રાહુલ ગાંધી કોકીનનું સેવન કરે છે, તેમનો ડોપ ટેસ્ટ થવો જોઈએઃ સુબ્રમણ્યમ સ્વામી
પંજાબ સરકારે નશાના કારોબાર પર પ્રતિબંધ લગાવવા માટે આ કારોબારમાં સામેલ લોકોને મોતની સજાની ભલામણનો એક પ્રસ્તાવ કેન્દ્ર સરકાર પાસે મોકલ્યો છે.
નવી દિલ્હીઃ પંજાબ સરકાર દ્વારા દરેક કર્મચારીનો ડોપ ટેસ્ટ કરાવવાના નિર્ણયથી રાજ્ય સહિત દેશની રાજનીતિમાં નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે રાજ્યમાં નશાની ફેલાયેલી જાળને ખતમ કરવા માટે ઘણા મોટા નિર્ણયો લીધા છે જેમાં એક નિર્ણય તે છે કે રાજ્યના દરેક સરકારી કર્મચારીનો ડોપ ટેસ્ટ કરવામાં આવશે. આ ડોપ ટેસ્ટ વર્ષમાં એકવાર જરૂર કરવામાં આવશે. રાજ્યમાં નશાને કારણે સતત થઈ રહેલા મૃત્યુને કારણે રાજ્ય સરકારે આ પગલું ભર્યું છે.
અમરિંદરના આ નિર્ણય પર ખૂબ રાજનીતિ પણ થઈ રહી છે. કેન્દ્રીય પ્રધાન હરસિમરત કૌર બાદલે કેપ્ટન સરકારના આ નિર્ણય પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે, આ ટેસ્ટને જરૂર કરાવવો જોઈએ પરંતુ પહેલા તે નેતાઓએ પોતાનો ટેસ્ટ કરાવવો જોઈએ, જેણે પંજાબના 70 ટકા લોકોને નશાખોર કહ્યા હતા.
કટાક્ષના આ સિલસિલામાં ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ એક પગલું આગળ વધતા કહ્યું કે, પંજાબ સરકારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો ડોપ ટેસ્ટ પણ કરાવવો જોઈે, કારણ કે તે કોકીનનો નશો કરે છે.
તેમણે કહ્યું કે, કેન્દ્રીય પ્રધાન હરસિમરત કૌરે 70 ટકા પંજાબીઓને નશાખોર કહેનારા કોંગ્રેસ નેતાઓ પર જે કટાક્ષ કર્યો છે તેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ સામેલ છે. સ્વામીએ કહ્યું કે, રાહુલ ગાંધીના નિવેદનોને જોઈને અંદાજ લગાવી શકાય કે રાહુલ પોતાના હોશમાં નિવેદન આપતા નથી. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી નશાના બંધાણી છે.