નવી દિલ્હીઃ પૂરપ્રભાવિત કેરળ માટે 500 કરોડ રૂપિયાના રાહત પેકેજની વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાતને એક 'સારું પગલું' જણાવતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે કહ્યું કે, મોદીએ આ પૂરને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવામાં જરા પણ સંકોચ ન કરવો જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, 'પ્રિય પ્રધાન મંત્રી, કેરળમાં રાહત માટે રૂ.500 કરોડની ફાળવણી એક સારું પગલું છે, પરંતુ આટલા નાણા પૂરતા નથી. તમે આ પૂરને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરો એ જરૂરી છે. મહેરબાની કરીને સંકોચ ન કરો, કેમ કે કેરળના લોકો પારવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.'



 


આ અગાઉ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, 'જરા પણ વિલંબ કર્યા વગર પૂરને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવામાં આવે. આપણા કરોડો લોકોનું જીવન, રોજગાર અને ભવિષ્ય દાવ પર છે.' 



ઉલ્લેખનીય છે કે, કેરળમાં આવેલા ભયાનક પૂરને કારણે થયેલા જાનમાલને નુકસાનને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નિર્ણય લીધો છે કે, પક્ષના તમામ સાંસદ, ધારાસભ્યો અને વિધાન પરિષદના સભ્યો એક મહિનાનો પગાર રાજ્યનાં પૂર પીડિતોની મદદ માટે આપશે. 


પક્ષનાં મહાસચિવો, રાજ્ય પ્રભારીઓ, પ્રદેશ અધ્યક્ષો અને વિધાયક દળના નેતાઓ સાથેની બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષે એમ પણ જણાવ્યું હતું કે, પક્ષનાં નેતાઓ અને કાર્યકર્તાઓ કેરળ અને કેટલાક બીજા રાજ્યોમાં આવેલા પૂરથી પ્રભાવિત લોકોની દરેક શક્ય મદદ કરે. 


બેઠક બાદ પક્ષના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કે, આજની બેઠકમાં સમગ્ર દેશમાં પૂરની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. રાહુલ ગાંધી અને કોંગ્રેસે માગ કરી છે કે, કેરળની પૂરને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવામાં આવે. 


કેરળમાં પૂરની સ્થિતિ અંગે 16 ઓગસ્ટના રોજ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી અને રાજ્ય માટે વિશેષ આર્થિક પેકેજ માટે આગ્રહ કર્યો હતો.