નવી દિલ્હી: કેન્દ્રમાં સત્તાધારી એનડીએ વિરુદ્ધ વિપક્ષી એક્તાના એક પ્રદર્શન તરીકે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે બિહારમાં સરકારી સહાયથી ચાલતા આશ્રયગૃહમાં 34 સગીર બાળાઓ સાથે થયેલા દુષ્કર્મ વિરુદ્ધ આયોજિત વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું અને આરોપ લગાવ્યો કે નરેન્દ્ર મોદી સરકારમાં સમાજના તમામ નબળા વર્ગો પર હુમલા થઈ રહ્યાં છે. તેમણે કહ્યું કે આજે એકબાજુ ભાજપ-આરએસએસની વિચારધારા છે, તો બીજી બાજુ સમગ્ર દેશ છે. રાહુલે જંતરમંતર પર ઉપસ્થિત જનસમૂહને પોતાના સંક્ષિપ્ત સંબોધનમાં કહ્યું કે એકબાજુ આરએસએસ-ભાજપની વિચારધારા છે અને બીજી બાજુ બાકીનો દેશ છે. આ અવસરે આરજેડી નેતા તેજસ્વી યાદવ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, માકપા મહાસચિવ સીતારામ યેચુરી, ભાકપા નેતા ડી.રાજા, અને જેડીયુના બળવાખોર નેતા શરદ યાદવ સહિત અન્ય પાર્ટીઓના નેતાઓ એક જ મંચ પર જોવા મળ્યાં હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ વિરુદ્ધ સમગ્ર વિપક્ષ અને ભારત એકજૂથ થઈ ચૂક્યો છે-રાહુલ
રાહુલ ગાંધીએ કહ્યું કે "સમગ્ર વિપક્ષ એકજૂથ છે, ભારત દેશ એકજૂથ થયો છે. જ્યારે બીજી બાજુ ભાજપ અને આરએસએસ છે. બહુ જલદી આ સ્પષ્ટ થઈ જશે. ભારત કહે છે કે છેલ્લા ચાર વર્ષમાં જે  થયું તે બરાબર નથી થયું. ભારતીય સંસ્કૃતિ પર હુમલા થયાં. પરંતુ ભારતીય જનતા જ્યારે મનમાં નક્કી કરી લે છે, તો તેમની આગળ કોઈ ટકી શકતું નથી." રાહુલ ગાંધીએ કહ્યું કે "દલિત અને સમજાના નબળા વર્ગના લોકો પર દેશમાં ખુલ્લેઆમ હુમલા થઈ રહ્યાં છે." તેમણે કહ્યું કે "મહિલાઓ હોય, શ્રમિકો હોય, જનજાતીય હોય, ખેડૂતો હોય, દલિત કે અલ્પસંખ્યક હોય.. દરેક પર હુમલા થઈ રહ્યાં છે. પરંતુ અમે તેમને એ કહેવા માટે અહીં ભેગા થયા છીએ કે અમે તેમની સાથે છીએ, અમે દેશની મહિલાઓ સાથે છીએ."


બ્રજેશ ઠાકુર જેડીયુમાં સામેલ થયો હતો-તેજસ્વી
મઝફ્ફરપુર જિલ્લામાં એક બાલિકાગૃહમાં 34 સગીર બાળાઓ સાથે થયેલા દુષ્કર્મ વિરુદ્ધના આ જોઈન્ટ વિરોધ પ્રદર્શનનું આયોજન બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે કર્યું હતું. તેજસ્વીએ કહ્યું કે "એક બિહારી હોવાના નાતે હું શરમ મહેસૂસ કરી રહ્યો છું કે બિહારમાં સંપૂર્ણ રીતે અરાજકતા છે. જેમને આશ્રયની જરૂર હતી તેવી સગીર બાળકીઓ સાથે દુષ્કર્મ કરાયું તે ખુબ દુખદ છે."


આરજેડી નેતા લાલુપ્રસાદ યાદવના પુત્ર અને પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વીએ કહ્યું કે આ જઘન્ય અપરાધ મહિલાઓ અને પીડિતાઓની રક્ષા કરવામાં સરકારની નિષ્ફળતાનો એક સંકેત છે. તેજસ્વીએ કહ્યું કે "બ્રજેશ ઠાકુર (મુખ્ય આરોપી) 2013માં જેડીયુમાં સામેલ થયો હતો. નીતિશકુમાર આ અંગે સ્પષ્ટિકરણ આપે. મુખ્યમંત્રી ઠાકુરના ઘરે જઈ ચૂક્યા છે. જનતા બધુ જુએ છે. હું લોકોને કહેવા માંગુ છું કે શું તેઓ એક એવા નેતાની પસંદગી કરશે જે આ મુદ્દે ચુપ્પી સાંધીને બેઠા છે. બિહારમાં રાક્ષસરાજ આવી ગયું છે."


આરોપીને સંરક્ષણ આપનારા પણ દોષિત-કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે કેટલીક એનજીઓ તરફથી આ અંગે એલર્ટ કરવામાં આવ્યું હતું કે આશ્રયગૃહમાં બધુ બરાબર નથી. આમ છતાં બિહાર સરકારે કોઈ કાર્યવાહી કરી નહી. કેજરીવાલે કહ્યું કે બાળકીઓ સાથે દુષ્કર્મ થતા રહ્યાં પરંતુ આમ છતાં સરકાર તરફથી ફંડ આવતું રહ્યું. જે લોકોએ મુખ્ય આરોપીને સંરક્ષણ આપ્યું તે તેના કરતા પણ વધુ દોષિત છે. હું તેમને ચેતવણી આપવા માંગુ છું. નિર્ભયા સાથે દુષ્કર્મ થયું હતું ત્યારે યુપીએ સરકાર ડગી  ગઈ હતી. આ વખતે તો 40 નિર્ભયાઓ સાથે દુષ્કર્મ થયું છે. 


(ઈનપુટ આઈએએનએસમાંથી)