ચંદીગઢઃ બોલીવુડ અભિનેતા સોનૂ સૂદ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 20 ફેબ્રુઆરીએ પંજાબ ચૂંટણીના મતદાન દરમિયાન આચાર સંહિતાના ઉલ્લંઘનના મામલામાં પોલીસે આ પગલું ભર્યું છે. મોગાના ડીએસપી સિટી જશ્નદીપ સિંહ ગિલે આ જાણકારી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોંધાયેલી એફઆઈઆર અનુસાર, મોગા જિલ્લામાં સૂદ વિરુદ્ધ આઈપીસીની કલમ 188 (જાહેર સેવક દ્વારા યોગ્ય રીતે જાહેર કરાયેલ હુકમનો અનાદર) હેઠળ રવિવારે કેસ દાખલ કરવામાં આવ્યો છે. પંજાબ વિધાનસભા ચૂંટણી માટે રવિવારે મતદાન થયું હતું. 


ચૂંટણી પંચે અભિનેતા સોનૂ સૂદને મોગામાં મતદાન કેન્દ્ર પર જવાથી રોક્યો હતો. સૂદ દ્વારા મતદાતાઓને પ્રભાવિત કરવાનો આરોપ લાગ્યો હતો, ત્યારબાદ પંચે આ કાર્યવાહી કરી છે. સોનૂ સૂદે આ આરોપોથી ઈનકાર કર્યો છે. મોગા વિધાનસભા ક્ષેત્રથી સોનૂ સૂદની બહેન કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે. 


આ પણ વાંચોઃ શું નીતીશ કુમાર હશે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવાર? એનસીપીએ આપી પ્રતિક્રિયા


મોગા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર અનુસાર પોલીસને સૂચના મળી હતી કે સૂદ મોગાના લાંડેકે ગામમાં પોતાની બહેન માટે પ્રચાર કરી રહ્યો હતો. તે ગામમાં વાહનમાં બેઠેલો જોવા મળ્યો અને આમ કરીને તેણે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશોનું ઉલ્લંઘન કર્યુ. મોગાના વરિષ્ઠ પોલીસ અધિકારી ચરણજીત સિંહ સોહલે સોમવારે કહ્યુ હતુ કે સૂદે ત્યાં હાજર રહેવાની જરૂર નહોતી તેથી તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. 


મહત્વનું છે કે પંજાબ ચૂંટણી અધિકારી તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે રાજ્યમાં 71.95 ટકા મતદાન થયું છે. રાજ્યમાં છેલ્લી ત્રણ વિધાનસભા ચૂંટણીની તુલનામાં આ વખતે ઓછુ મતદાન થયું છે. વર્ષ 2017ની ચૂંટણીમાં 77.40 ટકા મતદાન થયું હતું, જ્યારે 2007માં 75.45 ટકા અને 2012ની વિધાનસભા ચૂંટણીમાં 78.20 ટકા મતદાન થયું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube