નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સ્વામી અગ્નિવેશની સાથે ઝારખંડમાં થયેલી મારપીટને લઈને ઈશારા ઈશારામાં ભાજપ પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ સ્વામી અગ્નિવેશ સાથે થયેલી મારપીટના વીડિયો સાથે ટ્વિટ કરી કે આ લોકો સૌથી શક્તિશાળી લોકો સામે ઝૂકી જાય છે અને તેમના માટે એક વ્યક્તિની તાકાત મહત્વપૂર્ણ છે, જ્યારે નબળાઓને કચડી નાખે છે. આ ટ્વિટ દ્વારા સમજી શકાય છે કે ભાજપ કાર્યકર્તાઓ પર આરોપ લગાવી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝારખંડના પાકુડમાં મંગળવારે સ્વામી અગ્નિવેસ પર કથિત રીતે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા હુમલો અને મારપીટ થઈ હતી. જેના જવાબમાં રાહુલ ગાંધીએ એક ક્વિઝ પોસ્ટ કરી. તેમણે ટ્વિટ કરી કે હું લાઈનમાં સૌથી શક્તિશાળી સામે ઝૂકી જાઉ છું. એક વ્યક્તિની તાકાત અને સત્તા જ મારા માટે મહત્વપૂર્ણ છે. હું સત્તામાં ઊંચ નીચને જાળવી રાખવા માટે ધૃણા અને ભયનો ઉપયોગ કરું છું. હું નબળા લોકોની તલાશ કરું છું અને તેમને કચડી નાખુ છું. હું તમામ જીવિત પ્રાણીઓને પોતાના માટે તેમની ઉપયોગિતાના આધાર પર સ્થાન આપું છું. હું કોણ છું?


વાત જાણે એમ છે કે સ્વામી અગ્નિવેશ સાથે મારપીટના વીડિયો સાથે કરવામાં આવેલી ટ્વિટ દ્વારા રાહુલ ગાંધી ઈશારામાં આરોપ લગાવી રહ્યાં છે કે ભાજપના કાર્યકર્તાઓ ફક્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સત્તાને જાળવી રાખવા માટે કામ કરે છે. જ્યારે સમાજના નબળા તબક્કાના લોકોને કચડી નાખવાનું કામ થઈ રહ્યું છે. જો કે ભાજપ યુવા મોરચાના પાકુડ જિલ્લા અધ્યક્ષ પ્રસન્ના મિશ્રાએ સ્વામી અગ્નિવેશ પર થયેલા હુમલામાં તેમને કાર્યકર્તાઓની ભાગીદારીથી ઈન્કાર કર્યો છે. 


આ અગાઉ મંગળવારે રાહુલ ગાંધીએ એક ટ્વિટ કરીને કહ્યું હતું કે કોંગ્રેસ લાઈનમાં ઊભા રહેલા છેલ્લા માણસની સાથે છે. તેમણે લખ્યું હતું કે હું પંક્તિમાં ઊભેલા છેલ્લા માણસની સાથે ઊભો છું. જે હાંસિયામાં ધકેલાઈ ગયો છે, દમિત છે પીડિત છે. અત્યાચારનો શિકાર છે. તેમનો ધર્મ, જાતિ અને આસ્થા મારા માટે મહત્વ નથી ધરાવતી. જે દર્દમાં છે, તેમને શોધુ છું અને તેમને છાતીએ લગાવું છું. હું તમામ પ્રાણીઓને પ્રેમ કરું છું. હું જ કોંગ્રેસ છું. આ પ્રકારની ટ્વિટ દ્વારા રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધતા જણાવ્યું કે કોંગ્રેસ કઈ રીતે ભાજપથી અલગ છે.