નવી દિલ્હીઃ છત્તીસગઢના મુખ્યપ્રધાન રમણ સિંહે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા મંદિરોમાં જવા પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે ભગવાન તે તમામ લોકોને જાણે છે, જે પરીક્ષા સમયે મંદિરમાં જાય છે. જે બાળકો ભણતા નથી, પરીક્ષાની તૈયારી કરતા નથી, તેને પરીક્ષાથી ડર લાગે છે અને તે મંદિર જાય છે. આ પ્રકારના બાળકો એક જ મંદિરે રોકાતા નથી પરંતુ ઘણા મંદિરોમાં જાય છે. તે મસ્જિદ અને ગુરૂદ્વારામાં પણ જાય છે. તેમણે કહ્યું કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સાથે આજ સ્થિતિ છે. મહત્વનું છે કે, કર્ણાટક ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધી પોતાના કર્ણાટક પ્રવાસ દરમિયાન મંદિરો અને મઠમાં જતા રહ્યાં છે. આના પર  રમણસિંહે ટિપ્પણી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રમણ સિંહે કહ્યું કે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસે પણ ચૂંટણીને લઈને કોઈ તૈયારી કરી નથી, તેથી તે ગભરાયેલા છે અને મંદિર, મઠોના ચક્કર કાપી રહ્યાં છે. રમણ સિંહે તો ત્યાં સુધી કહ્યું કે મતલબી ભક્તોને ભગવાન ઓળખે છે. છત્તીસગઠના મુખ્યપ્રધાને કહ્યું કે, આવા ભક્તોને ભગવાને ગુજરાત ચૂંટણીમાં પણ પાઠ ભણાવ્યા હતા. 



ઉલ્લેખનીય છે કે કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈને રાહુલ ગાંધી સતત કર્ણાટકના પ્રવાસે છે. તે અત્યાર સુધી 6 વખત કર્ણાટકની મુલાકાત લઈ ચૂક્યા છે. રાહુલ ગાંધી આ પ્રવાસમાં મંદિરો અને મઠોમાં જઈ રહ્યાં છે. 


દરેક પ્રવાસની શરૂઆત ત્યાંના કોઈ મંદિર કે મઠ કે પછી દરગાહ પર વિશેષ પૂજા-અર્ચના કરીને કરે છે. તેણે આ રણનીતિ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ અપનાવી હતી. 



કર્ણાટકમાં 12 મેએ મતદાન
કર્ણાટકમાં 224 સીટો પર 12 મેએ મતદાન થશે અને 15 મેએ મતગણના હાથ ધરવામાં આવશે. આ ચૂંટણીમાં બે મુખ્ય પાર્ટી સત્તામાં રહેલી કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટક્કર છે. બંન્ને પાર્ટીઓએ ચૂંટણી પ્રચારમાં પોતાની તમામ શક્તિ લગાવી દીધી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અત્યાર સુધી 6 વખત કર્ણાટકનો પ્રવાસ કરી ચૂક્યા છે. જ્યારે ભાજપના વરિષ્ઠ નેતાઓએ રાજ્યમાં અડ્ડો જમાવ્યો છે. 



રાહુલ ગાંધી છેલ્લા બે મહિનાથી સતત કર્ણાટકનો પ્રવાસ કરી રહ્યાં છે. પોતાના આ પ્રવાસમાં રાહુલ ગાંધી મંદિરોમાં જવાની રણનીતિનો ઉપયોગ કરી રહ્યાં છે. આ સાથે લોકો સાથે સિધો સંવાદ, રોડશો, જનસભાઓ કરી રહ્યાં છે. કોંગ્રેસ અહીં સિદ્ધારમૈયાના દમ પર ચૂંટણી જીતવાની તૈયારી કરી રહ્યું છે. 


બીજીતરફ ભાજપે યેદિયુરપ્પાને મુખ્યપ્રધાન પદના દાવેદાર બનાવ્યા છે. ભાજપ તરફથી પાર્ટી અધ્યક્ષ અમિત શાહ પ્રવાસ કરી રહ્યાં છે. તે સિવાય પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતા અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો રાજ્યનો પ્રવાસ કરી રહ્યાં છે.