સરકારે સુપ્રીમને રાફેલ અંગેની તમામ માહિતી સોંપી, જાણો કઇ રીતે થયો સોદો
કેન્દ્ર સરકારે રાફેલ ખરીદીના નિર્ણયની પ્રક્રિયા સાથે જોડાયેલી માહિતી અંગેના દસ્તાવેજ અરજદારને સોંપ્યા
નવી દિલ્હી : ફ્રાંસની સાથે રાફેલ ડીલ અંગે વિપક્ષનાં આરોપોનો સામનો કરી રહેલ કેન્દ્ર સરકારે સોમવારે આ સોદા સાથે જોડાયેલી માહિતી જાહેરાત કરી દીધી. કેન્દ્ર સરકાર દ્વારા વિમાન ખરીદીની પ્રક્રિયા સાથે જોડાયેલા દસ્તાવેજો અરજીકર્તાઓને સોંપી દેવામાં આવ્યા છે. આ સાથે જ કેન્દ્ર સરકારે રાફેલ વિમાોની કિંમત અંગે માંગેલી માહિતી અંગે પોતાનો જવાબ સીલબંધ કવરમાં સુપ્રીમ કોર્ટને સોંદી દીધો.
કેન્દ્ર સરકારની તરફથી અરજીકર્તાને સોંપેલા દસ્તાવેજોમાં જણાવવામાં આવ્યું કે, રાફેલ ખરીદીમાં તમામ પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું છે. સરકારે જણાવ્યું કે, આ પ્રક્રિયા માટે ફ્રાંસ સરકાર સાથે 1 વર્ષ સુધી વાતચીત ચાલી. સરકારે આ દસ્તાવેજમાં દાવો કર્યો કે, કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS) પાસેથી પરવાનગી મેળવ્યા બાદ જ સમજુતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ દસ્તાવેજનું શીર્ષક 36 રાફેલ વિમાનની ખરીદીમાં નિર્ણય લેવાની પ્રક્રિયા અંગે વિસ્તૃત માહિતી છે.
કેન્દ્ર સરકારે તેમ પણ જણાવ્યું કે, ઓફસેટ પાર્ટનરની પસંદગીમાં સરકારનો કોઇ જ રોલ નથી. નિયમો અનુસાર વિદેશ નિર્માતા કોઇ પણ ભારતીય કંપનીને ઓફસેટ પાર્ટનર પસંદ કરવા માટે સ્વતંત્ર છે. યુપીએનાં જમાનાથી ચાલી રહેલા સંરક્ષણ ઉપકરણોની ખરીદી પ્રક્રિયા માટે સંરક્ષણ ખરીદી પ્રક્રિયા 2013નું જ પાલન કરવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે ભારતીય મંત્રણા પુર્ણ થઇ અને 4 ઓગષ્ટ 2016ના રોજ 36 રાફેલ જેટ અંગેનો અહેવાલ રજુ કરવામાં આવ્યો તો, તેનું આર્થિક અને કાયદા મંત્રાલય દ્વારા પણ ગણત્રી કરવામાં આવી અને સીસીએસએ 24 ઓગષ્ટ, 2016નાં રોજ તેને મંજુરી આપી. ત્યાર બાદ ભારત-ફ્રાંસ વચ્ચે સમજુતીને 23 સપ્ટેમ્બર, 2016નાં રોજ અંજામ અપાયો.
સુપ્રીમ કોર્ટનાં 31 ઓક્ટોબરનાં આદેશ અનુસાર કેન્દ્ર સરકારે અરજદારને આ દસ્તાવેજ ઉપલબ્ધ કરાવ્યો છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે વિમાન ખરીદીની પ્રક્રિયાની વિસ્તૃત માહિતી સુપ્રીમ કોર્ટને આપવામાં આવે. સુપ્રીમ કોર્ટ આ મુદ્દે સુનવણી હવે 14 નવેમ્બરે કરશે.