નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાની મિત્રતા તૂટ્યા બાદ હવે દેશના રાજકારણમાં નવા સમીકરણ બનવાની સંભાવના જોવા મળી રહી છે. હજુ અધિકૃત રીતે તો ભલે કઈ પણ ન કહેવામાં આવ્યું હોય પરંતુ સંકેતોમાં ઘણુ બધુ જોવા મળી રહ્યું છે. આવો જ એક ઈશારો આજે જોવા મળ્યો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને તેમના જન્મદિવસે અભિનંદન પાઠવ્યાં. રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર એકાઉન્ટથી ઉદ્ધવ ઠાકરેને તેમના જન્મદિવસે શુભેચ્છાઓ પાઠવી અને સારા સ્વાસ્થ્યની કામના કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે છેલ્લા ચાર વર્ષમાં સંબંધો સૌથી ખરાબ સ્તરે પહોંચી ગયા હતાં. ત્યારબાદ એવું લાગવા જ માંડ્યુ હતું કે આ ગઠબંધન વધુ ટકશે નહીં. હવે બંને પાર્ટીઓએ જાહેરાત કરી દીધી છે કે તેઓ આગામી ચૂંટણી અલગ અલગ લડશે. આ બાજુ શિવસેના જ્યાં ભાજપ પર પ્રહાર કરવાની કોઈ તક છોડતી નથી ત્યાં કોંગ્રેસના વખાણ કરવામાં પણ જરાય બાકી રાખતી નથી. 



તેનું એક ઉદાહરણ ત્યારે જોવા મળ્યું જ્યારે સંસદમાં અવિશ્વાસના પ્રસ્તાવ દરમિયાન રાહુલ ગાંધીએ ભાષણ આપ્યું અને ત્યારબાદ પીએમ મોદીને ભેટી પડ્યાં ત્યારે શિવસેનાએ રાહુલના ખુબ વખાણ કર્યાં. એટલે સુધી કે શિવસેનાએ અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન સરકારમાં હોવા છતાં વોટિંગમાં ભાજપને સાથ આપ્યો નહીં. 


બે વર્ષ પહેલા જ્યારે બૃહદમુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણીના પરિણામ બાદ શિવસેના અને ભાજપ બહુમતથી દૂર રહી ગયા હતાં તે સમયે એક વખત તો આંતરીક સૂત્રોના જણાવ્યાં મુજબ કોંગ્રેસ ભાજપને રોકવા માટે શિવસેનાને પણ સમર્થન આપવા માટે તૈયાર થઈ ગઈ હતી. પરંતુ ત્યારબાદ શિવસેના અને ભાજપે મળીને બીએમસીમાં પોતાની સરકાર બનાવી હતી.