પુલવામા આતંકી હુમલો: CRPFના 44 જવાનો શહીદ, જડબાતોડ જવાબ માટે PMની અધ્યક્ષતામાં મહત્વની બેઠક
જમ્મુ અને કાશ્મીરમાં થયેલા સૌથી ભીષણ આતંકી હુમલાના કારણે સમગ્ર દેશ આક્રોશમાં છે અને ઊંડા આઘાતમાં સરી પડ્યો છે. આ આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના 40 બહાદુર જવાનો શહીદ થયા છે. દેશ અને દુનિયામાં આ આતંકી હુમલાની આકરી ટીકા થઈ રહી છે. હવે દેશમાં બધાની નજર મોદી સરકાર પર ટકી છે.
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં થયેલા સૌથી ભીષણ આતંકી હુમલાના કારણે સમગ્ર દેશ આક્રોશમાં છે અને ઊંડા આઘાતમાં સરી પડ્યો છે. આ આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના 40 બહાદુર જવાનો શહીદ થયા છે. દેશવાસીઓ આક્રોશ સાથે બદલો લેવાની માગણી કરી રહ્યાં છે. આ હુમલા બાદ અનેક દેશોએ પણ આતંકવાદી વિરુદ્ધ ભારતનું સમર્થન કર્યું છે. દેશ અને દુનિયામાં આ આતંકી હુમલાની આકરી ટીકા થઈ રહી છે. હવે દેશમાં બધાની નજર મોદી સરકાર પર ટકી છે. સરકાર અને પીએમ મોદીનું કહેવું છે કે દેશના શહીદોની શહાદત બેકાર જશે નહીં. જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા સ્થિતિ પર વિચાર વિમર્શ માટે કેન્દ્રીય મંત્રીમંડળની સુરક્ષા મામલાની સમિતિ (સીસીએસ)ની આજે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે. એવા પણ અહેવાલ છે કે આ હુમલા બાદ હવે જમ્મુમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ સસ્પેન્ડ કરી નાખવામાં આવી છે.
CCSની બેઠક ચાલુ
સીસીએસની બેઠકમાં ભાગ લેવા માટે રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ, ગૃહમંત્રી રાજનાથ સિંહ, નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજીત ડોભાલ, નાણા મંત્રી અરુણ જેટલી 7 લોક કલ્યાણ માર્ગ ખાતે પહોંચ્યાં છે અને બેઠક શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ છે.
અત્રે જણાવવાનું કે સીસીએસ (કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી) સુરક્ષા અને વ્યૂહાત્મક મામલાઓ પર નિર્ણય લે છે. જૈશ એ મોહમ્મદના એક આત્મઘાતી હુમલાખોરે જમ્મુ અને કાશ્મીરમાં સીઆરપીએફના કાફલાની એક બસને વિસ્ફોટકો ભરેલી કારથી ટક્કર મારીને ઉડાવી દીધી. હાલના વર્ષોમાં જમ્મુ અને કાશ્મીરમાં થયેલો આ ભીષણ આતંકી હુમલો છે. આ બાજુ ગૃહ મંત્રી રાજનાથ સિંહ પણ આજે શ્રીનગર જઈને સ્થિતિની સમીક્ષા કરશે. સિંહ વરિષ્ઠ સુરક્ષા અને પોલીસ અધિકારીઓ સાથે ગ્રાઉન્ડ સ્તર પર સમીક્ષા કરીને અભિયાનની કાર્યવાહીનું આકલન કરી શકે છે.
બદલો લેવાશે- રાજનાથ સિંહ
રાજનાથ સિંહે ગુરુવારે દેશના લોકોને એ ભરોસો અપાવ્યો હતો કે જમ્મુ અને કાશ્મીરમાં સીઆરપીએફની બસ પર પાકિસ્તાન પ્રાયોજિત જૈશ એ મોહમ્મદ દ્વારા કરાયેલા આતંકી હુમલાનો બદલો લેવાશે. સિંહે એક નિવેદનમાં કહ્યું કે પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત અને ઉછરી રહેલા લોકો દ્વારા કરાયેલા આ આતંકવાદી હુમલાના માધ્યમથી જે લોકો શાંતિમાં વિધ્નો નાખવા માંગે છે તેમના કાવતરાને કેન્દ્ર સરકાર નિષ્ફળ કરવા માટે દ્રઢ નિશ્ચયી છે.
