માત્ર 20 સેકન્ડનું અંતર રહ્યું અને રાહુલ ગાંધીનું વિમાન ક્રેશ થતાં રહી ગયું
ડીજીસીએ દ્વારા મંત્રાલયને સોંપાયેલા રિપોર્ટમાં સ્વિકાર્યું કે, રાહુલ ગાંધીનું વિમાન તુટી પડવાની અણી પર હતું
નવી દિલ્હીઃ નાગરિક ઉડ્ડયન મહાનિદેશક (ડીજીસીએ)એ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અંગે એક એવી માહિતી આપી છે જે ચોંકાવનારી છે. ડીજીસીએએ જણાવ્યું છે કે, કર્ણાટક ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીનો આબાદ બચાવ થયો હતો. જો ચાર્ટર્ડ વિમાનના લેન્ડિંગમાં 20 સેકન્ડનું પણ મોડું થતું તો વિમાન ક્રેશ થઈ જતું.
કેન્દ્ર સરકારને આપેલા રિપોર્ટમાં ડીજીસીએએ જણાવ્યું છે કે, 26 એપ્રિલના રોજ રાહુલ ગાંધી એક જાહેર સભાને સંબોધન કરવા જતા હતા. તેઓ એક ચાર્ટર્ડ વિમાનમાં જતા હતા. રાહુલ ગાંધીએ સુપર લક્ઝરી 10 સીટર ધ સોલ્ટ ફાલ્કન 2000 વિમાનમાં દિલ્હીથી હુબલી માટે ઉડ્ડયન શરૂ કર્યું હતું. આ ચાર્ટર્ડ વિમાનમાં ટેક્નીકલ ખામી સર્જાતાં તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. રિપોર્ટમાં દાવો કરાયો છે કે જો ચાર્ટર્ડ વિમાનના લેન્ડિંગમાં 20 સેકન્ડનું પણ મોડું થતું તો પરિણામ ગંભીર આવી શકે એમ હતું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડીજીસીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, રાહુલ ગાંધીનું ચાર્ટર્ડ વિમાન ક્રેશ થતાં બચી ગયું હતું. ટેક્નીકલ ખામીને કારણે રાહુલ ગાંધીનું વિમાન અચાનક એક તરફ નમવા લાગ્યું હતું. તેમાં મોટો અવાજ આવતો હતો. એ સમયે પાયલોટ વિમાનને ઓટો મોડ પર ઉડાવી રહ્યો હતો.
આ ઘટના બાદ કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે, રાહુલ ગાંધીને જાણી જોઈને જૂનું વિમાન આપવામાં આવ્યું હતું. જોકે, કેન્દ્ર સરકારે આ બાબતનું ખંડન કર્યું હતું. હવે ડીજીસીએનો રિપોર્ટ આવ્યા બાદ કોંગ્રેસ ફરીથી સવાલ ઊભો કરી શકે છે. રાહુલ ગાંધી નજીકની વ્યક્તિ દ્વારા કર્ણાટક પોલિસમાં આ બાબતે ફરિયાદ દાખલ કરાઈ હતી. ત્યાર બાદ સમગ્ર ઘટનાની તપાસ માટે એવિએશન રેગ્યુલેટર ડીજીસીએ દ્વારા બે સભ્યોની તપાસ સમિતિની નિમણૂક કરાઈ હતી.
ડીજીસીએના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, પાઈલટની ભૂલને કારણે આ પરિસ્થિતી પેદા થઈ હતી. ડીજીસીએ દ્વારા ફ્લાઈટનો ડાટા રેકોર્ડ અને કોકપિટ સિસ્ટમની તપાસ કરવામાં આવી હતી. ટેક્નીકલ ખામીને કારણે વિમાન એક તરફ નમી જઈને હવામાં હિંડોળા ખાવા લાગ્યું હતું.