નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી લોકસભામાં પોતાના ભાષણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટી પડ્યા હતાં. ગળે મળ્યા બાદ તેમણે આ એક અચાનક લેવાયેલો ફેસલો ગણાવ્યો હતો. પરંતુ આ કોઈ અચાનક લેવાયેલો ફેસલો હતો જ નહીં. સૂત્રોના જણાવ્યાં મુજબ રાહુલ-મોદીની ઝપ્પીનું પ્લાનિંગ ફેબ્રુઆરીથી થઈ રહ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ દરમિયાન જ આ પ્રકારની યોજના ઘડવામાં આવી હતી. અત્રે જણાવવાનું કે લોકસભામાં 20મી જુલાઈએ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન રાહુલ પોતાનું ભાષણ પત્યા બાદ પીએમ મોદીને ગળે મળ્યા હતાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ગાંધીએ પોતે બનાવ્યો હતો પ્લાન
રાહુલ ગાંધીના નજીકના સૂત્રોના જણાવ્યાં મુજબ રાહુલ જ્યારે પીએમ મોદીને ભેટી પડ્યા ત્યારે લોકસભામાં બેઠેલા લોકો ચોંકી ગયા હતાં. ખુદ કોંગ્રેસના નેતાઓ સુદ્ધા સ્તબ્ધ થઈ ગયા હતાં. પાર્ટીના એક નેતાએ જણાવ્યું કે ફેબ્રુઆરીમાં પીએમ મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવમાં જ્યારે બોલી રહ્યાં હતાં ત્યારે તે વખતે રાહુલ ગાંધીને આ વિચાર સૌપ્રથમ વખત આવ્યો હતો. તે વખતે મોદીએ કોંગ્રેસ પર એક પરિવાર માટે કામ કરવાનો આરોપ લગાવ્યો હતો.


શું હતો રાહુલનો હેતુ?
ઈકોનોમિક્સ ટાઈમ્સમાં છપાયેલા એક અહેવાલ મુજબ તે સમયે 'પીએમ મોદીએ બધાની આલોચના કરી હતી. જવાહરલાલ નહેરુ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, અને સોનિયા ગાંધી. ત્યારબાદ રાહુલને વિચાર આવ્યો કે મોદી ખુબ ગુસ્સામાં છે અને તેમને એક ઝપ્પીની જરૂર છે.' પાર્ટી નેતાઓએ જણાવ્યું, રાહુલના આ પગલાંનો હેતુ એ જણાવવાનો હતો કે વિપરિત વિચારધારા હોવા છતાં એક બીજા સાથે નફરત વગર રહી શકાય છે.


ટાઈમિંગને લઈને તૈયાર નહતા રાહુલ ગાંધી
પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા તે દરમિયાન બોફોર્સ કૌભાંડનો ઉલ્લેખ કર્યો હતો. સૂત્રોનું માનીએ તો રાહુલ તે સમયે પીએમને ગળે મળવાના ટાઈમિંગને લઈને તૈયાર નહતાં. રાહુલે આ અંગે વધુ લોકો સાથે ચર્ચા ન કરી, પરંતુ લાંબા સમયથી તેમના દિમાગમાં હતું. સૂત્રોએ એ પણ કહ્યું કે 'જો રાહુલ ગાંધી ભાષણની વચ્ચે જ જઈને મોદીને ગળે મળત તો ખુબ વિચિત્ર લાગત. આથી એવું નક્કી કરાયું કે ભાષણ બાદ રાહુલ મોદીને ગળે મળશે.'


આંખ મારવી એ પ્લાનિંગનો ભાગ નહતો
રાહુલ ગાંધીના અ પગલાંએ ખુદ તેમની પાર્ટીના નેતાઓને પણ સ્તબ્ધ કરી દીધા. કોંગ્રેસના એક નેતાએ ઈકોનોમિક ટાઈમ્સને જણાવ્યું કે તેમની સાથે બેઠેલા લોકોને એવું લાગી રહ્યું હતું કે રાહુલ ગાંધી એક બ્રેક લઈ રહ્યાં છે, પરંતુ ત્યારબાદ રાહુલ મોદી પાસે ગયા અને તેમને ભેટી પડ્યાં. જો કે ભાષણ બાદ રાહુલનું વિંક (આંખ મારવી) પ્લાનિંગનો જરાય હિસ્સો નહતો.