Punjabi-Canadian Rapper Shubh reaction on his Still Rollin India tour: ભારતનો વિકૃત નક્શો શેર કરીને લોકોના નિશાન પર આવેલા કથિત ખાલિસ્તાની સમર્થક પંજાબી-કેનેડિયન રેપર શુભનીત સિંહના સૂર હવે ભારે વિરોધ બાદ બદલાતા જોવા મળી રહ્યા છે. ભારત અને કેનેડા વચ્ચે રાજનયિક વિવાદ વચ્ચે પોતાની વિવાદાસ્પદ સોશિયલ મીડિયા  પોસ્ટ પર ભારે આલોચનાનો સામનો કરી રહેલા પંજાબી કેનેડિયન રેપર શુભનીતસિંહે ગુરુવારે કહ્યું કે તે પોતાનો ભારત પ્રવાસ રદ થવાથી ખુબ નિરાશ છે. ખાલિસ્તાન મુદ્દાને સમર્થન આપવાના કારણે રેપરનો સ્ટિલ રોલિન ઈન્ડિયા ટુર રદ થઈ ચૂકી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શો રદ  થવાની નિરાશ
ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલી પોસ્ટમાં શુભનીત સિંહે કહ્યું કે છેલ્લા બે મહિનાથી હું ભારત પ્રવાસ માટે ખુબ મહેનત કરી રહ્યો હતો અને લોકો વચ્ચે મારા પરફોર્મન્સને લઈને ખુબ ઉત્સાહિત હતો. ઈન્સ્ટાગ્રામ પર પોતાના પેજ પર રેપરે પોસ્ટ કર્યું કે પંજાબથી આવનારા એક યુવા રેપર ગાયક તરીકે, પોતાના સંગીતને એક આંતરરાષ્ટ્રીય મંચ પર રાખવું મારા જીવનનું સપનું હતું. પરંતુ હાલની ઘટનાઓએ મારી આકરી મહેનત અને પ્રગતિને પ્રભાવિત કરી છે. હું મારી નિરાશા અને દુખને વ્યક્ત કરવા માટે કેટલાક શબ્દોનો કહેવા માંગતો હતો. 


રેપરે વધુમાં લખ્યું કે હું  "ભારતમાં મારો પ્રવાસ રદ થવાથી ખુબ નિરાશ છું. હું મારા દેશમાં, પોતાના લોકો સામે પ્રદર્શન કરવા માટે ખુબ ઉત્સાહિત હતો. તૈયારીઓ પૂરી જોરમાં હતી અને હું તેના માટે પૂરા દિલ અને આત્માથી અભ્યાસ કરી રહ્યો હતો. છેલ્લા બે મહિનાથી હું ખુબ ઉત્સાહિત, ખુશ અને પ્રદર્શન માટે તૈયાર હતો. પરંતુ મને લાગે છે કે નિયતિની કઈક અલગ જ યોજનાઓ હતી." 


ગુરુઓની શહાદતનો સહારો
ભારતને પોતાનો દેશ ગણાવતા શુભનીત સિંહે ગુરુઓની શહાદતનો સહારો લીધો. કહ્યું કે જ્યારે દેશની આઝાદી માટે બલિદાન આપવાની વાત આવી તો તેમના પૂર્વજો અને ગુરુઓએ પલક ઝપકાવી નથી. વધુમાં લખ્યું કે "ભારત મારો પણ દેશ છે, હું અહીં જન્મ્યો છું, આ મારા ગુરુઓ અને મારા પૂર્વજોની ભૂમિ છે જેમણે આ જમીનની આઝાદી, તેના મહિમા અને પરિવાર માટે બલિદાન આપવા માટે પલક પણ ઝપકાવી નથી. પંજાબ મારો આત્મા છે, પંજાબ મારા લોહીમાં છે. હું આજે જે પણ કઈ છું, પંજાબી હોવાના કારણે છું." 


હવે ડેમેજ કંટ્રોલની કોશિશ
પોતાની વિવાદિત પોસ્ટ પર સફાઈ આપતા શુભનીતે લખ્યું કે તેમનો ઈરાદો પંજાબ માટે પ્રાર્થના કરવાનો હતો કારણ કે રાજ્યમાં વીજળી બંધ થવાના સમાચાર હતા. તેમણે કહ્યું કે તેમનો ઈરાદો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહતો. પોતાના શો રદ થવાથી નિરાશ રેપરે કહ્યું કે તેમના પર લગાવેલા આરોપોએ તેમને ખુબ પ્રભાવિત કર્યો છે. 


અત્રે જણાવવાનું કે બુધવારે બુક માય શોએ જાહેરાત કરી હતી કે શુભનીતનો સ્ટિલ રોલિન ટુર ફોર ઈન્ડિયા રદ કરવામાં આવ્યો છે. એક્સ પર શેર કરાયેલી એક પોસ્ટમાં બુક માય શોએ કહ્યું કે "ગાયક શુભીત સિંહનો ભારત માટે સ્ટિલ રોલિન ટુર રદ કરવામાં આવ્યો છે. આ માટે બુક માય શોએ તેમના તમામ ગ્રાહકોને કે જેમણે શોની ટિકિટ ખરીદી હતી તેમને ટિકિટની રકમ રિફંડ કરવાની શરૂ કરી દીધી છે. બધાને એક અઠવાડિયામાં રિફંડ મળી જશે." 


એપ વિરુદ્ધ લોકોનો ગુસ્સો
ટિકિટ બુકિંગ એપને ખાલિસ્તાની સમર્થક શુભનીત સિંહની મેજબાની કરવા બદલ સોશિયલ મીડિયા પર આલોચનાનો સામનો કરવો પડ્યો હતો. આ અગાઉ બુધવારે એક્સ પર #UninstallBookMyShow ટ્રેન્ડ થવા લાગ્યો હતો અને કેટલાક યૂઝર્સે શુભને ખાલિસ્તાની કહ્યો હતો. રેપરટે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ભારતનો એક વિકૃત નક્શો શેર કર્યો હતો. જેને તેમણે કેપ્શન આપી હતી કે 'પંજાબ માટે પ્રાર્થના કરો'. આ ઘટના બાદ કથિત રીતે ભારતના ટોચના ક્રિકેટર વિરાટ કોહલીએ શુભનીતને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કર્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube