવો, કેમ કે તેમના માટે એક-એક રૂપિયો પણ અત્યારે ખૂબ જ મહત્ત્વનો છે."
પ્રિયા પ્રકાશ વારિયારે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં વીડિયોની સાથે કેપ્શનમાં પણ લાંબા સંદેશા દ્વારા કેરળમાં ભારે વરસાદને કારણે પૂરનો સામનો કરી રહેલા પીડિતોની મદદ માટે અપીલ કરી છે. પ્રિયાએ કેપ્શનમાં લખ્યું છે કે, 'હેલો ઈન્સ્ટાગ્રામ ફેમિલી, મને ખબર છે કે તમારામાંથી મોટાભાગના લોકો કેરળના બહારના રહેવાસી છે અને અનેક લોકો કન્ફ્યુઝ્ડ છે કે અમારા રાજ્યની મદદ માટે શું કરે? ભારે વરસાદ અને પૂરને કારણે અનેક લોકોનાં મોત થયા છે. અનેક લોકો રાહત શીબિરમાં આશરો લઈ રહ્યા છે. તેમણે પોતાનું ઘર અને સામાન સર્વસ્વ ગુમાવી દીધું છે. આ પરિસ્થિતિ હજુ 22 તારીખ સુધી જળવાઈ રહે તેવી સંભાવના છે. તમે સૌ જેવી રીતે પણ કેરળના નિવાસીઓની મદદ કરી શક્તા હોવ મહેરબાની કરીને કરો.'
સાથે જ પ્રિયાએ લખ્યું છે કે, 'હું એ જણાવતા ગર્વની લાગણી અનુભવી રહી છું કે કેરળના બધા લોકો આ કપરી ઘડીમાં એકજૂથ થઈને સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તમા સૌના માટે આગળ આવીને કેરળનાં પૂરપીડિતોને મદદ કરવા માટેનો આ યોગ્ય સમય છે. અમારા રાજ્યની મદદ કરવા માટે તમે જે રીતે પણ મદદ કરી શક્તા હોવ તે પહોંચાડો. આપણે એ ન ભુલવું જોઈએ કે કેરળ આપણાં ભારતનો જ એક ભાગ છે. આથી મહેરબાની કરીને કેરળ મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન આપીને રાજ્યનાં પૂરપીડિતોમાં નવી જિંદગીની આશા જગાડો. તેમના માટે એક-એક રૂપિયો ખૂબ જ મહત્ત્વનો છે.'
પ્રિયાના અન્ય વીડિયોની જેમ આ વીડિયો પણ કેટલાક કલાકમાં જ વાયરલ થઈ ગયો છે. આ વીડિયોને અત્યાર સુધી 6 લાખ 61 હજાર કરતાં પણ વધુ વ્યૂ મળ્યા છે. હવે એ જોવાનું છે કે, પ્રિયાની અપીલ પર કેટલા લોકો આગળ આવીને કેરળનાં પૂરપીડિતો માટે મદદ કરે છે.