અભિનંદનના પરાક્રમથી દુનિયા સ્તબ્ધ, `ગજબનો બહાદુર`...મિગ 21થી F 16 વિમાન તોડી પાડ્યું
ભારતીય વાયુસેનાના સાહસિક પાઈલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની કાબેલિયત પર આજે આખી દુનિયા મોઢામાં આંગળા નાખી ગઈ છે. લોકોને સમજમાં નથી આવતું કે આ કઈ રીતે શક્ય બની ગયું.
નવી દિલ્હી: ભારતીય વાયુસેનાના સાહસિક પાઈલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની કાબેલિયત પર આજે આખી દુનિયા મોઢામાં આંગળા નાખી ગઈ છે. લોકોને સમજમાં નથી આવતું કે આ કઈ રીતે શક્ય બની ગયું. વાયુસેનાના વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે કદાચ ઈતિહાસમાં પહેલીવાર બન્યું છે કે કોઈ મિગ 21 વિમાને અત્યાધુનિક અને શક્તિશાળી ફાઈટર વિમાન F-16ને તોડી પાડ્યું. મિગ 21 વિમાનને વિન્ટેજ વિમાનોની શ્રેણીમાં રખાય છે અને તેમાં સવાર થઈને આધુનિક ટેક્નોલોજીથી લેસ એવા F-16ને તોડી પાડવા માટે સાહસ જ નહીં પરંતુ ટેક્નોલોજીની ઊંડી સમજ અને પરિસ્થિતિ પ્રમાણે સૂજબૂજ પણ જરૂરી છે.
એક વેબસાઈટના અહેવાલ મુજબ વાયુસેનાના અધિકારીના હવાલે જણાવાયું કે અભિનંદન તે 6 પાઈલટોમાં સામેલ હતાં જેમને શ્રીનગર રવાના કરવામાં આવ્યાં હતાં. મિગ 21 સાથે સુખોઈ 30એમકેઆઈ, મિરાજ 2000 અને મિગ 29 જેવા વિમાનોને સરહદી વિસ્તારોમાં તૈયારી માટે મોકલવામાં આવ્યાં હતાં. બધા જાણતા હતાં કે પાકિસ્તાન તરફથી આવી કોઈને કોઈ હરકત ચોક્કસ કરવામાં આવશે અને આ માટે સેના પૂરેપૂરી રીતે તૈયાર હતી.
વાયુસેનાના એક અધિકારીએ અભિનંદનના કૌશલના વખાણ કરતા કહ્યું કે આ વિમાનોની વૈશ્ચિક દુનિયામાં ચર્ચાની વાત છે. તેમણે કહ્યું કે કદાચ ઈતિહાસમાં પહેલીવાર થયું કે જ્યારે રશિયાના મિગ 21 વિમાને અમેરિકાના આધુનિક ટેક્નોલોજી અને મજબુતાઈથી લેસ F-16 વિમાનને તોડી પાડ્યું હોય. અત્રે જણાવવાનું કે ભારતીય વાયુસેનાના જાંબાઝ વિંગ કમાન્ડર અભિનંદને પાકિસ્તાનને પણ એફ 16 વિમાન તોડી પાડીને સ્તબ્ધ કરી દીધુ. પાકિસ્તાન તો આ વાત સ્વીકારવા તૈયાર જ નથી અને તેણે તો આ અહેવાલ જ સાવ દબાવી દીધા છે. પરંતુ એફ 16નો જે કાટમાળ મળ્યો તેણે પાકિસ્તાનના જૂઠ્ઠાણાની હવા કાઢી નાખી.
એક વરિષ્ઠ અધિકારીએ પાકિસ્તાનની નાપાક હરકત અંગે ખુલાસો કરતા કહ્યું કે એફ 16 દ્વારા પાકિસ્તાન ભારતના મહત્વપૂર્ણ સૈન્ય પ્રતિષ્ઠાનો પર નુકસાન પહોંચાડવા માંગતા હતાં. ભારતીય વાયુસેનાના જવાનોની તત્પરતાના કારણે પાકિસ્તાનની ખરાબ દાનત પાર ન પડી. શક્તિશાળી એફ 16 વિમાન દ્વારા પાકિસ્તાનની કોશિશ લેઝર ગાઈડેડ બોમ્બથી સૈન્ય ઠેકાણાઓ પર નિશાન સાધવાની દાનત હતી. જો કે વાયુસેનાના બહાદૂરોએ તેને નિષ્ફળ બનાવી અને ભારતને કોઈ મોટું નુકસાન થયું નહીં.