નવી દિલ્હી: અમૃતસરમાં એક દર્દનાક ગોઝારા ટ્રેન અકસ્માતમાં 61 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ પીડિતોને જોવા માટે ગયા અને ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે આ અકસ્માત પર દુ:ખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે રેલવે પોતાના સ્તરે તપાસ કરી રહી છે. અકસ્માતની મેજિસ્ટ્રેટ તપાસ થશે. જેનો  રિપોર્ટ ચાર અઠવાડિયામાં સોંપવાનો આદેશ છે. તેમણે કહ્યું કે કમિશ્નર આ ઘટનાની તપાસ કરશે. તપાસ પર પત્રકારોએ કરેલા સવાલથી તેઓ ભડકી ગયા અને કહ્યું કે 'જે સવાલ તમે લોકો મને કરી રહ્યાં છો, તે મેજિસ્ટ્રેટને કરો.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે સવારે તેઓ દિલ્હીથી અમૃતસર પહોંચ્યાં. હોસ્પિટલમાં ઘાયલ લોકોના હાલચાલ પૂછ્યા બાદ અમરિન્દર સિંહે મીડિયા સાથે વાત કરી અને કહ્યું કે આ એક ખુબ જ દર્દનાક ઘટના છે. તેમણે કહ્યું કે આ અકસ્માત બાદ સમગ્ર દેશની સાંત્વના પીડિતો પરિજનો સાથે છે. તેમણે કહ્યું કે કેટલાક મૃતદેહોને બાદ કરતા તમામની ઓળખ થઈ ગઈ છે. મીડિયાના સવાલોના જવાબ આપતા તેમણે કહ્યું કે આ સમય તૂતૂ મે મેનો નથી. અત્યારે જરૂરી એ છે કે ઘટનાની તપાસ થાય. જેથી કરીને મુખ્ય કારણ જાણવા મળી શકે. 


પત્રકારોએ આ ઘટના બાદ મોડા પહોંચવા અંગે પણ સવાલ કર્યાં. તેમણે તીખા અંદાજમાં કહ્યું કે હું ઈઝરાયેલ જઈ રહ્યો હતો. દિલ્હીથી પાછો ફર્યો છું. આથી મોડું થયું. અત્રે જણાવવાનું કે આ ઘટનાના 15 કલાક બાદ સીએમ અમરિન્દર સિંહ ઘટનાસ્થળે પહોંચ્યાં અને પીડિતોના ખબરઅંતર પૂછ્યાં. 


આ અગાઉ રેલ રાજ્યમંત્રી મનોજ સિન્હાએ પણ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યુ હતું. તેમણે જણાવ્યું કે અકસ્માતની જાણ થતા તેઓ ઘટનાસ્થળે પહોંચ્યાં. તેમણે કહ્યું કે આ મામલે રેલવેની ચૂક નથી. રેલવેને આવા કોઈ પણ પ્રકારના આયોજનની જાણ કરવામાં આવી નહતી. તેમણે કહ્યું કે અકસ્મતા દુ:ખદ છે અને તેના પર રાજકારણ રમાવું જોઈએ નહીં.