Sonia Gandhi ને ED નું તેડું, વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ ગાંધી સહિત 50 MPs ની અટકાયત
રાહુલ ગાંધીના નેતૃત્વમાં પાર્ટીના સાંસદોએ સંસદથી વિજય ચોક સુધી માર્ચ કાઢી. ત્યારબાદ રાહુલ ગાંધીએ સાંસદો સાથે વિજય ચોક પર ધરણા ધર્યા. પછી દિલ્હી પોલીસે રાહુલ ગાંધી અને અન્ય કેટલાક સાંસદોની અટકાયત કરી લીધી.
નેશનલ હેરાલ્ડ કેસમાં બીજા રાઉન્ડની પૂછપરછ માટે આજે પણ સોનિયા ગાંધી ઈડી ઓફિસ પહોંચ્યા. બીજી બાજુ ઈડીની આ કાર્યવાહી વિરુદ્ધ કોંગ્રેસે રોડથી લઈને સંસદ સુધી ખુબ હંગામો કર્યો. એકબાજુ કોંગ્રેસી સાંસદોએ સદનમાં આ મુદ્દે સરકારને ઘેરી તો બીજી બાજુ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ કાર્યવાહીની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું. નવી દિલ્હીના ડીસીપીએ મામલાની જાણકારી આપતા કહ્યું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત 50 સાંસદોની સંસદ નજીક નોર્થ ફાઉન્ટેઈનથી અટકાયત કરવામાં આવી.
રાહુલ ગાંધીની અટકાયત
કોંગ્રેસના કાર્યકરો અને મહિલા વિંગે પાર્ટીના રાષ્ટ્રીય કાર્યાલય પર કેન્દ્ર સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું. રાહુલ ગાંધીના નેતૃત્વમાં પાર્ટીના સાંસદોએ સંસદથી વિજય ચોક સુધી માર્ચ કાઢી. ત્યારબાદ રાહુલ ગાંધીએ સાંસદો સાથે વિજય ચોક પર ધરણા ધર્યા. પછી દિલ્હી પોલીસે રાહુલ ગાંધી અને અન્ય કેટલાક સાંસદોની અટકાયત કરી લીધી.
અટકાયત પહેલા રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસના તમામ સાંસદો અહીં બેરોજગારી, મોંઘવારીની વાત કરવા આવ્યા હ તા. પરંતુ પોલીસ અહીં ધરણા કરવા દેતી નથી. સંસદની અંદર ચર્ચા થવા દેવાતી નથી. અહીં અમારી ધરપકડ થઈ રહી છે.
બીજી બાજુ દિલ્હી પોલીસે કોંગ્રેસને રાજઘાટ પર વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપવાની ના પાડી દીધી હતી. અહીં કલમ 144 લાગૂ કરી દેવાઈ છે. આ સાથે જ કોંગ્રેસ ઓફિસ પાસે ભારે પ્રમાણમાં પોલીસફોર્સ તૈનાત કરાઈ છે. જેને લઈને કોંગ્રેસે ભાજપ પર નિશાન પણ સાધ્યું.
આ ષડયંત્ર છે-ખડગે
કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે વિપક્ષને ખતમ કરી નાખવાનું અને અમારો અવાજ બંધ કરી દેવાનું આ મોદીજી અને અમિત શાહજીનું ષડયંત્ર છે. અમે લડતા રહીશું. બીજી બાજુ સચિન પાઈલટે કહ્યું કે લોકતંત્રમાં પ્રદર્શન કરવું, પોતાની વાત રજૂ કરવાનો પૂરેપૂરો અધિકાર છે.
સચિન પાઈલટે કહ્યું કે કેન્દ્ર સરકારે નક્કી કરી લીધુ છે કે એજન્સીઓનો ખોટો ઉપયોગ કરીને વિપક્ષના અવાજને કચડવો અને કોંગ્રેસના નેતાઓને ટાર્ગેટ કરશે. અમે પૂછપરછથી ડરતા નથી, કેસમાં કોઈ દમ નથી, સતત દરેક વાતનો જવાબ આપવામાં આવી રહ્યો છે. પરંતુ આ એજન્સીઓનો દુરઉપયોગ થઈ રહ્યો છે.