રાફેલ મામલે સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો, સરકારે કહ્યું-વાયુસેનાને રાફેલની જરૂર હતી
સુપ્રીમ કોર્ટમાં 36 રાફેલ ફાઈટર વિમાનોની ખરીદી અંગે કોર્ટની નિગરાણીમાં તપાસની માગણી કરનારી અરજીઓ પર હાલ સુનાવણી થઈ રહી છે.
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં 36 રાફેલ ફાઈટર વિમાનોની ખરીદી અંગે કોર્ટની નિગરાણીમાં તપાસની માગણી કરનારી અરજીઓ પર આજે લાંબી સુનાવણી ચાલી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે આ કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો. બપોરે 2 વાગ્સુયે ફરી સુનાવણી શરૂ થઈ તે દરમિયાન એટોર્ની જનરલ કે કે વેણુગોપાલે કહ્યું કે કારગિલ યુદ્ધમાં આપણા જવાનો માર્યા ગયા. જો ત્યારે આપણી પાસે રાફેલ જેટ હોત તો આપણે તે જવાનોને બચાવી શક્યા હોત. જેના પર સીજેઆઈ રંજન ગોગોઈએ કહ્યું કે કારગિલ યુદ્ધ તો 1999-2000 દરમિયાન થયું, જ્યારે રાફેલ 2014માં આવ્યાં.
સુપ્રીમ કોર્ટે 2015 ઓફસેટ સંબંધી દિશાનિર્દેશોમાં ફેરફાર અંગે પણ જાણકારી લીધી. સીજેઆઈએ પૂછ્યું કે એવા કયા દેશો છે જેમણે રાફેલ દસાલ્ટ પાસેથી ખરીદ્યા છે? જેના પર જણાવવામાં આવ્યું કે ઈજિપ્ત, ફ્રાન્સ, કતાર અને ભારત. સીજેઆઈએ પૂછ્યું કે હાલ કયા કયા દેશો રાફેલ ઉડાવી રહ્યાં છે? જેના જવાબમાં ભારતીય વાયુસેનાએ કહ્યું કે ફ્રાન્સ, ઈજિપ્ત અને કતાર.
ફરી સુનાવણી શરૂ થતા રક્ષા મંત્રાલયના એડિશનલ સેક્રેટરી પણ કોર્ટમાં હાજર થયાં. કોર્ટે તેમને પૂછ્યું કે 2015માં ઓફસેટ ગાઈડલાઈન્સમાં ફેરફાર કેમ કરવામાં આવ્યાં? જો ઓફસેટ પાર્ટનર પ્રોડક્શન ન કરત તો દેશ હિતનું શું?અગાઉ થયેલી સુનાવણીમાં કોર્ટના આદેશ મુજબ વાયુસેનાના ઉપ પ્રમુખ 4 અધિકારીઓ સાથે સુપ્રીમ કોર્ટમાં હાજર થયા છે. અગાઉ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સરકારે રાફેલ ડીલની કિંમત જણાવવાની જરૂર નથી. કિંમત જાહેર કરવી કે નહીં તે અમે નક્કી કરીશું. આ મામલે સુનાવણી બપોરે બે વાગ્યા સુધી ટાળવામાં આવી હતી.
વાયુસેના સંલગ્ન મુદ્દા પર સુનાવણી દરમયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ એટોર્ની જનરલ કે કે વેણુગોપાલને પૂછ્યું કે શું ભારતીય વાયુસેનાના અધિકારી કોર્ટમાં હાજર છે. CJIએ કહ્યું કે તેઓ વાયુસેના અધિકારી સાથે આ મામલે વાતચીત કરવા માંગે છે કારણ કે મામલો વાયુસેના સાથે સંબંધ ધરાવે છે. આ રીતે કોર્ટે વાયુસેનાને નોટિસ પાઠવીને એરફોર્સના અધિકારીને કોર્ટમાં બોલાવ્યા. એટોર્ની જનરલ કે કે વેણુગોપાલે કોર્ટને ખાતરી અપાવી કે વાયુસેનાના અધિકારી જલદી કોર્ટમાં હાજર થશે.
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી 3 સભ્યોની બેન્ચ આ મામલે સુનાવણી કરી રહી છે. હકીકતમાં સુપ્રીમ કોર્ટ એ નક્કી કરશે કે રાફેલ ડીલની તપાસ થશે કે નહીં. આ અગાઉ ચીફ ન્યાયાધીશે વકીલ ભૂષણને કહ્યું કે અમે તમને સુનાવણીની તક આપી રહ્યાં છીએ. તેનો સાવધાનીપૂર્વક ઉપયોગ કરો. ફક્ત જરૂરી ચીજો જ કહેજો.
રાફેલ મામલે સુનાવણી દરમિયાન વકીલ પ્રશાંત ભૂષણે કોર્ટને કહ્યું કે સરકાર ગોપનીયતા જોગવાઈની આડ લઈ રહી છે, તેણે રાફેલ વિમાનોની કિંમત અંગે ખુલાસો કર્યો નથી. સુનાવણીની શરૂઆતમાં અરજીકર્તા આપ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહના વકીલ તરફથી કહેવામાં આવ્યું કે કેન્દ્ર સરકાર કોર્ટમાં રાફેલ એરક્રાફ્ટના મુલ્યનો ખુલાસો કરી રહી નથી, જ્યારે અગાઉની સરકાર આ ડીલના મૂલ્યનો ખુલાસો બે વાર કરી ચૂકી છે.
આપ નેતાના વકીલે કહ્યું કે રાફેલ ડીલને લઈને સરકાર ઓછામાં ઓછુ બે વાર કિંમતની જાણકારી આપી ચૂકી છે. કેન્દ્ર સરકારના રક્ષા મંત્ર એમઓએસ સુભાષ ભામરેએ સંસદમાં રાફેલ એરક્રાફ્ટની કિંમત 670 કરોડ બતાવી હતી.
તેમની તરફથી કહેવાયું હતું કે 25 માર્ચ 2015 સુધીમાં 126 વિમાનોની પહેલી ડીલ થઈ હતી. અચાનક બે અઠવાડિયાથી પણ ઓછા સમયમાં પહેલી ડીલને રદ કર્યા વગર કેન્દ્ર સરકારે નવી ડીલની જાહેરાત કરી નાખી. તેમણે એવી પણ દલીલ કરી કે પહેલા ડીલની જાહેરાત કરાઈ અને ત્યારબાદ DACની મંજૂરી લેવાઈ.