નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019માં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક ઉપરાંત એક અન્ય બેઠક ઉપરથી પણ ચૂંટણી લડશે. કોંગ્રેસ પાર્ટીએ પોતાના અધ્યક્ષને કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડાવવાની જાહેરાત કરી છે. આવું પહેલીવાર બનશે કે રાહુલ ગાંધી બે બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે. એવા પણ અહેવાલ છે કે અમેઠીમાં રાહુલ ગાંધીની બેઠક મુશ્કેલીમાં જોતા પાર્ટીએ તેમને અન્ય જગ્યાએથી પણ ચૂંટણી લડાવવાનો નિર્ણય લીધો છે. આથી તેમના માટે અત્યંત સુરક્ષિત બેઠક નક્કી કરાઈ છે. જો કે કોંગ્રેસ દ્વારા આ જાહેરાત કરાતા ડાબેરીઓ ભડકી ગયા છે. કારણ કે  કેરળ આમ તો ડાબેરીઓનો ગઢ ગણાય છે. 


કોંગ્રેસના વરિષ્ઠ નેતા એ કે એન્ટોનીએ આજે જાહેરાત કરી છે કે રાહુલ ગાંધી અમેઠી ઉપરાંત કેરળની વાયનાડ બેઠક ઉપરથી પણ ચૂંટણીના મેદાનમાં ઉતરશે. એ કે એન્ટોની અને રણદીપ સૂરજેવાલાએ આજે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને તેમાં આ અંગે જાહેરાત કરી. એન્ટોનીએ કહ્યું કે છેલ્લા કેટલાક સમયથી એવી માગણી ઉઠી રહી હતી કે રાહુલ ગાંધીએ દક્ષિણ ભારતની એક બેઠકથી ચૂંટણી લડવી જોઈએ. જેથી દક્ષિણમાં પાર્ટી ને મજબુતી મળે.


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...