નવી દિલ્હી: ભાજપ તરફથી જ્યારે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યાં હતાં ત્યારે તેમનો એક ચાવાળા તરીકે પ્રચાર કરવામાં આવ્યો હતો. તેઓ પોતે પણ અનેક રેલીઓમાં પોતાને ચાવાળાનું સંબોધન કરી ચૂક્યા છે. વડાપ્રધાન બન્યાં બાદ પણ તેઓ કહેતા જોવા મળ્યા હતાં કે એક ચાવાળો આ પદ સુધી પહોંચ્યો છે. હવે એકવાર ફરીથી એક ચાવાળો ચર્ચામાં છે. પરંતુ આ વખતે તેની કમાણીના કારણે તે ચર્ચામાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રના પુણે સ્થિત યેવલે ટી હાઉસના કો ફાઉન્ડર નવનાથ યેવલેએ પોતાના હરિફો માટે એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે. આ ચાવાળો મહિને 12 લાખ રૂપિયાની જંગી કમાણી કરે છે. નવનાથ યેવલે પોતાના ટી હાઉસને ઈન્ટરનેશનલ બ્રાન્ડ બનાવવાની યોજના બનાવી રહ્યાં છે.


ટી હાઉસ અનેક લોકોને આપે છે રોજગારી
નવનાથ યેવલેએ કહ્યું કે અમારો ટી હાઉસનો કારોબાર અનેક ભારતીયોને રોજગારી આપે છે. આ બિઝનેસ વધતો જ જાય છે, જેનાથી અમે ખુબ ખુશ છીએ. યેવલે ટી હાઉસની પુણેમાં 3 બ્રાન્ચ છે. દરેક બ્રાન્ચમાં 12 કર્મચારીઓ કામ કરે છે. નવનાથે કહ્યું કે અમે જલદી યેવલે ટી હાઉસને ઈન્ટરનેશનલ બ્રાન્ડ બનાવવાના છીએ.


અત્રે જણાવવાનું કે પુણેમાં યેવલે ટી હાઉસ ખુબ પ્રસિદ્ધ છે. આ જ કારણે ટી હાઉસનો વેપાર સતત વધતો જાય છે. આ ટી હાઉસ એવા અનેક લોકો માટે પ્રેરણા પણ બની રહ્યું છે જેઓ પોતાનો કારોબાર શરૂ કરીને તેને કમાણીનું સાધન બનાવવા માંગે છે. જે લોકોને રોજગારી આપી શકે.