દેહરાદૂનઃ ઉત્તરાખંડમાં ચૂંટણી પરિણામ બાદ ભાજપની નવી સરકારને લઈને મહત્વની જાહેરાત કરી દેવામાં આવી છે. રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આવાસ પર ભાજપ નેતાઓની બેઠક બાદ સોમવારની સાંજે ઉત્તરાખંડમાં પુષ્કર સિંહ ધામીને ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા છે. કેરટેકર સીએમ પુષ્કર સિંહ ધામી બીજીવાર રાજ્યના મુખ્યમંત્રી બનશે. ખટીમાથી ચૂંટણી હારવા છતાં પુષ્કર સિંહ ધામી ફરી ઉત્તરાખંડના મુખ્યમંત્રી બનશે. 


દેહરાદૂનમાં આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળી હતી. આ બેઠકમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ અને મીનાક્ષી લેખી પર્યવેક્ષક તરીકે હાજર રહ્યા હતા. ધારાસભ્ય દળની બેઠકમાં ફરી પુષ્કર સિંહ ધામી પર પાર્ટીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ધામીને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરાયા બાદ રાજનાથ સિંહે કહ્યુ કે, હું પુષ્કર સિંહ ધામીને શુભેચ્છા આપુ છું. મને વિશ્વાસ છે કે ઉત્તરાખંડ તેમના નેતૃત્વમાં પ્રગતિ કરશે. ધામી સરકાર ચલાવી ચુક્યા છે. તેમની પાસે સરકાર ચલાવવાનો અનુભવ છે. તેમણે છ મહિનાના કાર્યકાળમાં પોતાની છાપ છોડી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube