ચંડીગઢ: પંજાબના ચંડીગઢમાં આજે કોંગ્રેસે વિધાયક દળની બેઠક બોલાવી હતી જો કે હવે તે રદ થઈ છે. પંજાબ કોંગ્રેસના મહાસચિવ પ્રગટ સિંહે કહ્યું કે બધુ કોંગ્રેસ હાઈ કમાન પર નિર્ભર છે. CLP બેઠક ગઈ કાલે યોજાઈ હતી અને મેન્ડેટ આપી દેવાયું છે. CLP ની બીજી બેઠકની કોઈ જરૂર નથી. આ બાજુ જેના નામની ચર્ચા હતી તે અંબિકા સોનીએ સીએમ બનવાની ના પાડી દીધી છે. તેમનું કહેવું છે કે સીએમ કોઈ શીખ હોવા જોઈએ. 


સૂત્રોના જણાવ્યાં મુજબ મોડી રાતે રાહુલ ગાંધીના નિવાસ સ્થાને થયેલી બેઠકમાં અંબિકા સોનીએ પંજાબના રાજકારણમાં આવવાની ના પાડી દીધી. તેમણે પોતાના આ નિર્ણય પાછળ સ્વાસ્થ્યને પણ કારણભૂત ગણાવ્યું. પાર્ટીના તમામ લોકોએ અંબિકા સોનીને આ પદ વારંવાર સંભાળવા માટે કહ્યું અને કહ્યું કે તમારા નામ પર સરળતાથી સહમતી બની જશે અને સર્વસંમતિથી બધા સ્વીકારી લેશે પરંતુ અંબિકા સોનીએ ના પાડી દીધી. કહેવાય છે કે સોનિયા ગાંધીના કવરમાંથી પંજાબના નવા મુખ્યમંત્રીનું નામ નીકળશે. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ, પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સુનિલ જાખડ અને સુખજિંદર સિંહ રંધાવાના નામ સીએમ પદની રેસમાં સૌથી આગળ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube