નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના દાવા પર નિશાન સાધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે જણાવ્યું કે, ગ્રામોફોનની જેમ તેમની પીન અટકી ગઈ છે, જેના કારણે તે આવી બાલિશ વાતો કરી રહ્યા છે. લોકો તેમનાં દાવાની મજાક ઉડાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ જણાવ્યું કે, તેઓ એ નથી સમજતા કે સમય બદલાઈ ગયો છે, પ્રજાને મુરખ સમજવાનું બંધ કરી દે. આ પ્રકારની બાલિશ વાતો કોઈને ગળે ઉતરતી નથી અને લોકો તેમનો મજાક ઉડાવે છે. 


ભાજપના એક કાર્યકર્તાએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના આરોપો અંગે પુછતાં વડા પ્રધાને જણાવ્યું કે, ચિંતા કરવી નહીં. અગાઉ ગ્રામોફોનમાં જે રીતે પીન અટકી જતી હોય છે અને કેટલાક શબ્દો વારંવાર સંભળાતા હોય છે, એવી જ રીતે કેટલાક લોકોની પણ પીન ચોંટી જતી હોય છે અને એક જ વાત મગજમાં ભરાઈ જતી હોય છે. તેઓ વારંવાર એક જ વાત બોલ્યા કરે છે. આવી વાતોનો આનંદ લેવો જોઈએ. 


ભાજપના કાર્યકર્તાઓ સાથે મોદીનો સંવાદ
વડા પ્રધાન 'મેરા બૂથ, સબસે મજબૂત' કાર્યક્રમ અંતર્ગત નરેન્દ્ર મોદી એપની મદદથી મછલીશહર, મહાસમંદ, રાજસમંદ, સતના, બૈતુલના ભાજપના કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, જેટલું કીચડ ઉછાળશો, એટલું જ કમળ ખીલશે. કોંગ્રેસને સત્ય નહીં પરંતુ જૂઠ પર વિશ્વાસ છે. 


સત્તામાં આગમન પર મધ્યપ્રદેશમાં મોબાઈલ ફોન બનાવવા અંગે કોંગ્રેસ અધ્યક્ષના નિવેદન પર મોદીએ સવાલ કર્યો કે, 'મોબાઈલની શોધ શું 2014 પછી થઈ હતી? 2014 પહેલા પણ મોબાઈલ હતા, જે લોકોએ આટલા વર્ષો સુધી રાજ કર્યું તેમના સમયે માત્ર બે જ મોબાઈલ ફેક્ટરી હતી?'


અમે વન રેન્ક, વન પેન્શન લાગુ કર્યું છે 
વન રેન્ક, વન પેન્શન લાગુ કરવા અંગે રાહુલ ગાંધીના નિવેદન પર વડા પ્રધાને જણાવ્યું કે, અમે જ્યારે વન રેન્ક, વન પેન્શન લાગુ કરી દીધું છે ત્યારે હવે આ લોકો જણાવી રહ્યા છે કે અમે આપીશું. સેનાના જવાન 40 વર્ષથી માગતા હતા ત્યારે તેમને સાંભળવાનો તેમની પાસે સમય ન હતો. અમે કરી દીધું તો તેમના પેટમાં દુખે છે. 


ડિજિટલ ઈન્ડિયા દ્વારા આવી રહ્યું છે પરિવર્તન
ડિજિટલ ઈન્ડિયાની વિરોધ પક્ષ દ્વારા થતી ટીકા અંગેના સવાલના જવાબમાં મોદીએ જણાવ્યું કે, કોંગ્રેસના લોકો જે-જે મુદ્દાપર જોર-જોરથી જુઠ્ઠું બોલવા લાગે ત્યારે સમજવું કે અમે અમારા કામમાં સફળ થયા છીએ. ડિજિટલ ઈન્ડિયાના માધ્યમથી લોકોના જીવનમાં ધરમૂળથી પરિવર્તન આવ્યું છે.