નવી દિલ્હીઃ મેઘરાજા છે કે રોકાવાનું નામ જ નથી લઈ રહ્યા. ઉત્તરથી લઈને મધ્ય ભારતના અનેક રાજ્યોમાં વેર્યો છે વિનાશ... દિલ્લી, યુપી, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભારે વરસાદથી લોકોની હાલત ખરાબ છે ત્યારે હજુ પણ આગામી દિવસો માટે 10 રાજ્યોમાં રેડ અલર્ટ જાહેર કરાયુ છે. મેઘરાજાના તાંડવ સાથે માનવી કેટલો લાચાર થઈ ગયો છે. જોઈએ આ રિપોર્ટમાં... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કુદરતનો કેવો કેર છે?
કુદરતીના માર સામે લોકો કેટલા લાચાર છે, તેનો અંદાજો આ દ્રશ્યો પરથી જ લગાવી શકાય છે. શહેરના શહેરો જાણે સમુદ્રમાં બદલાઈ ગયા છે. ગલીઓમાં નદીઓ વહેવા લાગી છે. ઘર, મકાન, ગાડીઓ બધુ જ જાણે જળમગ્ન થઈ ગયું છે. પોતાને સૌથી મજબૂત, સૌથી તાકતવર સમજનારો માણસ આજે કુદરત સાથે મુકદર્શક બનીને જોઈ રહ્યો છે. 


આ દ્રશ્યો યુપીના શાહજહાપુરના છે. જ્યાં પૂરના કારણે લોકોની હાલત કફોડી બની ગઈ છે. મહિના પહેલા જે મેઘરાજાની રાહ જોવાઈ રહી હતી, તે જ મેઘરાજા હવે તાંડવ મચાવી રહ્યા છે. રસ્તાઓ પર દરિયો વહી રહ્યો છે. તો પાણીનો પ્રચંડ પ્રવાહ જાણે એવું કહી રહ્યો છે કે જે કોઈ મારી સામે આવશે તે આ પાણીમાં જળમગ્ન થઈ જશે. ત્યારે આ જ પ્રચંડ પાણીના પ્રવાહમાં લોકોને જીવ જોખમમાં નાંખીને પોતાના ઘરે પહોંચવાની ફરજ પડી રહી છે. તો જે લોકોને પોતાના કામ ધંધા પર જવું હોય તો તેમણે પણ પાણીની વચ્ચેથી નીકળવું પડી રહ્યું છે. જે વિસ્તારમાં ક્યારેક આ લોકો પગપાળા જતાં હતા, ત્યાં આજે હોડીઓ ચલાવી પડી રહી છે. તો આજ હોડી ઘરમાં ફસાયેલા લોકો માટે આશાનું કિરણ પણ છે. કેમ કે આ જ હોડીથી લોકોને ખાવાપીવાની વસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે. 


કુદરતના કેર સામે માણસોની સાથે સાથે અબોલ પશુઓ પણ પરેશાન છે. કેમ કે પાણીના પ્રચંડ પ્રવાહમાં આવી જવાના કારણે અત્યાર સુધીમાં અનેક પશુઓના મોત પણ થઈ ચુક્યા છે.  કુદરતના કેર સામે માણસ હવે નતમસ્તક થઈ ગયો છે. પૂર અને પાણીના આ દ્રશ્યો કુદરતના પ્રકોપના છે. જ્યાં સુધી નજર નાંખો, ત્યાં સુધી બસ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. 


હવે અમે તમને ઉત્તરપ્રદેશના ચંદૌલીના દ્રશ્યો બતાવીએ. અહીં બધુ સામાન્ય હતું પરંતુ એકાએક આકાશમાંથી એવો તો વરસાદ વરસ્યો કે નદીઓમાં ઘોડાપૂર આવી ગયા. નદીઓ ગાંડીતૂર બનતાં નદી કિનારે રહેતા લોકોને પણ પોતાના ઘર છોડીને જવાની ફરજ પડી. તો બીજી તરફ હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે ચંદૌલીના લોકોને હજુ થોડા દિવસ રાહત મળવાની નથી. 


મધ્યપ્રદેશના ચિત્રકુટમાં પણ મંદાકીની નદી અને આકાશમાંથી વરસી રહેલી આફત લોકોમાં ખૌફ પેદા કરી રહી છે. મંદાકીની નદીનું રૌદ્ર રૂપ જોઈને લાગી રહ્યુ છે કે જાણે મંદાકીની નદી આખા શહેરને પોતાનામાં સમાવી લેશે. 


ઉત્તર પ્રદેશના લખીમપુરમાં પણ વરસાદી પૂરના કારણે લોકોની સ્થિતિ ખરાબ છે. જે રસ્તા પર ક્યારેક ગાડીઓ સડસડાટ ભાગતી હતી, ત્યાં હાલ લોકોને હોડીઓમાં બેસીને અવરજવર કરવી પડી રહી છે. લોકો પણ હોડીમાં એવા ખીચોખીચ થઈને બેસે છે કે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. 


માત્ર ઉત્તરપ્રદેશ નહીં જ નહીં દેશના બીજા રાજ્યો પણ મેઘ તાંડવ છે. તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે બિહારના છપરાના છે. સર્વત્ર પાણીના કારણે એ નક્કી કરવું અઘરું થઈ ગયુ છે કે અહીં શહેર છે કે દરિયો છે. કેમ કે હાલ અહીનો વિસ્તાર ટાપુમાં બદલાઈ ગયો છે. રસ્તાઓ પર કમર સુધીના પાણી ભરાઈ ગયા છે. આવી સ્થિતિમાં પણ ઘણા લોકો પાણી વચ્ચેથી નીકળવાના પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે જો નાનકડી ભૂલ પણ થાય તો તેમને પોતાનો જીવ ખોવાનો વારો આવી શકે છે. 


રાજસ્થાનના ધૌલપુરમાં પણ મેઘ તાંડવ યથાવત છે. માત્ર એક કલાક થયેલા વરસાદથી સર્વત્ર પાણી પાણી થઈ ગયા છે. આખું શહેર જળ પ્રલયથી પરેશાન છે. આ દ્રશ્યો જોઈને કહી જ ન શકાય કે અહીં આવવા જવા માટે કોઈ રસ્તો પણ હશે ખરો... પૂર અને વરસાદના પાણીથી એ તો સ્પષ્ટ થઈ ગયુ છે કે માણસ ભલે ગમે તેટલો તાકતવર થઈ જાય, ચાંદ ઉપર પણ કેમ ન પહોંચી જાય, પરંતુ કુદરત સામે તે હંમેશા લાચાર જ રહેશે.