રાહુલ ગાંધીના દાવાથી ખળભળાટ, `NDAના લોકો I.N.D.I.A ના સંપર્કમાં છે, નાની અમથી ગડબડી...`
Rahul Gandhi Attacks PM Modi and NDA: એકવાર ફરીથી રાહુલ ગાંધીએ નિશાન સાધ્યું છે. દાવો કર્યો છે કે મોદી સરકારે પોતાનું અસ્તિત્વ બચાવી રાખવા માટે `સંઘર્ષ` કરવો પડશે.
લોકસભા ચૂંટણી પૂરી થઈ ગઈ. ભાજપને તો બહુમત ન મળ્યો પરંતુ તેના નેતૃત્વવાળા એનડીએને સ્પષ્ટ બહુમત મળી જતા ફરીથી સત્તા હાથમાં આવી ગઈ. ભાજપ માટે આ વખતના પરિણામ ખુબ ચોંકાવનારા રહ્યા કારણ કે ગત ચૂંટણી કરતા 63 સીટો ઓછી મળી અને પાર્ટીને ફક્ત 240 સીટો જ મળી શકી. આ જ કારણ છે કે મોદી સરકાર બન્યા બાદ પણ વિપક્ષ સતત આકરા પ્રહાર કરી રહ્યો છે. હવે એકવાર ફરીથી રાહુલ ગાંધીએ નિશાન સાધ્યું છે. દાવો કર્યો છે કે મોદી સરકારે પોતાનું અસ્તિત્વ બચાવી રાખવા માટે 'સંઘર્ષ' કરવો પડશે.
NDA ના લોકો અમારા સંપર્કમાં- રાહુલ ગાંધી
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ એક ઈન્ટરવ્યુમાં કોઈનું પણ નામ બતાવ્યા વગર એવો દાવો કર્યો કે નરેન્દ્ર મોદી જૂથના લોકો ઈન્ડિયા બ્લોક સાથે સંપર્કમાં છે. એક નાનકડી ગડબડી પણ ભાજપના નેતૃત્વમાં સરકાર બનાવનાર એનડીએને અસ્થિર કરી શકે છે. આ સાથે રાહુલ ગાંધીએ એવો દાવો પણ કર્યો કે એનડીએમાં સામેલ પ્રાદેશિક પક્ષોમાં 'ભારે અસંતોષ' છે. આ કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે અસ્તિત્વમાં રહેવા માટે 'સંઘર્ષ' કરવો પડશે.
નાની અમથી ગડબડી સરકાર પાડી શકે- રાહુલ ગાંધી
ફાઈનાન્શિયલ ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, 'મોદી સરકારમાં સંખ્યા એવી છે કે ખુબ નાજુક સ્થિતિમાં છે અને નાનકડી ગડબડી પણ સરકાર પાડી શકે છે. આ માટે ફક્ત એક સહયોગીએ બીજી તરફ વળવું પડશે.' જો કે રાહુલ ગાંધીએ પોતાના દાવા વિશે વિસ્તારમાં જણાવવાની ના પાડી દીધી.
મોદીની છબી નષ્ટ થઈ છે- રાહુલ ગાંધી
લોકસભા ચૂંટણીમાં ઈન્ડિયા બ્લોકના સારા પ્રદર્શન પર રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપનું પાયાનું માળખું અને ધાર્મિક વૈમનસ્યતા ફેલાવવાની તેમની વિચારધારી વેરવિખેર થઈ છે. ભારતીય રાજકારણમાં એક મોટો ફેરફાર આવ્યો છે આ જ કારણ છે કે આ વખતે સત્તાધારી ગઠબંધન સંઘર્ષ કરશે કારણ કે 2014 અને 2019માં નરેન્દ્ર મોદી માટે જે કામ લાગ્યું તે આ વખતે કામ કરી રહ્યું નથી. તેમણે વધુમાં કહ્યું કે નરેન્દ્ર મોદીના વિચાર અને મોદીની છબી નષ્ટ થઈ ગઈ છે.
અત્રે જણાવવાનું કે 4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા અને એનડીએને 292 સીટો મળી પરંતુ ભાજપ પોતાના દમ પર બહુમત મેળવવામાં પાછું પડ્યું. તેને ફક્ત 240 સીટો મળી. ભાજપને સત્તામાંથી હટાવવા માટે બનેલા ગઠબંધનને આવામાં 234 સીટો મેળવીને બધાને ચોંકાવી દીધા. જેમાં કોંગ્રેસે પોતાના દમ પર 99 સીટો મેળવી. આ પરિણામે રાહુલ ગાંધીને વિપક્ષી રાજકારણમાં સૌથી આગલી હરોળમાં મૂકી દીધા.
ભાજપ અયોધ્યામાં જ સાફ- રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ નફરતના રાજકારણ પર વાત કરતા કહ્યું કે આ વિચાર કે તમે નફરત ફેલાવી શકો છો, તમે ગુસ્સો ફેલાવી શકો છો અને તમે તેનો લાભ ઉઠાવી શકો છો- ભારતીયોએ આ ચૂંટણીમાં તેને ફગાવી દીધો. ભાજપનો ધાર્મિક ધૃણા પેદા કરવાનો વિચાર ધ્વસ્ત થઈ ગયો છે. તેમણે વધુમાં કહ્યું કે જે પાર્ટીએ છેલ્લા 10 વર્ષ અયોધ્યા વિશે વાત કરવામાં વિતાવ્યા તેનો અયોધ્યામાં જ સફાયો થઈ ગયો છે.