ભોપાલઃ રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રચારનો જંગ હવે અંતિમ તબક્કામાં છે, ત્યારે પ્રધાનમંત્રી મોદીએ ચૂંટણી સભાઓમાં કોંગ્રેસને આડે હાથ લીધી. તેમણે કોંગ્રેસ પર આતંકવાદને બેલગામ બનાવવાનો અને તુષ્ટિકરણ કરવાનો આક્ષેપ કર્યો છે, ત્યાં કોંગ્રેસે ભાજપ પર વળતો પ્રહાર કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમમાં મતદાન પૂર્ણ થતા હવે રાજકીય પક્ષોએ રાજસ્થાન અને તેલંગણા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જ્યાં હજુ મતદાન બાકી છે. 


રાજસ્થાનમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે, ત્યારે 25મીના મતદાન પહેલાં ભાજપે પ્રચારમાં સંપૂર્ણ તાકાત લગાડી દીધી છે. પ્રધાનમંત્રી મોદીએ ભરતપુર અને નાગૌરમાં ચૂંટણી સભાને સંબોધન કર્યું...


નાગૌરમાં તેમણે વીર તેજાજી મંદિરમાં દર્શન તેમજ પૂજા પણ કરી હતી. લોક દેવતા તેજાજી મહારાજના આ મંદિરનો 400 કરોડ રૂપિયાના ખર્ચે પુનરુદ્ધાર થઈ રહ્યો છે. અક્ષરધામની તર્જ પર આ મંદિરને વિકસાવવાનું આયોજન છે.


મંદિરમાં પૂજા બાદ પ્રધાનમંત્રીએ પ્રચારનો મોરચો સંભાળ્યો હતો. ભરતપુરની સભામાં તેમણે કોંગ્રેસ પર આક્રમક પ્રહાર કર્યા. તેમણે કોંગ્રેસને દલિતો અને મહિલા વિરોધી ગણાવી. તેમણે ત્યાં સુધી કહ્યું કે કોંગ્રેસના શાસનમાં આતંકવાદીઓ અને ગુંડા તત્વો બેફામ બને છે..


આ પણ વાંચોઃ દુનિયાની સૌથી અમીર હતી આ મુઘલ સલ્તનતની રાજકુમારી, શાહજહાં કરતા હતા અપાર પ્રેમ


કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ ભરતપુરમાં ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. સભા બાદ તેમણે પ્રધાનમંત્રીના આક્ષેપોનો જવાબ આપ્યો...તેમણે ભાજપને દલિત વિરોધી ગણાવી..
 
રાજસ્થાનમાં કોંગ્રેસ જ્યાં સત્તા બચાવવા લડી રહી છે, ત્યાં ભાજપ સત્તા મેળવવા મથી રહી છે. રાજ્યની પરંપરા રહી છે કે કોઈ પક્ષને સતત બીજી વખત સત્તા નથી મળતી, જેને જોતાં ભાજપ ગેલમાં છે. કોંગ્રેસે મતદારોને આકર્ષવા ચૂંટણી ઢંઢેરામાં મોટા વાયદા કર્યા છે, તો ભાજપ પણ વાયદા કરવામાં પાછળ નથી રહી...


કોંગ્રેસે જ્યાં કોલેજના વિદ્યાર્થીઓને લેપટોપ અને ટેબલેટ આપવાનો વાયદો કર્યો છે, ત્યાં ભાજપે 12 પાસ મેઘાવી વિદ્યાર્થીઓને સ્કૂટી આપવાની જાહેરાત કરી છે. કોંગ્રેસે જ્યાં મહિલાઓને વર્ષે 10 હજાર રૂપિયા આપવાનું વચન આપ્યું છે, ત્યાં ભાજપે માતૃ વંદન સ્કીમ હેઠળ વર્ષે 8 હજાર રૂપિયા આપવાનું વચન આપ્યું છે. કોંગ્રેસે જ્યાં દરેક વિદ્યાર્થીને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણનું વચન આપ્યું છે, ત્યાં ભાજપે યુવતીઓને કેજીથી પીજી સુધી મફત શિક્ષણનું વચન આપ્યું છે. કોંગ્રેસે જ્યાં ગરીબ પરિવારોને 500 રૂપિયામાં LPG સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે, ત્યાં ભાજપે ઉજ્જવલા યોજના હેઠળ 400 રૂપિયામાં સિલિન્ડર આપવાનું વચન આપ્યું છે. કોંગ્રેસે જ્યાં ઓલ્ડ પેન્શન યોજના લાગુ કરવાનું વચન આપ્યું છે, ત્યાં ભાજપે પેપર લીક કાંડની તપાસ માટે SIT બનાવવાનું વચન આપ્યું છે. 


હવે મતદારોએ નક્કી કરવાનું છે કે કોને સત્તા સોંપવી અને કોને વિપક્ષમાં સ્થાન આપવું. આ ચૂંટણીમાં રાજકીય પક્ષોની સાથે રાજસ્થાનની રાજકીય પરંપરાની પણ પરીક્ષા છે..


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube