નવી દિલ્હીઃ જો તમે પણ હંમેશાં એસી કોચમાં મુસાફરી કરો છો તો આ સમાચાર જાણવા અત્યંત જરૂરી છે. ભારતીય રેલવેએ પ્રીમિયમ ટ્રેનોમાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. રેલવેના આ નિર્ણય અનુસાર રાજધાની અને દુરંતો એક્સપ્રેસ જેવી પ્રીમિયમ ટ્રેનોના કોચમાં ફેરફાર કરવામાં આવશે. રેલવે હવે આ ટ્રેનોમાં AC 2 ટિયર કોચને બદલીને AC 3 ટિયર કોચ કરવા જઈ રહી છે. રેલવેએ આ નિર્ણય એસ-2 કોચમાં મુસાફરોની સંખ્યામાં થયેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને કરાયો છે. આ નિર્ણય બાદ રેલવે બોર્ડ દ્વારા કોચ નિર્માતા ફેક્ટરીઓને એસી-3 કોચનું વધુ નિર્માણ કરવાનો આદેશ પણ આપી દેવાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એસી-2માં મુસાફરી કરતા લોકોની સંખ્યા ઓછી 
રેલવે તરફથી અત્યારે આ ફેરફાર એવી ટ્રેનોમાં કરવામાં આવશે જેમાં એસી-2 કોચમાં પ્રવાસ કરતા મુસાફરોની સંખ્યા ઓછી છે. અત્યારે દેશભરમાં લગભગ 250 કોચ બદલવામાં આવશે. રેલવે બોર્ડના ચેરમેન અશ્વિની લોહાનીએ જણાવ્યું કે, બોર્ડે ટ્રેનોમાં વધુને વધુ AC-3 ટિયર કોચ લગાવવાનો નિર્ણય લીધો છે. જેનું કારણ એસી-3 કોચથી થતી વધુ આવક છે. 


14,400 વધારાની બર્થ તૈયાર થઈ જશે 
ઉદાહરણ તરીકે જો 50 રાજધાની ટ્રેનમાં આ ફેરફાર કરવામાં આવે છે તો તેનાથી એસી-3 ટિયરની લગભગ 14,400 વધારાની બર્થ આપમેળે જ તૈયાર થઈ જશે. તેમણે જણાવ્યું કે, રેલવેને એસી-2માં હંમેશાં નુકસાન થાય છે. જ્યારે એસી-3ની હંમેશાં માગ જોવા મળે છે. હકીકત એ છે કે, એસી-3 કોચથી રેલવેને સારી કમાણી થાય છે. રેલવેના આંકડા અનુસાર વાર્ષિક 8.50 કરોડ મુસાફરો એસી-3માં પ્રવાસ કરે છે, જ્યારે એસી-1 અને એસી-2 તથા એસી ચેર કારમાં એક વર્ષમાં માત્ર 5.50 કરોડ લોકો મુસાફરી કરે છે. 


ફ્લેક્સિ ફેર સિસ્ટમમાં પણ ફેરફારની સંભાવના
રેલવેમાં છેલ્લા કેટલાક વર્ષથી ફ્લેક્સી ફેર સિસ્ટમ લાગુ થયા બાદ સ્થિતિમાં ફેરફાર આવ્યો છે. જેના કારણે 50 ટકા સીટનું ભાડું બેઝ ફેર કરતાં ઘણું વધી જાય છે. આવી સ્થિતિમાં એસી-2 સીટનું ભાડું સામાન્ય રીતે એરલાઈન્સના ભાડા જેટલું થઈ જાય છે. આથી એસી-2 કોચમાં પ્રવાસી ટિકિટ બુક કરાવતા નથી અને મોટાભાગની સીટો ખાલી રહી જાય છે. ઉલ્લેખનીય છે કે, ફ્લેક્સી ફેર સિસ્ટમથી રેલવેએ એક વર્ષમાં 862 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 


સૂત્રોએ એમ પણ જણાવ્યું કે, રેલવે ટૂંક સમયમાં જ પ્રવાસીઓને બીજી કેટલીક પણ રાહત આપવા જઈ રહી છે. જેના અંતર્ગત રેલવે આગામી મહિને ફ્લેક્સી ફેર યોજનામાં ફેરફાર કરશે. અત્યારે કેટલાક ક્ષેત્રોમાં પ્રીમિયમ ટ્રેનો માટે પ્રવાસીઓને હવાઈ યાત્રા જેટલું ભાડું ચૂકવવું પડે છે. રેલવેએ જણાવ્યું કે, મંત્રાલય તહેવારો સિવાયની સિઝનમાં પ્રાયોગિક ધોરણે કેટલીક પસંદગીની ટ્રેનોમાં અસ્થાયી રીતે ફ્લેક્સી ફેર યોજના બંધ કરવાની તૈયારી કરી રહ્યું છે. 


આ પરિવર્તન એટલા માટે કરાશે, કેમ કે આ દરમિયાન 30 ટકા જેટલી ઓછી સીટો જ ભરેલી હોય છે. તેમણે જણાવ્યું કે, એક અન્ય વિકલ્પ યોજનાને સંશોધિત કરવા અંગે પણ વિચારણા ચાલી રહી છે. હમસફર ટ્રેનોમાં જે ફોર્મ્યુલા અપનાવામાં આવે છે, તેમાં 50 ટકા સીટ વાસ્તવિક કિંમત કરતાં 15 ટકા વધુ ભાડા પર વેચવામાં આવે છે. ત્યાર બાદ દર 10 ટકાએ ભાવમાં ફેરફાર કરવામાં આવે છે.