તેમણે કહ્યું કે જૈશ એ મોહમ્મદે આ આતંકવાદી હુમલાને અંજામ આપ્યો છે. અમે રાષ્ટ્રને ખાતરી આપીએ છીએ કે તેના બદલા માટે જે પણ કરવું પડે અમે તે કરીશું. સિંહે આ હુમલાબાદ જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે વાતચીત કરી અને સીઆરપીએફના કાફલા પર આતંકવાદી હુમલા બાદ રાજ્યની સ્થિતિ અંગે જાણકારી પણ મેળવી.
આતંકીઓએ હુમલાની કિંમત ચૂકવવી પડશે-અહીર
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હંસરાજ અહીરે ગુરુવારે કહ્યું કે પુલવામામાં સીઆરપીએફના જવાનો પર હુમલો એક કાયરતાપૂર્ણ કૃત્ય હતું અને દોષિતોએ તેની કિંમત ચૂકવવી પડશે. અહીર મહારાષ્ટ્રમાં યવતમાલ જિલ્લામાં પાંઢરકવડામાં મીડિયા સાથે વાતચીત કરી રહ્યાં હતાં.
તેમણે હુમલાની ટીકા કરતા કહ્યું કે સીઆરપીએફના જવાનો ત્યાં (કાશ્મીરમાં) આતંકવાદીઓ સામે બહાદુરીથી લડી રહ્યાં છે અને આ જ કારણે કાયરતાપૂર્ણ હુમલો (આતંકવાદીઓ દ્વારા ) કરવામાં આવ્યો. મંત્રીએ કહ્યું કે આ દેશના લોકો હુમલામાં શહીદ જવાનોના બલિદાનને ક્યારેય ભૂલશે નહીં. આ સરકાર ચૂપ નહીં બેસે. અમે તેને એક પડકાર તરીકે જોઈ રહ્યાં છીએ. તેમણે તેની કિંમત ચૂકવવી પડશે.
પુલવામાં આતંકવાદી હુમલાની તપાસમાં એનઆઈએની ટીમ પણ સામેલ
આતંકવાદી વિરોધી કમાન્ડો દળ રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (એનએસજી)ના વિશેષજ્ઞો અને રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)ના તપાસકર્તાઓને પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાની તપાસમાં સામેલ થવા માટે જમ્મુ અને કાશ્મીર મોકલવામાં આવ્યાં છે. અધિકારીઓએ ગુરુવારે આ જાણકારી આપી. વર્ષ 2016માં ઉરી હુમલા બાદ રાજ્યમાં થયેલા ભીષણ આતંકવાદી હુમલામાં શહીદોની વધુ સંખ્યાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે ઘટના સ્થળના ફોરેન્સિક મૂલ્યાંકન માટે જમ્મુ કાશ્મીર પોલીસની મદદ માટે એનઆઈએની એક ટીમ ફોરેન્સિક વિશેષજ્ઞો સાથે મોકલાઈ છે.
એક અન્ય અધિકારીએ જણાવ્યું કે હુમલાની તપાસમાં બ્લેક કેટ કમાન્ડોની ટુકડી પણ એનએસજીના વિસ્ફોટક વિશેષજ્ઞો સાથે સામેલ થશે. અત્રે જણાવવાનું કે પુલવામાં જિલ્લામાં જૈશ એ મોહમ્મદના એક આતંકવાદીએ વિસ્ફોટકો ભરેલા વાહને સીઆરપીએફની એક બસ સાથે ટક્કર મારી. આ વિસ્ફોટમાં સીઆરપીએફના લગભગ 40 જેટલા જવાનો શહીદ થયા. આ હુમલો 2016માં થયેલા ઉરી હુમલા બાદ રાજ્યના સૌથી ભીષણ આતંકી હુમલામાંથી એક છે.