રાફેલ મુદ્દે અરુણ જેટલીના લોકસભામાં કોંગ્રેસ પર પ્રહાર, કોંગ્રેસને ચારેતરફથી ઘેરી
લોકસભામાં રાફેલ મુદ્દે ચાલી રહેલી ચર્ચામાં નાણા મંત્રી અરુણ જેટલીએ જવાબ આપ્યો
નવી દિલ્હીઃ લોકસભામાં રાફેલ ડીલ મુદ્દે બુધવારે ચર્ચા ચાલી રહેલી ચર્ચામાં સરકાર તરફથી અરુણ જેટલીએ જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, 60 વર્ષ સુધી દેશ પર રાજ કરનારી કોંગ્રેસને સંરક્ષણ સોદો કેવી રીતે થાય છે તે બાબતે માહિતી નથી એ આશ્ચર્યજનક છે. તેમણે જણાવ્યું કે, યુપીએના કાર્યકાળમાં શા માટે રાફેલ સોદો કરવામાં ન આવ્યો. આ સાથે જ તેમણે કોંગ્રેસના તમામ આરોપોનો મુદ્દાસર જવાબ આપ્યો હતો અને જણાવ્યું કે, જ્યારે સુપ્રીમ કોર્ટ પણ સરકારના જવાબથી સંતુષ્ટ થઈ ગઈ છે ત્યારે આ મુદ્દે વધુ હોબાળો કરવાની જરૂર નથી.
તેમણે જણાવ્યું કે, રાફેલની કિંમત દેશની સુરક્ષાને કારણે જાહેર કરવામાં આવી નથી. રાફેલની ડીલ યુપીએ દ્વારા નક્કી કરાયેલી કિંમત કરતાં 9 ટકા ઓછી છે.
અરુણ જેટલીએ જણાવ્યું કે, વડા પ્રધાનની હોલેન્ડના પ્રેસિડન્ટ સાથેની બેઠક બાદ જે સંયુક્ત નિવેદન આપવામાં આવ્યું તેમાં જણાવ્યું હતું કે અમે યુપીએના કાર્યકાળમાં જે સોદો થયો હતો તેના કરતાં ઓછી કિંમતે સોદો કરવામાં આવશે. સાથે જ કોન્ટ્રાક્ટ માટેની શરતો નક્કી કરવા માટે સંરક્ષણ ક્ષેત્રના નિષ્ણાતોની 74 બેઠકો યોજાઈ હતી ત્યાર બાદ તેને સંરક્ષણ મંત્રી પાસે મોકલવામાં આવ્યો હતો.
સરકારે તમામ પ્રક્રિયા પૂરી કર્યા બાદ વર્ષ 2016માં ધ સોલ્ડ સાથે સોદો કર્યો હતો. આ સમગ્ર પ્રક્રિયા અંગે સરકારે સુપ્રીમને જણાવ્યું હતું. જેમાં સુપ્રીમ કોર્ટે પોતાનું સ્ટેટમેન્ટ આપ્યું છે કે, અમે સમગ્ર પ્રક્રિયાની ચકાસણી કરી છે અને તેમાં તમામ પ્રક્રિયાને પૂરી કરવામાં આવી છે.
સોદો થયો ત્યારે બે પ્રકારની કિંમતનો સોદો થયો હતો. જેમાં બેર એરક્રાફ્ટ એટલે કે માત્ર વિમાનની ખરીદીની કિંમત જાહેર કરાઈ હતી. તેમાં હથિયાર સાથેના સુસજ્જ વિમાનની કિંમત નક્કી થઈ હતી. કોન્ટ્રાક્ટમાં એવું નક્કી થયુ હતું કે વિમાનની બેઝિક કિંમત જાહેર કરાશે, હથિયારો સાથેની કિંમત જાહેર કરાશે નહીં. આ સાથે જ જેમ-જેમ વર્ષ વધશે તેમ કિંમત નક્કી થશે. એટલે કે, 2007માં જે કિંમત નક્કી થઈ હતી તે જ્યારે સોદો થયો ત્યારે વર્ષ 2016માં તેની કિંમત વધી ગઈ હતી. તેમ છતાં પણ યુપીએની સરખામણીએ 2016માં જે સોદો નક્કી થયો ત્યારે તેની કિંમત યુપીએની કિંમત કરતાં 9 ટકા ઓછી હતી.
કિંમત અંગે સુપ્રીમ કોર્ટે પણ જણાવ્યું છે કે, અમે કિંમતની ચકાસણી નહીં કરીશું. ત્યાર બાદ માત્ર અમારા સંતોષ માટે કિંમતની ચકાસણી કરવા માગીએ છીએ ત્યારે સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટને સીલબંધ કવરમાં કિંમત આપવામાં આવી હતી. સુપ્રીમે આ સીલબંધ કવર ખોલ્યું હતું અને કિંમત જોયા બાદ સુપ્રીમે જણાવ્યું હતું કે, અમે જ્યારે સરકારે આપેલી કિંમદ જોઈ તો અમને તેનાથી સંતોષ થયો અને આ કારણે અમે તેની ન્યાયિક તપાસ માટે આદેશ આપ્યો ન હતો.
અરુણ જેટલીએ કોંગ્રેસના ત્રીજા આરોપ અંગે જણાવ્યું કે, કોંગ્રેસનો આરોપ છે કે, શું તમે કોઈ એક ઔદ્યોગિક ગૃહને ફાયદો પહોંચાડ્યો છે? અરુણ જેટલીએ આ સવાલનો જવાબ આપતા જણાવ્યું કે, મને ખેદ છે કે કોંગ્રેસ પક્ષના અધ્યક્ષને ઓફસેટ કિંમતની ખબર નથી. લોકસભામાં 1 લાખ 30 હજાર કરોડની મેન્યુફેક્ચરિંગ કિંમત દર્શાવામાં આવે છે. ઓફસેટનો અર્થ થાય છે કે, જો કોઈ વિદેશી પાસેથી ડિફેન્સ સાધન ખરીદવામાં આવે તો તેમાં સામેની કંપનીને એવું કહેવામાં આવે છે કે, તેણે આપણા દેશમાંથી કોઈ પણ ચીજવસ્તુ 20થી 30 ટકા જેટલી ખરીદવાની રહેશે.
કોંગ્રેસનો અંતિમ આરોપ હતો કે તમે શા માટે આ વિમાન એચએએલ પાસે કેમ ન બનાવ્યા? એચએએલવાળો કોન્ટ્રાક્ટમાં 18 ત્યાંથી આવશે અને 108 એચએએલ બનાવશે. યુપીએ સરકારે શા માટે આ કોન્ટ્રાક્ટ આગળ ન વધાર્યો. અમારી સરકાર આ અંગે પ્રક્રિયા આગળ વધારી રહી છે. યુપીએના મંત્રીએ એ સમયે લખ્યું હતું કે, આ મુદ્દે પુનર્વિચાર કરવો જોઈએ. સુપ્રીમ કોર્ટે પોતાના ચૂકાદામાં લખ્યું છે કે, એચએએલ અને સરકારની, એચએએલ અને ધસોલ્ટની વાતચીત પૂરી થઈ શકી ન હતી. તેમાં કેટલાક કોમ્પ્લિકેશન હતા. એચએએલ દ્વારા જણાવાયું હતું કે, અમને આ વિમાનના નિર્માણમાં વધુ સમય લાગશે, જેની સરખામણીએ ફ્રાન્સની કંપની ઝડપથી બનાવી લેશે. હવે જો મોડું થાય તો પડોશી દેશો ઝડપથી સુસજ્જ થઈ જતા. ભારતીય સેનાને તાત્કાલિક કોમ્બેટ વિમાનની જરૂર હોવાને કારણે અમે આ વિમાન ઝડપથી પ્રાપ્ત થાય તેને અનુલક્ષીને સોદો પાર પાડ્યો હતો.
સંયુક્ત સંસદીય સમિતિનું નિર્માણ ન કરવા અંગે અરુણ જેટલીએ જણાવ્યું કે, હવે કિંમત, પ્રક્રિયા, પોલિસી વગેરે તમામ બાબતે સુપ્રીમ કોર્ટનો ચૂકાદો આવી ગયો છે. આ કોઈ નીતિનો વિષય નથી એટલે તેના માટે જેપીસીની જરૂર નથી. સુપ્રીમ કોર્ટને જ્યારે સમગ્ર પ્રક્રિયાથી સંતોષ થઈ ગયો છે તો પછી સંયુક્ત સંસદીય સમિતિનું નિર્માણ કરવાની જરૂર રહેતી જ નથી. નીતિગત બાબતમાં જેપીસી નિર્ણય લઈ શકતી નથી, કેમ કે તેમાં સાંસદો હોય છે અને તેઓ પોતાના પક્ષની લાઈન પર વહેંચાઈ જાય છે. આથી, જેપીસીના નિર્માણની કોઈ જરૂર નથી.