દેશમાં વરસાદી પાણીનો કહેર, અનેક રાજ્યોમાં પહેલો વરસાદ બન્યો આફત, પાણી ભરાવાના કારણે લોકો હેરાન-પરેશાન
દેશના અનેક રાજ્યોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગુજરાત, દિલ્હી હોય કે ઉત્તર પ્રદેશ, બધી જગ્યાએ મેઘમહેર જોવા મળી છે. દેશમાં વરસાદ વચ્ચે લોકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. અનેક જગ્યાએ રસ્તાઓ પર પાણી ભરાયા છે.
નવી દિલ્હીઃ દેશના અનેક રાજ્યોમાં ચોમાસું પ્રવેશી ગયું છે. જેના કારણે કેટલાંક રાજ્યોમાં લોકોને ગરમીમાંથી રાહત મળી. જ્યારે કેટલાંક રાજ્યના શહેરોમાં ધોધમાર વરસાદ આફત બનીને આવ્યો છે. જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાતાં જનજીવનને ભારે અસર થઈ છે. ત્યારે કયા રાજ્યમાં વરસાદે કેવી સ્થિતિ સર્જી?. જોઈશું આ રિપોર્ટમાં.
જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. કેમ કે દેશના અનેક રાજ્યોમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જોકે પહેલાં જ વરસાદમાં ઠેર-ઠેર પાણી ભરાતાં તંત્ર અને સરકારની પોલ ખૂલી ગઈ છે. કયા રાજ્યમાં કેવી સ્થિતિ સર્જાઈ છે તે વિગતવાર સમજીએ.
સૌથી પહેલાં વાત ઉત્તરાખંડના હરિદ્વારની. અહીંયા આકાશમાંથી આભ ફાટ્યું હોય તે રીતે ગંગા નદીના જળસ્તરમાં વધારો થયો. ઉપરવાસમાં વરસાદથી નદીમાં એટલું પાણી આવ્યું કે 5 જેટલી ગાડીઓ રમકડાંની જેમ પાણીમાં તણાવા લાગી.
ઉત્તર પ્રદેશના મથુરાના કૃષ્ણનગર વિસ્તારમાંથી પણ આવા દ્રશ્યો સામે આવ્યા છે. અહીંયા અનરાધાર વરસાદથી રસ્તા પર પાણી ભરાઈ ગયું. જેના કારણે સ્થાનિક લોકો અને વાહનચાલકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો. અનેક લોકોના વાહનો પાણીમાં બંધ થઈ જતાં ધક્કા મારવાનો વારો આવ્યો હતો.
આ પણ વાંચોઃ કોણ બનશે લોકસભામાં ડેપ્યુટી સ્પીકર? વિપક્ષે અવધેશ પ્રસાદનું આપ્યું નામ
ઉત્તર પ્રદેશના મોરાદાબાદ શહેરમાં પણ આવી સ્થિતિ છે. અહીંયા વરસાદનું પાણી ચારેબાજુ ભરાઈ ગયું છે. જેના કારણે લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સ્થાનિક પ્રશાસન દ્વારા લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવા માટે બોટનો સહારો લેવાની ફરજ પડી છે. તો સોસાયટીઓમાં પાણી ભરાઈ જતાં લોકોને બે ટંક ખાવાના ફાંફા છે.
ગુજરાતના અનેક શહેરોની પણ હાલત અન્ય રાજ્યો જેવી જ છે.. અહીંયા અમદાવાદ, સુરત શહેરમાં ધોધમાર વરસાદ પડતાં પાણી ભરાઈ ગયા.... સુરતના અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા... જેના કારણે ટુ વ્હીલર બંધ થઈ જતાં તેમને ધક્કા મારવા પડ્યા... જ્યારે અનેક ફોર વ્હીલર ચાલકને પણ પાણીએ હેરાન-પરેશાન કરી દીધા..
એટલે દેશમાં પહેલાં જ વરસાદે તંત્ર અને સરકારની કામગીરીની પોલ ખોલી નાંખી છે... પ્રિ-મોન્સૂન કામગીરીના નામે પ્રજાના પૈસાનું આંધણ કરવામાં આવે છે... પરંતુ વરસાદ પડે ત્યારે સત્તાધીશો ઘરની બહાર પણ નીકળતા નથી.... અને લોકોને મુશ્કેલી સહન કરવાનો વારો આવે છે.