નવી દિલ્હી: પંજાબ (Punjab) ના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ (Captain Amarinder Singh)  અને ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે બુધવારે સાંજે એક મુલાકાત થઈ. 79 વર્ષના અમરિન્દર સિંહ અને 56 વર્ષના અમિત શાહ વચ્ચે આ મુલાકાત 50 મિનિટ સુધી ચાલી. રાજકારણમાં 50 મિનિટની મુલાકાત એ કોઈ સામાન્ય મુલાકાત ન કહી શકાય. T-20 ક્રિકેટમાં એક ટીમ આટલા સમયમાં પોતાની ઈનિંગની અડધી ઓવરો રમી કાઢે છે અને બંને ટીમો માટે એ અંદાજો લગાવવો સરળ બને છે કે મેચ કોની તરફ જઈ શકે છે. આ મુલાકાતથી પણ કઈક આવું જ થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું ભાજપ જોઈન કરશે કેપ્ટન?
રાજકીય અટકળો એવી પણ છે કે અમરિન્દર સિંહ (Captain Amarinder Singh) ભાજપ જોઈન કરી શકે છે અને પંજાબની વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી પદનો ચહેરો બની શકે છે. પરંતુ અસલ રણનીતિ તેની આગળની છે. જો અમરિન્દર સિંહ ભાજપ જોઈન કરીને કેન્દ્ર સરકારમાં મંત્રી બની જાય કે ભાજપના મુખ્યમંત્રી પદનો ચહેરો બને તો તેઓ પણ નવજોત સિંહ સિદ્ધુની જેમ સત્તા મેળવવા માટે બેતાબ એક નેતા તરીકે ગણાઈ જશે. આથી ભાજપ ઈચ્છે છે કે પહેલા અમરિન્દર સિંહની છબી પંજાબના ખેડૂતોના સૌથી મજબૂત પ્રતિનિધિ તરીકે ચમકાવવામાં આવે અને પછી તેમની ખેડૂતોની સાથે વાતચીતમાં મધ્યસ્થતા કરાવવામાં આવે. કદાચ એટલે જ આ મુલાકાતમાં કેપ્ટન અમરિન્દર સિંહ અને અમિત શાહ (Amit Shah)  વચ્ચે ખેડૂત આંદોલન, પાકના ટેકાના ભાવ અને ખેડૂતો મુદ્દે ખુબ લાંબી ચર્ચા થઈ. 


શું છે ભાજપનો પ્લાન?
ખેડૂત આંદોલન (Farmers Protest) ની શરૂઆત ગત વર્ષ ઓગસ્ટમાં પંજાબથી થઈ હતી અને આ હવે ખેડૂતો પણ આ આંદોલનથી થાકી ગયા છે પરંતુ રાકેશ ટિકૈત જેવા નેતાઓના સ્વાર્થના કારણએ ખેડૂતોને આ આંદોલનની બહાર નીકળવાનો રસ્તો મળતો નથી. જો અમરિન્દર સિંહ ખેડૂતો સાથે વાતચીત કરે તો કદાચ ખેડૂતો પણ આંદોલન પાછું ખેંચવા અંગે વિચારી શકે છે. કેપ્ટન અમરિન્દર સિંહ જાટ શીખ સમુદાયમાંથી આવે છે. જેમની પંજાબમાં કુલ વસ્તી 14 થી 18 ટકા સુધી છે. પંજાબમાં મોટાભાગના જમીનદાર ખેડૂતો પણ આ સમુદાયમાંથી આવે છે અને આંદોલનમાં પણ પંજાબના આ ખેડૂતોની ભૂમિકા સૌથી વધારે છે. આથી કેપ્ટન અમરિન્દર સિંહ આ ભૂમિકામાં ખુબ ફિટ થઈ શકે છે. 


અમરિન્દર સિંહ પાસે ત્રણ વિકલ્પ?
2017ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે પોતાના એકલાના દમ પર પંજાબની 117 બેઠકોમાંથી 77 બેઠકો પર કોંગ્રેસને જીત અપાવી હતી. એટલે કે પંજાબની લગભગ 65 ટકા બેઠકો તેમણે એકલા હાથે જીતી હતી. જ્યારે ભાજપ અને અકાલી દળે મળીને 18 બેઠકો જીતી હતી. જ્યારે આમ આદમી પાર્ટીને 20 બેઠકો મળી હતી. જો કે 2017માં કેપ્ટન અમરિન્દર સિંહ 74 વર્ષના હતા અને હવે તેમની ઉંમર 79 થઈ છે. આથી કેટલાક લોકો એવી પણ થીયરી આપી રહ્યા છે કે તેમની પાસે હાલ ત્રણ વિકલ્પ છે, પહેલો એ કે તેઓ ભાજપમાં સામેલ થઈ જાય અને ભાજપના નેતૃત્વમાં જ પંજાબની ચૂંટણી લડે. બીજો એ કે પંજાબમાં પોતાની પ્રાદેશિક પાર્ટી બનાવે અને ચૂંટણી બાદ ભાજપ આ  પાર્ટીને સમર્થન આપે અથવા ચૂંટણી પહેલા ગઠબંધન કરે. ત્રીજો વિકલ્પ એ કે કેપ્ટન ભાજપમાં જોડાય અને ભાજપ તેમને કેન્દ્રમાં મંત્રી બનાવી દે. દાખલા તરીકે તેમને કૃષિ મંત્રી બનાવી દેવામાં આવે. 


સિદ્ધુ અને કોંગ્રેસની ગેરસમજ
પરંતુ ભાજપ (BJP) આ મામલે કોઈ ઉતાવળ નહીં કરે. પહેલા અમરિન્દર સિંહની છબીને ચમકાવવામાં આવશે. તેમને ખેડૂતો અને સરકાર વચ્ચે મધ્યસ્થતા કરવાનું કામ સોંપવામાં આવશે. ત્યારબાદ તેમને ભાજપમાં સામેલ કરવાનો કોઈ નિર્ણય લેવાશે. બધુ મળીને 79 વર્ષના અમરિન્દર સિંહ રાજનીતિની ટેસ્ટ મેચ રમી રહ્યા છે. જ્યારે 57 વર્ષના નવજોત સિંહ સિદ્ધુને લાગી રહ્યું છે કે તેમણે 20-20ની સ્ટાઈલમાં આવતાની સાથે જ કેપ્ટન અમરિન્દર સિંહની વિકેટ લઈ લીધી છે. જ્યારે ગાંધી પરિવાર વિચારી રહ્યું હતું કે તેમણે એક જ બોલમાં બે વિકેટ લઈ લીધી છે. પરંતુ અસલમાં કોઈ વિકેટ પડી છે તો તે છે ગાંધી પરિવારની કારણ કે આ ઘટનાક્રમ બાદ કોંગ્રેસ પર ગાંધી પરિવારની પકડ વધુ નબળી બની ગઈ છે. પરંતુ ગાંધી પરિવાર તેવા બેટ્સમેન જેવો છે જે  આઉટ થયા બાદ પણ ક્રિઝ છોડવા તૈયાર નથી અને હજુ પણ થર્ડ એમ્પાયર સામે જોઈ રહ્યો છે કે કદાચ તને નોટ આઉટ આપવામાં આવે. 


ગાંધી પરિવાર પર ઉઠી રહ્યા છે સવાલ
કદાચ આ જ કારણ છે કે હવે કોંગ્રેસના ખેલાડીઓ જ ગાંધી પરિવાર પર સવાલ ઉઠાવવા લાગ્યા છે. હવે કોંગ્રેસના એ 23 નેતાઓની ટીમ મેદાનમાં ઉતરી છે જેને પાર્ટીમાં  Group-23 કહે છે. કારણ કે આ 23 નેતાઓએ ગત વર્ષે ગાંધી પરિવારને એક પત્ર લખીને પાર્ટીની નીતિઓની ટીકા કરી હતી પરંતુ હવે કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે તો એ સુદ્ધા કહી દીધુ કે તેઓ G-23 તો છે પરંતુ જી હુજુર-23 નથી. એટલે કે તેમના જેવા અન્ય નેતાઓ પણ ગાંધી પરિવારની જી હજુરી કરી શકશે નહીં. કપિલ સિબ્બલે ગાંધી પરિવારનું નામ લીધા વગર એ પણ કહ્યું કે જે લોકો આ પરિવારના સૌથી ખાસ હતા, તેઓ પાર્ટી છોડીને જતા રહ્યા પરંતુ જેમને તેઓ તેની વિરુદ્ધમાં સમજે છે, તેઓ હજુ પણ પાર્ટીની સાથે અડીખમ છે અને પોતાની એ જ માગણીઓને ફરી દોહરાવી રહ્યા છીએ કે તેના માટે તેમણે પત્ર લખ્યો હતો. 


શું 'મેચ' હવે નિર્ણાયક મોડ પર છે?
કપિલ સિબ્બલે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનું નામ લીધા વગર એમ પણ કહ્યું કે જ્યારે પાર્ટીમાં કોઈ નિયમિત અધ્યક્ષ છે જ નહીં તો પાર્ટીના તમામ મોટા નિર્ણય કોણ લે છે? એટલે કે તેમનો સીધો ઈશારો સોનિયા ગાંધી તરફ છે. કોંગ્રેસના આ જૂતના એક અન્ય નેતા ગુલામ નબી આઝાદે પણ સોનિયા ગાંધીને પત્ર લખીને કોંગ્રેસ વર્કિંગ કમિટીની એક બેઠક બોલાવવાની માગણી કરી. જેનાથી એવું લાગે છે કે આ મેચ હવે નિર્ણાયક મોડ પર આવી શકે છે અને કોંગ્રેસમાં અધ્યક્ષ પદની ખુરશીને લઈને સુપર ઓવરની સ્થિતિ પણ બની શકે છે. 


વધુ વિગતો માટે જુઓ Video


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube