જ્યારે PM બનાવતા હતા યોગા વીડિયો, ત્યારે રેપના મામલામાં સીરિયા-અફઘાનિસ્તાનને પછાડી રહ્યું હતું ભારત
થોમસન રોયટર્સ ફાઉન્ડેશનના એક સર્વે પ્રમાણે ભારતમાં મહિલાઓ પ્રત્યે અત્યાચાર અને તેને બળજબરીથી વેશ્યાવૃતિમાં ધકેલવાના મામલા સૌથી વધુ સામે આવ્યા છે.
નવી દિલ્હીઃ ભારતને મહિલાઓ માટે સૌથી અસુરક્ષિત દેશ ગણાવનાર સર્વેને લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં કહ્યું કે, ભારત મહિલાઓ વિરુદ્ધ થનારી હિંસા અને બળાત્કારના મામલામાં અફઘાનિસ્તાન, સાઉદી અરબ અને સીરિયા કરતા પણ આગળ થઈ ગયું છે. મહત્વનું છે કે હાલમાં થોમસન રોયટર્સ ફાઉન્ડેશન દ્વારા થયેલા સર્વેમાં મહિલાઓ વિરુદ્ધ જાતીય સતામણી અને તેને સેક્સ વર્કરના ધંધામાં બળજબરીથી ધકેલવાને કારણે ભારતને સૌથી અસુરક્ષિત દેશ માનવામાં આવ્યો છે. બીજીતરફ આ સર્વેમાં અફઘાનિસ્તાન, સીરિયા અને અમેરિકાને બીજા, ત્રીજા અને ચોથા સ્થાને રાખવામાં આવ્યું છે. 26 જૂને વૈશ્વિક નિષ્ણાંતો દ્વારા કરાયેલા સર્વેમાં ભારતને મહિલાઓ માટે સૌથી અસુરક્ષિત દેશ ગણાવવામાં આવ્યો છે.
રાહુલ ગાંધીએ પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર લખ્યું, જે સમયે આપણા વડાપ્રધાન પોતાના ગાર્ડનમાં યોગા વીડિયો બનાવવામાં વ્યસ્ત હતા, ભારતે મહિલાઓ વિરુદ્ધ થનારી હિંસા અને બળાત્કારના મામલામાં અફઘાનિસ્તાન, સાઉદી અરબ અને સીરિયાને પાછળ છોડી દીધું, આપણા દેશ માટે કેટલી શરમની વાત છે.
થોમસન રોયટર્સ ફાઉન્ડેશનના એક સર્વે પ્રમાણે ભારતમાં મહિલાઓ પ્રત્યે અત્યાચાર અને તેને બળજબરીથી વેશ્યાવૃતિમાં ધકેલવાના સૌથી વધુ મામલા સામે આવ્યા છે. સર્વેમાં પશ્ચિમના દેશોમાં માત્ર અમેરિકાનું નામ છે. સર્વે પ્રમાણે, છેલ્લા ઘણા દિવસથી અમેરિકામાં મહિલાઓ પ્રત્યે હિંસાની ઘટનાઓ વધી છે.
મહિલાઓની અસુરક્ષાને લઈને પ્રથમ સ્થાને ભારત
આ પહેલા 2011માં થયેલા સર્વેમાં અફઘાનિસ્તાન, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોન્ગો, પાકિસ્તાન, ભારત અને સોમાલિયા મહિલાઓ માટે સૌથી અસુરક્ષિત દેશ જણાવવામાં આવ્યા હતા. 2011માં થયેલા સર્વેમાં ભારતને ચોથા સ્થાને રાખવામાં આવ્યું હતું. પરંતુ આ વર્ષે તમામ દેશોને પાછળ છોડીને ભારતને મહિલાઓની અસુરક્ષાની દ્રષ્ટિએ પ્રથમ સ્થાને રાખવામાં આવ્યું છે. જેનાથી ખ્યાલ આવે છે કે ભારત મહિલાઓ માટે આ દિવસોમાં કેટલો ખતરનાક થતો જાઈ છે.