CJI અને વિપક્ષનાં નેતાને પુછ્યા વગર CBIનાં ડાયરેક્ટર હટાવાયા તે બિનકાયદેસર: રાહુલ
રાફેલ મુદ્દે સવાલ ઉઠાવવા બદલ જ સીબીઆઇનાં ડાયરેક્ટરને પોતાનું પદ ગુમાવવું પડ્યું છે, તેમની ઓફીસ સીલ કરીને પુરાવા દબાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે
નવી દિલ્હી : સીબીઆઇ ડાયરેક્ટર આલોક વર્માને રજા પર ઉતારી દેવાના નિર્ણયનો વિરોધ કરતા રાહુલ ગાંધીએ સરકાર પર શાબ્દિક સરસંધાન કર્યું હતું. સીબીઆઇ ડાયરેક્ટરને રાત્રે બે વાગ્યે વડાપ્રધાને સત્તાઆંચકીને રજા પર ઉતારી દીધા જે દેશના સંવિધાનનું અપમાન હોવાનું રાહુલ ગાંધીએ જણાવ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે, આ પ્રકારનું પગલું દેશનાં સંવિધાન, સીજેઆઇ અને વિપક્ષ તથા દેશની જનતાનું અપમાન છે. આ પ્રકારનું પગલું ન માત્ર બિનસંવૈધાનિક પરંતુ ગુનાહિત છે.
રાહુલે જણાવ્યું કે, સીબીઆઇનાં ડાયરેક્ટરની નિમણુંક કરનારી કમિટીમાં વડાપ્રધાન ઉપરાંત મુખ્ય ન્યાયાધીસ અને વિપક્ષનાં નેતાનો સમાવેશ થાય છે. તેમને હટાવવા માટે પણ આ તમામ સભ્યોની મંજુરી જરૂરી છે. પરંતુ આ પ્રણાલીને અનુસરવાનાં બદલે વડાપ્રધાને પોતે જ સર્વસ્વ હોય તે પ્રકારે સંવિધાનની મશ્કરી કરતા ડાયરેક્ટરને હટાવી દીધા હતા. જેની તમામ લોકોની જેમ તમામ મહત્વનાં અને સંબંધિત પદાધિકારીઓને જાણ થઇ હતી.
સીબીઆઇ ડાયરેક્ટરની ઓફીસમાંથી કેટલાક દસ્તાવેજો લેવાયા
રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમને સીબીઆઇ ડાયરેક્ટર પદ પરથી હટાવાયા તેના સમાચાર દેશના નાગરિકોની જેમ જ વહેલી સવારે મળ્યા હતા, જ્યારે તેમને મોડી રાત્રે હટાવી દેવાયા હતા. રાહુલ ગાંધીએ ફરી એકવાર આરોપ લગાવતા જણાવ્યું કે, રાફેલ મુદ્દે સવાલ ઉઠાવવાનાં કારણે સીબીઆઇ ડાયરેક્ટરને હટાવી દેવાયા છે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે સીબીઆઇ ડાયરેક્ટરને રાત્રે 2 વાગ્યે હટાવવામાં આવ્યા. તેમની ઓફીસને સીલ કરવામાં આવી અને જે દસ્તાવેજ તેમની પાસે હતા તે લઇ લેવામાં આવ્યા. પુરાવાઓ અને અધિકારીઓને દબાવવામાં પ્રયાસો થઇ રહ્યા છે.