નવી દિલ્હી: પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે પોતાના પદેથી રાજીનામું આપતા માત્ર પંજાબ જ નહીં પરંતુ દેશના રાજકારણમાં જાણે ભૂકંપ આવી ગયો છે. તેમણે શનિવારે રાજ્યપાલને મળીને રાજીનામું સોંપી દીધુ. એક જ અઠવાડિયામાં રાજીનામું આપનારા અમરિન્દર સિંહ બીજા મુખ્યમંત્રી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસના આ દિગ્ગજ નેતા અગાઉ 11 સપ્ટેમ્બરે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પદ છોડ્યું હતું. દેશ હજુ તો ગુજરાતના ઘટનાક્રમો પર નજર રાખી રહ્યો હતો ત્યાં અચાનક 5 દિવસ બાદ ગુરુવારે ક્રિકેટના દિગ્ગજ ગણાતા ખેલાડી વિરાટ કોહલીએ ટી20 ફોર્મેટમાંથી ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકેનું પદ છોડવાની જાહેરાત કરી. રાજકારણથી લઈને ખેલના મેદાન સુધીમાં અપાયેલા આ રાજીનામાઓથી દેશમાં ખળભળાટ વ્યાપી ગયો છે. 


રૂપાણીએ શરૂ કર્યો રાજીનામાનો સિલસિલો
રાજીનામાના આ સિલસિલાને વિજય રૂપાણીએ શરૂ કર્યો. તેમણે 11 સપ્ટેમ્બરે ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપીને રાજકીય હલચલ વધારી દીધી. રૂપાણીએ બીજો કાર્યકાળ પૂરો થાય તે પહેલા જ રાજીનામું ધરી દીધુ. રૂપાણી બીજીવાર મુખ્યમંત્રી બન્યા હતા. અને પોતાના કાર્યકાળનું ચોથું વર્ષ પૂરું કરવામાં 3 મહિના જ દૂર હતા. પરંતુ અચાનક રાજીનામું આપ્યું. આવતા વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી છે જેને લઈને આ ઘટનાક્રમ મહત્વનો જોવામાં આવી રહ્યો છે. ઓગસ્ટ 2016માં આનંદીબેન પટેલના રાજીનામા બાદ વિજય રૂપાણી પહેલીવાર મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારબાદ 2017ની વિધાનસભા ચૂંટણીમાં જીત મળી ત્યારે પણ તેઓ જ મુખ્યમંત્રી રહ્યા. પરંતુ પોણા ચાર વર્ષ બાદ તેમણે રાજીનામું આપવું પડ્યું. તેઓ કુલ 5 વર્ષ 35 દિવસ સુધી મુખ્યમંત્રી રહ્યા. 


રૂપાણીની રાહે કોહલી
ત્યારબાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ 16 સપ્ટેમ્બરના રોજ ટી20 ફોર્મેટની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી દીધી. કોહલીએ સોશિયલ મીડિયા એકાઉન્ટથી આ જાણકારી આપી. તેમણે એ પણ જણાવ્યું કે તે ટી20 વર્લ્ડ કપ સુધી ટીમના કેપ્ટન પદે રહેશે. વિરાટ કોહલીને 2017માં મહેન્દ્ર સિંહ ધોની બાદ ટી20 ના કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. તે 4 વર્ષ સુધી આ પદ પર રહ્યા. તેમણે 45 ટી20મા ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી. જેમાંથી 27માં જીત મળી. 


વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે 45 મેચમાં 1502 રન કર્યા. સરેરાશ 48.45 અને સ્ટ્રાઈક રેટ 143.18 રહી. તેમણે 18 અડધી સદી કરી. જ્યારે સૌથી વધુ સ્કોર 94 (અણનમ) રહ્યો. 


કેપ્ટને પણ આપ્યું રાજીનામું
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની જાહેરાતના બે દિવસ બાદ પંજાબના કેપ્ટને પણ પદ છોડ્યું. કેપ્ટન અમરિન્દર સિંહે શનિવારે પંજાબના સીએમ પદેથી રાજીનામું ધરી દીધુ. રાજ્યપાલને રાજીનામું સોંપ્યા બાદ રાજભવનની બહાર મીડિયા સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં આવું ત્રીજીવાર થયું છે. તેઓ અપમાનિત મહેસૂસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે સવારે જ રાજીનામું આપી દેવાનો નિર્ણય કર્યો હતો. તેની જાણકારી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ આપી હતી. 


અત્રે જણાવવાનું કે પંજાબ કોંગ્રેસમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ઉથલપાથલ મચેલી હતી. પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુનું જૂથ અમરિન્દર સિંહના જૂથ પર હાવી થવાની કોશિશ કરી રહ્યું હતું અને છેલ્લે તેમને સફળતા પણ મળી ગઈ. આમ એક જ અઠવાડિયામાં રાજીનામું આપી દેનારા તેઓ ત્રીજા દિગ્ગજ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube